![](https://gujarattoday.in/wp-content/uploads/2024/03/0-29-900x504.jpg)
વરિષ્ઠ પોલીસ અધિક્ષક (SSP)ના જણાવ્યા અનુસાર આ વીડિયો ૨૩ માર્ચે ઉતારવામાં આવ્યો હતો
(એજન્સી) તા.૨૪
ઉત્તરપ્રદેશના બિજનૌરમાં બે મુસ્લિમ મહિલાઓ પર બળજબરીથી રંગ લગાવવાનો મામલો સામે આવ્યો છે. આને લગતો એક વીડિયો પણ સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. વાયરલ વીડિયો બિજનૌરનો છે જ્યાં બે મુસ્લિમ મહિલાઓ બાઇક પર પોતાના ઘરે જઈ રહી હતી. મહિલાઓ સાથે યુવકને પણ બળજબરીથી રંગ લગાવવામાં આવ્યો હતો. વીડિયો સામે આવ્યા બાદ ચારેકોરથી તેની ટીકા થઈ રહી છે.
આ દરમિયાન લોકો બજારમાં હોળી રમી રહ્યા હતા પરંતુ મહિલાઓના ના પાડવા છતાં ત્યાં હાજર લોકોએ તેમના પર રંગો લગાવ્યા હતા. આ ઘટનાનો વીડિયો વાયરલ થયા બાદ પોલીસે કાર્યવાહી હાથ ધરી છે અને એક વ્યક્તિની ધરપકડ કરી છે. આ ઉપરાંત ત્રણ સગીર યુવકોની પણ અટકાયત કરવામાં આવી છે. આગળની કાર્યવાહી હાથ ધરી છે.
વાયરલ વીડિયો બિજનૌરના ધામપુર પોલીસ સ્ટેશન વિસ્તારનો હોવાનું કહેવાય છે. એક પુરૂષ બાઇક ચલાવતો હતો અને પાછળ બે મુસ્લિમ મહિલાઓ બેઠી હતી. તેમના પર જબરદસ્તીથી કલર લગાવવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે અને લોકો તેની નિંદા પણ કરી રહ્યા છે. વાયરલ વીડિયોમાં જોઈ શકાય છે કે, બાઇક સવાર યુવકના ના પાડવા છતાં લોકો પાણી ફેંકી રહ્યા છે અને રંગો લગાવી રહ્યા છે.
આ દરમિયાન વાયરલ વીડિયોમાં એક યુવકને એવું કહેતા સાંભળી શકાય છે કે, આ મુખ્ય બજાર છે અને છેલ્લા ૭૦ વર્ષથી અહીં દર વર્ષે આ રીતે હોળી રમાય છે, તમારે આવવું ન જોઈએ. પરંતુ ત્યાં હાજર હોળી રમતા યુવકો રાજી ન થયા અને રંગ પણ લગાવ્યો અને બાઇક પર બેઠેલી બે મુસ્લિમ મહિલાઓ પર પાણી ફેંક્યું. થોડી દલીલબાજી બાદ યુવક યુવતી સાથે મોટરસાઇકલ પર આગળ વધે છે. જ્યારે તે જાય છે ત્યારે પણ તેના પર રંગો અને પાણી ફેંકવામાં આવે છે. વરિષ્ઠ પોલીસ અધિક્ષક (એસએસપી)ના જણાવ્યા અનુસાર આ વીડિયો ૨૩ માર્ચે શૂટ કરવામાં આવ્યો હતો.