(એજન્સી) તા.૨૯
વિશ્વના અન્ય દેશોની જેમ ઓસ્ટ્રેલિયા પણ ભારતમાં વધતી જતી આપખુદશાહી પર બાજ નજર રાખી રહ્યું છે. જો કે ઓસ્ટ્રેલિયન સરકાર આ મુદ્દે કૂણું વલણ દાખવી રહી છે પરંતુ કેટલાક વિધાનસભ્યો અને નાગરિકો પોતાની ખામોશી તોડી રહ્યાં છે. જો કે ગઇ સાલ દિલ્હીની સત્તાવાર ક્રેડ મિશન પર આવેલા ઓસ્ટ્રેલિયન સરકારના પ્રધાન સાયમન બર્મિંગહામે ભારતમાં કાયદાના શાસનને રાષ્ટ્રની એક તાકાત ગણાવી હતી. એ જ રીતે ગઇ સાલ નવે.માં ઓસ્ટ્રેલિયન હાઇકમિશનર બેરીઓ આરેલેે નાગપુર ખાતે આરએસએસના વડા મોહન ભાગવતની મુલાકાત લીધી હતી જેના કારણે ઘણાને આશ્ચર્ય થયું હતું. જો કે ઓસ્ટ્રેલિયન સરકારની સત્તવાર નીતિ અને વલણ ભલે ગમે તે હોય પરંતુ તમામ ઓસ્ટ્રેલિયનો એ વાતથી અજાણ નથી કે ભારતમાં ભાજપના લોકતંત્રની પરીભાષામાં ફાસીવાદી તત્વો ફુલી ફાલી રહ્યાં છે. સંસદના બિનસરકારી સભ્યો અને સિવિલ સોસાયટીના સભ્યોના વડપણ હેઠળ ભારતની આ સ્થિતિ અંગે જાગૃતિ વધતી જાય છે. દિલ્હીમાં નરસંહારના પગલે કેટલાક ઓસ્ટ્રેલિયન ભારતીયોએ એક પિટિશન સરક્યુલેટ કરી હતી જેમાં ઓસ્ટ્રેલિયા ખાતેના ભારતીય હાઇકમિશનરને કોમવાદી હિંસા વિરુદ્ધ વલણ દાખવવા અપીલ કરી હતી. ભારતમાં માનવ અધિકાર ઉલ્લંઘન પર સામુદાયિક સંગઠનો ગોળમેજી ચર્ચા યોજવા માટે સાંસદો સાથે કામ કરી રહ્યાં છે. ધ હ્યુમેનિઝમ પ્રોજેક્ટ, ધી ઇન્ડિયન અમેરિકન મુસ્લિમ કાઉન્સિલ, હિંદુઝ ફોર હ્યુમન રાઇટ્સ અને એમ્નેસ્ટી ઇન્ટરનેશનલ ઓસ્ટ્રેલિયાનું બનેલ એક વ્યાપક ઇન્ટરનેશનલ કોએલિશન દ્વારા ન્યૂ સાઉથ વેલ્સ સંસદમાં તાજેતરમાં એક રાઉન્ડ ટેબલ કોન્ફરન્સ યોજાઇ હતી જેનો વિષય હતો કે શું ભારત ફાસીવાદી રાષ્ટ્ર બની રહ્યું છે ? ઓસ્ટ્રેલિયન સ્ટેટ અને સંઘીય સાંસદો દ્વારા આયોજિત આ ફોરમમાં અમેરિકા, બ્રિટન અને ભારતના વક્તાઓ અને સાંસદો ઉપસ્થિત રહ્યાં હતાં. ગ્રીન્સ પાર્ટીના સ્ટેટ અને ફેડરલ સાંસદોએ પણ કાશ્મીરનું અધિગ્રહણ અને તેના વિશિષ્ટ દરજ્જાની નાબૂદી સહિત મોદી સરકારના અપરાધો અંગે પોતાની સંસદમાં જોરશોરથી રજૂઆત કરી છે. આ ઉપરાંત દલિતો, આદિવાસીઓ અને અન્ય વંચિત સમૂહો પર દમન અને તેમની સાથેના ભેદભાવને કારણે પણ મોદી સરકાર પર પસ્તાળ પડી રહી છે.