અમદાવાદ, તા.ર૭
અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિ સંચાલિત શાળાઓમાં છેલ્લા દસેક વર્ષથી વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટતી જતી હોવાનું કારણ આગળ ધરી શાળાઓને બંધ કરવામાં અથવા તો મર્જ કરવામાં આવી રહી છે. ચોંકાવનારી બાબત તો એ છે કે, મુખ્યત્વે બાળકોની સંખ્યા ૧૦૦થી નીચે હોય તો જ તે શાળા મર્જ કરવાની હોય છે પરંતુ સ્કૂલ બોર્ડની શાળાઓમાં તો ૩૦૦થી વધુ વિદ્યાર્થીઓની સંખ્યા હોવા છતાં મર્જ કરી શાળાના મકાનો જે તે દાતા કે મકાન માલિકોને સોંપવાનો કારસો રચાયો હોવાનો ગંભીર આક્ષેપ થઈ રહ્યો છે. અમદાવાદ નગર પ્રાથમિક શિક્ષણ સમિતિના ચેરમેનને પત્ર પાઠવી રજૂઆત કરતાં મ્યુનિ. સ્કૂલ બોર્ડના સભ્ય ઈલ્યાસ કુરેશીએ જણાવ્યું છે કે, છેલ્લા દસ વર્ષમાં સ્કૂલ બોર્ડની શાળાઓમાં વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થતો હોવાથી શાળાઓને બંધ કે મર્જ કરાતા હાલ ૩૭પ જેટલી જ શાળાઓ બચવા પામી છે. હાલ એડમિશન વધી રહ્યા છે તેમ છતાં ૧૬ જેટલી શાળાઓ મર્જ કરવામાં આવી છે. વિદ્યાર્થીઓની સંખ્યા સતત ઘટવાનું કારણ શિક્ષકોને શિક્ષણ સિવાયની પ્રવૃત્તિઓ બહારના કામો અને સરકારી પ્રસાર-પ્રચારનું માધ્યમ બનાવી દેવાયા છે તે જ છે. શિક્ષકોને વર્ગમાં રહેવા દેવાતા ન હોવાથી બાળકોમાં ડ્રોપઆઉટ વધે છે. હાલ સંખ્યા વધારવા શિક્ષકો પર દબાણ લાવી પ્રવેશ કામગીરી કરાવવામાં આવી રહી છે. આથી શિક્ષકોની મહેનતને લીધે વિદ્યાર્થીઓની સંખ્યા તો વધી પરંતુ શિક્ષણની ગુણવત્તા સુધારવા કોઈ આયોજન કરાતું નથી. સ્કૂલ બોર્ડ દ્વારા વિદ્યાર્થી પાછળ વાર્ષિક ૪પ હજાર રૂપિયા ખર્ચ કરવામાં આવે છે છતાં ગુણવત્તાયુક્ત શિક્ષણ ન મળે તે યોગ્ય નથી. મ્યુનિ. સ્કૂલ બોર્ડના સભ્યએ અંક ગંભીર બાબત તરફ ચેરમેનનું ધ્યાન દોરી આક્ષેપ કર્યો હતો કે છેલ્લા ત્રણ વર્ષમાં જે શાળાઓ મર્જ કરવામાં આવી છે તેમાં શિક્ષણ વિભાગ કે નિયામકના પરિપત્રના નિયમોનું ઉલ્લંઘન કરવામાં આવ્યું હોવાનું જણાવ્યું હતું.