ઘેરાયેલા એન્ક્લેવમાં મહિનાઓથી બોમ્બમારો થઈ રહ્યો છે, UN એજન્સી કહે છે કે, બચી ગયેલા બાળકોમાં ‘રડવાની શક્તિ પણ રહી નથી’
(એજન્સી) તા.૧૯
યુનાઇટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ (યુનિસેફ) કહે છે કે, ‘ઇઝરાયેલે ૭ ઓકટોબરથી ગાઝામાં ૧૩,૦૦૦થી વધુ બાળકોની હત્યા કરી નાંખી છે, જ્યારે અન્ય લોકો ગંભીર કુપોષણથી પીડાય છે અને તેમનામાં રડવાની શક્તિ પણ બચી નથી.’ યુનિસેફના એક્ઝિક્યુટિવ ડાયરેક્ટર કેથરિન રસેલે રવિવારે સીબીએસ ન્યૂઝ નેટવર્કને જણાવ્યું હતું કે, ‘હજારો વધુ બાળકો ઘાયલ થયા છે, અમે એ પણ નક્કી કરી શકતા નથી કે તેઓ ક્યાં હશે. કદાચ તેઓ કાટમાળ નીચે ફસાયેલા હોઈ શકે છે. અમે વિશ્વમાં લગભગ કોઈ અન્ય સંઘર્ષમાં બાળકોમાં મૃત્યુનો આટલો દર જોયો નથી.’ ‘હું ગંભીર એનિમિયા કુપોષણથી પીડાતા બાળકોના વોર્ડમાં છું, આખો વોર્ડ એકદમ શાંત છે. બાળકો અને શિશુઓમાં રડવાની શક્તિ પણ બચી નથી.’ રસેલે જણાવ્યું હતું કે, ઇઝરાયેલનું નરસંહાર યુદ્ધ શરૂ થયું ત્યારથી ૨૦ લાખથી વધુ પેલેસ્ટીનીઓ દુકાળનો ભોગ બન્યા છે. સહાય માટેની ટ્રકો ગાઝામાં મોકલવા અંગે ખૂબ જ મોટા અમલદારશાહી પડકારોનો સામનો કર્યો હતો. વધુમાં યુએન રિલીફ એન્ડ વર્ક્સ એજન્સી ફોર પેલેસ્ટીન રેફ્યુજીસ (યુએનઆરડબ્લ્યુએ) અનુસાર, ઉત્તર ગાઝામાં બે વર્ષથી ઓછી ઉંમરના ત્રણમાંથી એક બાળક હવે તીવ્ર કુપોષિત છે. એજન્સીએ એવી ચેતવણી પણ આપી હતી કે, પાંચ મહિનાથી વધુ સમયથી અવિરત ઇઝરાયેલી બોમ્બ ધડાકાનો સામનો કરી રહેલા ઘેરાયેલા એન્ક્લેવમાં દુકાળ પડી રહ્યો છે. યુદ્ધમાં મૃત્યુઆંક, ગાઝામાં ભૂખમરાની કટોકટી અને એન્ક્લેવમાં સહાયની ડિલિવરી અવરોધિત કરવાના આરોપોને કારણે ઇઝરાયેલ પર આંતરરાષ્ટ્રીય ટીકાઓ વધી છે. રવિવારે ઇઝરાયેલના વડાપ્રધાન બેન્જામિન નેતાન્યાહુએ ઇજિપ્તની સરહદે આવેલા શહેર રફાહની જમીન પર હુમલો કરવાની તેમની ધમકીને પુનરાવર્તિત કરી હતી જ્યાં ૧૦ લાખથી વધુ પેલેસ્ટીનીઓએ આશ્રય લીધો છે. નેતાન્યાહુએ તેમના કાર્યાલય દ્વારા જાહેર કરેલા એક વીડિયોમાં જણાવ્યું હતું કે, ‘કોઈપણ આંતરરાષ્ટ્રીય દબાણ અમને યુદ્ધના તમામ ધ્યેયોને સાકાર કરવાથી રોકી શકશે નહીં : હમાસને ખતમ કરવું, અમારા તમામ બંધકોને મુક્ત કરાવવા અને તે સુનિશ્ચિત કરવું કે ગાઝા હવે ઇઝરાયલ સામે ક્યારેય ખતરો નહીં ઊભો કરે. આ કરવા માટે અમે રફાહમાં પણ ફાર્યવાહી કરીશું.’ ઓકટોબર ૭થી ઇઝરાયેલના લશ્કરી અભિયાનમાં ગાઝામાં ઓછામાં ઓછા ૩૧,૬૪૫ પેલેસ્ટીનીઓ માર્યા ગયા છે, જેમાં મોટાભાગની મહિલાઓ અને બાળકો છે, ગાઝાના આરોગ્ય મંત્રાલયના જણાવ્યા અનુસાર અને તેના લગભગ ૨૦ લાખ રહેવાસીઓને વિસ્થાપિત કરવામા આવ્યા છે. ઇઝરાયેલી કામગીરીને કારણે નરસંહારના આરોપો પણ લાગ્યા છે, જેની તપાસ યુએનની ઇન્ટરનેશનલ કોર્ટ ઓફ જસ્ટિસમાં ચાલી રહી છે. ઇઝરાયેલે વારંવાર નરસંહારના આરોપોને નકારી કાઢ્યા છે અને ભારપૂર્વક જણાવ્યું છે કે, તે હમાસ દ્વારા ઓકટોબર ૭ના હુમલા પછી સ્વ-બચાવમાં કાર્યવાહી કરી રહ્યું છે જેમાં તેણે કહ્યું હતું કે, અમારા ૧૧૩૦થી વધુ લોકો માર્યા ગયા હતા અને ૨૦૦થી વધુ લોકોને બંદી બનાવી લેવામાં આવ્યા હતા.