(એજન્સી) બૈરૂત,તા.૧૩
જ્યાં દાઇશ આતંકી સમૂહ વિરુદ્ધ વળતું આક્રમણ કરવામાં આવી રહ્યું છે તેવા સીરિયાના દાઇર એઝોર પ્રદેશમાં મંગળવારે રશિયા અને યુએસના નેતૃત્વ હેઠળના અલગ-અલગ ગઠબંધનોએ હવાઇ હુમલો કર્યો હતો. આ હવાઇ હુમલામાં ૩૫ નાગરિકોનાં મોત નિપજ્યાં હતાં. “આ હુમલામાં યુફ્રેટ્સ નદીના કિનારે આવેલા ગામમાં રહેતાં એક જ પરિવારના ૧૨ લોકોનાં મોત નિપજ્યાં હતાં, તેમાં પાંચ બાળકોનો પણ સમાવેશ થાય છે” તેમ માનવ અધિકારો માટેની બ્રિટન આધારિત સીરિયન ઓબ્ઝર્વેટરીના વડા રામી અબ્દેલ રહેમાને જણાવ્યું હતું. સીરિયન સરકારના સમર્થનમાં આઇએસ વિરુદ્ધ દાઇર એઝોરના ઉત્તર-પશ્ચિમી વિસ્તારમાં રશિયાએ કરેલા હવાઇ હુમલામાં પાંચ બાળકો સહિત ૧૬ નાગરિકોનાં મોત થયા હતા તેમ તેમણે વધુમાં જણાવ્યું હતું.