(એજન્સી) તા.ર
અલ-અક્સા મસ્જિદ સંકુલમાં શુક્રવારે હજારો પેલેસ્ટીનીઓ જેરૂસલેમમાં ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોનની ઈસ્લામ વિરોધી ટિપ્પણીઓનો વિરોધ કરવા એકઠા થયા હતા. અલ-અક્સા મસ્જિદના ઉપદેશક શેખ ઈકરિમા સાબરીએ પયગમ્બર મોહમ્મદ સાહેબ (સ.અ.વ.)ના અપમાનજનક કાર્ટૂનોના પુનઃ પ્રકાશનની અને સાથે જ મેક્રોનના નિવેદનોની નિંદા કરી હતી. સાબરીએ જાહેરાત કરી હતીકે ફ્રાન્સના રાષ્ટ્રપતિએ વિશ્વભરના મુસ્લિમો પ્રત્યે પોતાની દુશ્મનાવટ પ્રકટ કરી છે. જુમ્માની નમાઝ પછી હજારો ઈબાદતગુજારો અલ-અક્સા સંકુલમાં ભેગા થયા હતા અને પયગમ્બર મોહમ્મદ સાહેબ (સ.અ.વ.)ના વખાણ દર્શાવતા બેનરો હાથમાં લઈને મેક્રોનની ટીકા કરી હતી અને ફ્રેન્ચ ઉત્પાદનોનો બહિષ્કાર કરવાની હાકલ કરી હતી. ઈઝરાયેલી પોલીસે હજારો પેલેસ્ટીનીઓને કબજાવાળા વેસ્ટબેન્કથીઅલ-અક્સા મસ્જિદ સુધી પહોંચતા અગાઉ અટકાવ્યા હતા અને જુમ્માની નમાઝ અદા કરવાથી રોક્યા હતા. આ દેખાવો પછી સાક્ષીઓએ એનાદોલુ એજન્સીને જણાવ્યું હતું કે ઈઝરાયેલી પોલીસે ઈબાદતગુઝારોનો પીછો કરી એક કેમેરામેન ઉપરાંત એક અન્યની ધરપકડ કરી હતી. આ મહિનાની શરૂઆતમાં મેક્રોને ઈસ્લામને ધર્મસંકટમાં ગણાવ્યું હતું અને ઈસ્લામી અલગતાવાદીને (ફ્રાન્સમાં) પહોંચી વળવા માટે વધુ કડક કાયદાઓ લાગુ કરવાની યોજનાઓની જાહેરાત કરી હતી. ફ્રાન્સના મુસ્લિમોએ મેક્રોન પર તેમના ધર્મને દબાવવાનો પ્રયત્ન કરવાનો અને ઈસ્લામોફોબિયાને કાયદેસર બનાવવાનો આરોપ મૂક્યો છે. તુર્કીએ પણ મુસ્લિમો અને ઈસ્લામ પ્રત્યે મેક્રોનના વલણની નિંદા કરી છે અને રાષ્ટ્રપતિ એર્દોગને કીધું હતું કે આ ફ્રેન્ચ પ્રમુખને માનસિક આરોગ્ય તપાસની જરૂર છે. ઈસ્લામ પ્રત્યે મેક્રોનનું વલણ, મુસ્લિમોના પયગમ્બર મોહમ્મદ સાહેબ (સ.અ.વ.)નું અપમાન કરનારા કાર્ટૂનોનું પુનઃ પ્રકાશન અને ઈમારતોની દીવાલો પર કાર્ટૂનોને દર્શાવવાના કારણે કતાર, કુવૈ, અલ્જિરિયા, સુદાન, પેલેસ્ટીન અને મોરક્કો સહિતના ઘણા દેશોમાં ફ્રેન્ચ ઉત્પાદનોનો બહિષ્કાર શરૂ થયો હતો.