International

બેન્જામિન નેતાન્યાહુએ સઉદીમાં ક્રાઉન પ્રિન્સ અને પોમ્પિયો સાથે ગુપ્ત વાતચીત કરી : અહેવાલ

 

(એજન્સી) જેરૂસલેમ, તા.૨૩
ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહૂએ રવિવારે સઉદી અરબમાં ક્રાઉન પ્રિન્સ મોહમ્મદ બિન સલમાન સાથે ગુપ્ત વાતચીત કરી હોવાના અહેવાલ મળ્યા છે. મીડિયાના અહેવાલ અનુસાર ઇઝરાયેલના વડાપ્રધાનની આ પ્રથમ સઉદી અરબનો પ્રવાસ છે. ઇઝરાયેલી પબ્લિક બ્રોડકાસ્ટરના સંવાદદાતા કેને સોમવારે જણાવ્યું હતું કે, પાછલા અઠવાડિયે ઇઝરાયેલના પ્રવાસે જનારા અમેરિકાના વિદેશ મંત્રી માઇક પોમ્પિયો પણ આ વાતચીતમાં હાજર હતા.
બ્રોડકાસ્ટરે બેનામી ઇઝરાયેલી અધિકારીઓને ટાંકતા જણાવ્યું હતું કે, નેતાન્યાહૂ અને મોસાદ ગુપ્તચર એજન્સીના પ્રમુખ યોસી કોહેને રવિવારે સઉદી અરબ માટે ઉડાન ભરી હતી અને પોમ્પિયો તથા મોહમ્મદ બિન સલમાન સાથે મુલાકાત કરી હતી. ઇઝરાયેલની અન્ય મીડિયા એજન્સીઓએ પણ આ મુલાકાતના અહેવાલો આપ્યા હતા.આ અહેવાલને લઇને નેતાન્યાહૂની ઓફિસે તાત્કાલિક કોઇ ખુલાસો આપ્યો નથી. આ મુલાકાત ઇઝરાયેલના અખાતના બે દેશો યુએઇ અને બેહરીન સાથે સંબંધો સામાન્ય બનાવવા અંગે થયેલા ઐતિહાસિક કરાર બાદ સામે આવી છે. અમેરિકામાં હારનારા રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પની પહેલ પર આ બંને દેશોની સમજૂતી થઇ હતી. અમેરિકા અને ઇઝરાયેલે સતત એ વાતનાસંકેત આપ્યા છે કે, કેટલાક અન્ય અરબ દેશો પણ ઇઝરાયેલ સાથે સંબંધ સામાન્ય કરવા માટે તૈયાર છે.