(એજન્સી) તા.ર૮
ઈરાનના પાટનગર તેહરાનમાં ટોચના પરમાણુ વૈજ્ઞાનિક મોહસીન ફખરી ઝાદેહની હત્યા કરી દેવામાં આવી છે. તેમને ધ ફાધર ઓફ ઈરાનિયન બોમ્બ કહેવામાં આવતા હતા. સમાચાર એજન્સીએ ઈરાનના વિદેશમંત્રીને ટાંકીને જણાવ્યું હતું કે આતંકવાદીઓએ આ બનાવને અંજામ આપ્યો છે. એવું કહેવામાં આવી રહ્યું છે કે ઈરાનના વિદેશ મંત્રાલયે આ ઘટના માટે ઈઝરાયેલને જવાબદાર ઠેરવ્યું છે. દેશના ક્રાંતિકારી રક્ષક કમાન્ડરે કહ્યું કે ઈરાન આ ઘટનાનો બદલો ચોક્કસ લેશે. ફખરીઝાદેહ, ઈમાર હુસેન યુનિ.માં ભૌતિકશાસ્ત્રના પ્રોફેસર હતા, તેઓ ઈરાની સંરક્ષણ મંત્રાલય અને સશસ્ત્ર દળ લોજિસ્ટિકસમાં એક વરિષ્ઠ વૈજ્ઞાનિક તરીકે હતા. ઈરાનના વિદેશમંત્રી મોહમ્મદ જવાદ ઝરીફે શુક્રવારે ટ્વીટર પર નિવેદન આપ્યું હતું કે દેશના કાયદાકીય સૈન્ય પરમાણુ કાર્યક્રમ સાથે જોડાયેલા આ વૈજ્ઞાનિકની હત્યાના મામલામાં ઈઝરાયેલની ભૂમિકા હોવાના ગંભીર સંકેત છે. જો કે, આ બાબત અંગે ઈઝરાયેલે ટિપ્પણી કરવાનો ઈન્કાર કરી દીધો હતો. ઝરીફે ટ્વીટર પર કહ્યું કે આતંકવાદીઓએ એક જાણીતા ઈરાની વૈજ્ઞાનિકની હત્યા કરી નાખી છે અને આ કાયર કૃત્ય કાવતરાખોરોની હતાશાને દર્શાવે છે, જેમાં ઈઝરાયેલની ભૂમિકા હોવાના ગંભીર સંકેતો છે.