(એજન્સી) તા.ર
વર્લ્ડ ફૂડ પ્રોગ્રામ (ડબ્લ્યુએફપી)એ ગઈકાલે ચેતવણી આપી હતી કે તાત્કાલિક સહાયતા વગર સીરિયાના ર.ર મિલિયન લોકોનું ભૂખ અને ગરીબીમાં વધુ સરી પડવાનું જોખમ છે. યુએન એજન્સીએ ટ્વીટર ઉપર કહ્યું કે મે મહિનામાં વિક્રમી ૯.૩ મિલિયન સીરિયાના લોકો ખોરાક અસલામતીથી પીડાઈ રહ્યા છે. વધતા જતા ભાવો અને કોરોના રોગચાળાના પ્રસારના લીધે દેશમાં નવ વર્ષથી ચાલી રહેલા ગૃહયુદ્ધથી થતા નુકસાનમાં વધારો થયો છે. એજન્સીએ વધુમાં જાહેર કર્યું કે દેશમાં તીવ્ર આર્થિક કટોકટીના કારણે તેને સીરિયામાં ભોજન અસુરક્ષાથી પીડાતા લોકોની સંખ્યામાં વધારો થઈ નવો વિક્રમ સર્જાવવાનો ભય છે. આ કટોકટીના કારણે ખાદ્ય પદાર્થોની કિંમતમાં નોંધપાત્ર વધારો થયો છે. આ સંસ્થા અનુસાર, એપ્રિલ મહિનામાં ખાદ્ય પદાર્થોની કિંમતોમાં ગયા વર્ષના આજ સમયગાળાની સરખામણીમાં ૧૦૭ ટકાનો વધારો થયો છે. પાડોશી દેશ લેબેનોનમાં આર્થિક કટોકટી અને નોવેલ કોરોના વાયરસ ફાટી નીકળવાના કારણે પરિસ્થિતિ વધુ વણસી ગઈ છે. મોટાભાગના સીરિયાના લોકો, સીરિયામાં ચાલી રહેલા ગૃહયુદ્ધના લીધે પરિણામેલા ક્રમિક આર્થિક સંકટના કારણે ગરીબી રેખા નીચે રહે છે. યુએસ અને યુરોપિયન યુનિયને (ઈયુ) આ યુદ્ધની અસરગ્રસ્ત દેશ ઉપર મૂકેલા તીવ્ર પ્રતિબંધોના કારણે સંકટની પરિસ્થિતિ વધુ બગડી ગઈ છે.