(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ, તા.૨૫
કોરોના વાયરસની મહામારીને લઈને લોકડાઉનનો કડક અમલ કરવામાં આવી રહ્યો છે, ત્યારે હવે બિનજરૂરી બહાર ફરવા નીકળનારા સામે પોલીસે લાલ આંખ કરી છે હવે નાગરિકોની જાહેરમાં બિનજરૂરી અવર-જવર નહીં ચલાવી લેવાય, તેમજ વાહનો લઈને નીકળતા નાગરિકો પણ ટુ વ્હીલર પર માત્ર એક વ્યક્તિ અને ફોર વ્હીલરમાં વધુમાં વધુ બે લોકો જ નીકળે, તેનાથી વધુ લોકો નીકળ્યા તો પોલીસ દ્વારા વાહનજપ્તી સહિત નિયામાનુસાર કાર્યવાહી કરવામાં આવશે. એમ રાજ્યના ડીજીપી શિવાનંદ ઝાએ જણાવ્યું છે રાજ્યના પોલીસવડા શિવાનંદ ઝાએ વધુમાં જણાવ્યું હતું કે, રાજ્યના પોલીસ વિભાગ દ્વારા લોકડાઉનનું શક્ય તેટલું ચુસ્ત પાલન કરાવવા તમામ પ્રયત્નો કરવામાં આવી રહ્યા છે. દુકાનો ખોલવાની મળેલી છૂટછાટ શરતોને આધીન છે. જો ચારથી વધુ વ્યક્તિ એકત્ર થશે અને સોશિયલ ડિસ્ટન્સ નહીં જળવાયું હોય, તો કડક કાર્યવાહી કરાશે જ. જેથી આવશ્યક ચીજ-વસ્તુઓની ખરીદીમાં ભીડ ન થાય અને નાગરિકો સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન કરે તેમજ મોંઢા પર માસ્ક અને શક્ય હોય તો હાથમાં ગ્લોવ્ઝ પણ પહેરે, એ અતિ આવશ્યક છે. હાલ પવિત્ર રમઝાન માસ દરમિયાન પણ નાગરિકોને ધાર્મિકસ્થળો પર એકઠા ન થતાં ઘરે રહીને જ બંદગી કરે એવી અપીલ કરતાં ડીજીપીએ જણાવ્યું કે, પોલીસતંત્ર ડ્રોન દ્વારા તમામ ધાર્મિક સ્થાનો પર નજર રાખશે અને લોકડાઉનનો ભંગ થયેલો માલૂમ થશે તો કાયદેસરની કાર્યવાહી કરવામાં આવશે. તેમણે ઉમેર્યું કે, રાજ્યના તમામ વિસ્તારોમાં પોલીસ દ્વારા પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે, જ્યારે અંતરિયાળ વિસ્તારોમાં મોટરસાઇકલ પર અને ફૂટ પેટ્રોલિંગ કરીને લોકડાઉનનો ચુસ્ત અમલ કરાઈ રહ્યો છે. નાગરિકોને અપીલ કરતાં ડીજીપીએ કહ્યું કે, કોઈપણ સ્થળે ભીડ થતી હોય કે લોકડાઉનનો ભંગ થતો હોય તો તેઓ ૧૦૦ નંબર પર પોલીસ કંટ્રોલરૂમને માહિતી આપે જેથી નિયમભંગ કરનારાઓ સામે કાર્યવાહી કરી શકાય. ગઈકાલે ૧૦૦ નંબર પર આવેલી આ પ્રકારની ફરિયાદોના આધારે રાજ્યમાં કુલ ૨૯ ગુના દાખલ કરવામાં આવ્યા હતા. જ્યારે રહેણાક વિસ્તારની વિવિધ સોસાયટીઓમાં લગાવવામાં આવેલા ખાનગી CCTV કેમેરાના ફૂટેજના આધારે ગઈકાલે ૩૩ ગુનામાં ૬૦ લોકોની ધરપકડ કરવામાં આવી હતી. જ્યારે આજદિન સુધીમાં ૨૫૭ ગુનામાં કુલ ૪૪૪ લોકોની અટકાયત કરવામાં આવી છે. એટલું જ નહીં, પોલીસ દ્વારા ઇન્ટેલિજન્સ બ્યૂરો પાસેથી પણ આ અંગે વિગતો મેળવી, લોકડાઉન ભંગ અંગેના ગુના નોંધી કાર્યવાહી કરવામાં આવી રહી છે. પોલીસ, આરોગ્ય કર્મચારી અને અન્ય કોઈ સરકારી કર્મચારી પર હુમલો કરનારા સામે કરવામાં આવેલી કાર્યવાહીની વિગતો આપતા ડીજીપી ઝાએ જણાવ્યું કે, અમદાવાદના સરદારનગર વિસ્તારમાં ગત તા.૨૨ એપ્રિલના રોજ પોલીસ જવાન પર હુમલા અંગેના નોંધાયેલા એક ગુનામાં આરોપી સામે પાસા હેઠળ કાર્યવાહી કરી, તેને સુરત જેલ ખાતે મોકલી દીધો છે, જ્યારે અન્ય એક ગુનામાં પાટણ જિલ્લામાં ગત તા.૪ એપ્રિલના રોજ જીઆરડી જવાન પર હુમલો કરનારા શખ્સને પાસા હેઠળ સુરત જેલ હવાલે કરી દેવાયો છે. આ સિવાય તા.૧૯ એપ્રિલના રોજ રાજકોટમાં આરોપીની ધરપકડ વખતે પોલીસની કાર્યવાહીમાં રૂકાવટ ઊભી કરનારા બે લોકો સામે તેમજ ભરૂચ જિલ્લામાં ગત તા.૨૨ માર્ચના રોજ નોંધાયેલા એક ગુનામાં પાંચ શખ્સોની સામે પાસા અંતર્ગત ધરપકડ કરી, કાર્યવાહી કરવામાં આવી હતી. આમ, અત્યાર સુધીમાં રાજ્યમાં આ પ્રકારના ૧૩ ગુનામાં કુલ ૩૫ લોકો સામે પાસા હેઠળ કાર્યવાહી કરવામાં આવી છે.