ખેડૂત આંદોલનના મુદ્દા પર ગુરૂવારના રોજ રાહુલ ગાંધીના નેતૃત્વમાં રાષ્ટ્રપતિ ભવન સુધી કૂચ કરી રહેલા કોંગ્રેસ નેતાઓની માર્ચને દિલ્હી પોલીસ દ્વારા રોકી દેવાઈ જ્યાં પ્રિયંકા ગાંધીની આ દરમિયાન અટકાયત કરાઇ હતી. ત્યારબાદ થોડીવારમાં છોડી દેવામાં આવ્યા હતા. રાહુલ ગાંધી કોંગ્રેસ સાંસદોની સાથે કિસાન આંદોલનના મુદ્દાનો ઉકેલ નીકાળવાની માંગણી સાથે રાષ્ટ્રપતિને આવેદન સોંપવા જઇ રહ્યા હતા. કેન્દ્રના કાયદાની વિરૂદ્ધ લગભગ એક મહિનાથી હજારોની સંખ્યામાં ખેડૂત દિલ્હીની સરહદો પર પ્રદર્શન કરી રહ્યા છે. કોંગ્રેસે કહ્યું કે રાહુલ જે મેમોરેન્ડમ રાષ્ટ્રપતિને આપી રહ્યા છે તેના પર લગભગ બે કરોડ હસ્તાક્ષર છે. આ મેમોરેન્ડમમાં રાષ્ટ્રપતિને ખેડૂતોના મુદ્દા પર દખલ કરવાની માંગણી કરી છે. રાહુલ ગાંધીની સાથે પ્રિયંકા ગાંધી વાડ્રા અને બીજા વરિષ્ઠ નેતા પણ હતા.