(એજન્સી) તા.૧૦
૬૦ હજારથી વધુ પેલેસ્ટીનીઓએ બુધવારે કબજાવાળા પૂર્વ જેરૂસલેમમાં અલ-અક્સા મસ્જિદમાં ઇદ-ઉલ-ફિત્રની નમાઝ અદા કરી પરંતુ કોઈ ઉજવણીનું વાતાવરણ ન હતું. ઉપરાંત છ મહિનાથી વધુ સમયથી ગાઝા પટ્ટી પર ઇઝરાયેલમાં ચાલી રહેલા યુદ્ધના પીડિતો માટે શોક મનાવવામાં આવ્યો. ઇઝરાયેલી પોલીસ અધિકારીઓની મોટી ટુકડીઓ શહેરના પ્રવેશદ્વારો અને ગલિયોમાં તૈનાત કરવામાં આવી હતી. જેરૂસલેમમાં ઇસ્લામિક બંદોબસ્ત વિભાગે એક નિવેદનમાં જણાવ્યું કે, ૬૦ હજારથી વધુ નમાઝીઓએ રમઝાન મહિનાના અંત પછી મુખ્ય મુસ્લિમ તહેવાર ઇદ-ઉલ-ફિત્રના દિવસે અલ-અક્સા મસ્જિદમાં નમાઝ અદા કરી. વરસાદ છતાં મુસ્લિમ નમાઝીઓ ફજરની નમાઝ પહેલા જ મસ્જિદમાં પહોંચવા લાગ્યા. જો કે, પ્રત્યક્ષદર્શીઓએ જણાવ્યું કે, જૂના શહરેના બાબ અલ-અસબત અને બાબ અલ-સિલસિલા વિસ્તારોમાં મસ્જિદમાં પ્રવેશ કરવા અને બહાર નીકળવા પર ઇઝરાયેલી પોલીસે કેટલાક લોકો પર હુમલો કર્યો. ઇઝરાયેલી પોલીસે તેમાંથી કેટલાકને અલ-અક્સામાં પ્રવેશ કરવાથી રોકી દીધા માટે તેમણે મસ્જિદની બહાર નમાઝ અદા કરી. પેલેસ્ટીની સમૂહ હમાસ દ્વારા ૭ ઓકટોબરે સીમા પારથી કરવામાં આવેલા હુમલા પછી ગાઝા પટ્ટી પર ઇઝરાયેલી સેનાના ચાલી રહેલા હુમલાના કારણે કબજાવાળા વેસ્ટ બેંકમાં વધતા તણાવની વચ્ચે ઇઝરાયેલે અલ-અક્સા મસ્જિદ સુધી પેલેસ્ટીની મુસ્લિમોની પહોંચને પ્રતિબંધિત કરી દીધી છે. અલ-અક્સા મસ્જિદ મુસ્લિમો માટે વિશ્વનું ત્રીજું સૌથી પવિત્ર સ્થળ છે. યહૂદી આ ક્ષેત્રને ટેમ્પલ માઉન્ટ કહે છે તેમનો દાવો છે કે, પ્રાચીન કાળમાં આ બે યહૂદી મંદિરોનું સ્થળ હતું.