(એજન્સી) નવી દિલ્હી, તા.૩૦
ઇન્ડિયન ઇન્સ્ટિટ્યૂટ ઑફ ટેક્નોલોજી (આઇઆઇટી)માં પ્રવેશ મેળવવો એ અનેક લોકો માટે એક સ્વપ્ન છે અને ત્યાં સ્થાન મેળવવા માંગતા ઇચ્છુકો વધારાની મજલ કાપવા પણ તૈયાર હોય છે. જો કે આશ્ચર્યજનક પગલામાં સુજલ સિંહે આઇઆઇટી દિલ્હીમાં ન જવાનું નક્કી કર્યું અને તેના બદલે દિલ્હી ટેક્નોલોજિકલ યુનિવર્સિટી (ડીટીયુ)માં કમ્પ્યુટર સાયન્સનો અભ્યાસ કરવાનું પસંદ કર્યું. સિવિલ એન્જિનિયરિંગ માટે આઈઆઈટીમાં પ્રવેશ મળી ગયો હોવા છતાં સુજલે કોમ્પ્યુટર સાયન્સ પ્રત્યેના તેના પ્રેમને અનુસર્યો. સુજલનો પરિવાર અલીગઢનો છે અને તેના પિતા બળવંત સિંહ નોઈડામાં એક મોલ પાસે ટુવાલ વેચે છે. તેમના પુત્રના અભ્યાસ પ્રત્યેના સમર્પણ અંગે બળવંત જણાવે છે કે હું જાણતો હતો કે મારૂ બાળક સક્ષમ છે તે આખો દિવસ અભ્યાસ કરતો હતો. સુજલ સવારે વહેલો જાગી જતો અને મોડી રાત સુધી અભ્યાસ કરતો.જ્યારે પણ હું રાત્રે લગભગ ૨-૩ વાગે પાણી પીવા માટે જાગી જતો ત્યારે પણ તે ભણતો જ હતો તેણે ક્યારેય મિત્રો સાથે બહાર વધુ સમય વિતાવ્યો નથી.ઇન્ડિયન એક્સપ્રેસ દ્વારા અહેવાલમાં જણાવ્યું છે, દર મહિને આશરે રૂા.૨૦,૦૦૦ની સામાન્ય આવક હોવા છતાં, બળવંત સુજલને શ્રેષ્ઠ શિક્ષણ આપવા માટે પ્રતિબદ્ધ છે. મોરી ગેટ ખાતેની સરકારીબોયઝ સ્કૂલનો વિદ્યાર્થી સુજલે ગ્રેડ ૧૨માં ફિઝિક્સ વાલાહ સાથે ઓનલાઈન ક્લાસમાં હાજરી આપીને જેઇઇ મેઈન્સમાં પ્રભાવશાળી ૯૯.૫ પર્સેન્ટાઈલ હાંસલ કર્યા છે. બળવંતે ભારપૂર્વક જણાવ્યું હતું કે, મેં ક્યારેય મારા બાળકો પર કારકિર્દી માટે દબાણ કર્યું નથી તેઓ જે પસંદ કરે છે તેમાં હું તેમને શ્રેષ્ઠ જોવા માંગુ છું. સુજલની બહેન હાલમાં યુપીએસસી પરીક્ષાની તૈયારી કરતી વખતે દિલ્હીમાં સાયન્સમાં સ્નાતકની ડિગ્રી મેળવી રહી છે. ડીટીયુમાં સુજલની દૈનિક મુસાફરીની સુવિધા માટે પરિવાર દિલ્હીમાં ભજનપુરા ખાતે ભાડાના મકાનમાં સ્થળાંતર થયો છે.