Downtrodden

ઉનાકાંડમાં સાંપ્રદાયિક બળોનો નગ્ન નાચ

મંતવ્ય – ‘ખાદિમ’ લાલપુરી

હમ આહ ભી કરતે હે, તો હો
જાતે હૈ બદનામ.
વો કત્લ ભી કરતે હે તો ચર્ચા
નહીં હોતી !
આપણો દેશ વર્તમાન સમયમાં ખૂબ જ નાજૂક વળાંકથી પસાર થઈ રહ્યો છે. જાતિ આધારે વર્ગીકરણને પ્રોત્સાહિત કરી દેશની જાતિઓ વચ્ચે તીરાડ દેશ માટે એક ખતરનાક ચિહ્નનો સંકેત આપી રહ્યો છે.
બરબાદે ગુલિસ્તાં કરને કા
ે એક હી ઉલ્લુ કાફી થા
હર શાખ પે ઉલ્લુ બેઠા હૈ, અંજામે ગુલિસ્તાં ક્યા હોગા ?
દેશની દલિત અને પછાત જાતિઓને કેમ કરી કચડી નાખવી, દેશના બુદ્ધિજીવીઓ અને સેક્યુલર લોકોને હવે તો સમજાઈ ગયું છે. આપણો દેશ ચોક્કસ લોકશાહીને વરેલો દેશ છે. પણ સરેઆમ જાણે હિટલરશાહીનો પંજો ચોક્કસ એક વિચારધારાને તાબે થવા મજબૂર કરી રહ્યો હોય એવું આ દેશમાં સતત બનતા બનાવો એની ગવાહી આપી રહ્યા છે. દેશનો સિત્તેર ટકા કચડાયેલો વર્ગ દરેક ક્ષેત્રે એક ચિત્કારી ઉલાપી રહ્યો હોય એવું સ્પષ્ટ જણાઈ રહ્યું છે. એની આહો અને ચિત્કારોને કોઈ સાંભળનાર જ નથી ! આ દેશની લઘુમતીઓ, એમાં ખાસસ કરી એસ.સી, એસ.ટી., લઘુમતીઓ અને અન્ય પછાત જાતિઓની પરિસ્થિતિ એટલી હદે વણસી ચૂકી છે કે દેશના ચારે ખૂણે એની ચિચિયારીઓને કોઈ સાંભળવા કે સાંત્વન આપવા તૈયાર નથી અને આનો કોઈ અંત જણાતો પણ નથી જ.
એક ચિત્કાર કે ચિચિયારી બહાર આવ્યા પછી મસળેલ હૃદયના લોહીનું એક બૂંદ ધરતી ઉપર જ્યારે આત્મહત્યા કરી લે છે ત્યાર પછી એનું સર્જન લેખકો, કવિઓ દ્વારા કાગળના વરકો ઉપર પ્રસરે છે, ત્યારે પથ્થર દિલોને પણ સ્પર્શી હચમચાવી જાય છે. જ્યારે તે સાચા અર્થમાં માણસ કે માનવ હોય ?
યે માના કે દિલ નહીં
તેરે સિનેમે મેેં,
પથ્થર ભી તો પીગલતે
હે આબશારું સે.
સૌરાષ્ટ્રના ઉનાના મોટા સમઢિયાળા મુકામે બનેલો બનાવ એક શૈતાનને લજવે એવો કહી શકાય. કોઈપણ માનવ ચાહે તે કોઈ ધર્મ આધારિત ગમે તે જાતિનો હોય અથવા તો કોઈપણ ધર્મ સાથે એ ન પણ જોડાયેલો હોય, આખરે એ માણસ કે માનવ જાતિથી તો સંકળાયેલો તો છે જ. માનવતાને દયા માટે જ્ઞાતિ કે ધર્મની કોઈ બાધ નડતી નથી. ઉનામાં દંભી અને ગુંડા ગૌરક્ષકો દ્વારા દલિતો, યુવાનો ઉપર જે અત્યાચાર ગુજારવામાં આવ્યો એ શૈતાનને પણ લજવી મારે તેવો છે. એ સીતમનું વર્ણન પણ અહીં વર્ણવી શકાય તેમ નથી. ૩૦થી ૩પ ગુંડાધારી ગૌરક્ષકોને માર મારતા પોલીસ જોઈ રહી છે પણ, પોલીસમાં માનવતા કે માણસાઈના કોઈ જીન્સ હોય તેવું કંઈ જણાતું નથી. એ ચાર યુવકોની આહો અને ચિસો માનવભક્ષી પશુઓ અને પોલીસ સામે લાચાર હતી. ગૌસેવાના નામે આ ગુંડાગર્દી માત્ર ગુજરાતમાં જ નહીં સમગ્ર દેશમાં ફાટી પડી છે. જીવદયાના નામે દંભનો આંચળો ઓઢી સડકો ઉપર ઉતરી આવનારા માનવ અત્યાચાર અને શૈતાનને લજવી મારે એવા દમન સામે કેમ મૌન ધારણ કરી લે છે ??? માનવ અત્યાચાર અને માનવોની સરેઆમ ખૂનરેઝી જોયા પછી કોઈ જીવદયાપ્રેમી અને રોકથામ માટે સડકો ઉપર ઉતરી આવ્યો હોય એવો એક દાખલો તો કોઈ બતાવે !! કુદરતે સર્જેલી સૃષ્ટિમાં પશુ-પંખીઓથી સર્વશ્રેષ્ઠ તો માનવ જીવ છે. ત્યારે આ જીવદયાના ઢોંગીઓની દયા ભાવના માટે એમને ક્યો ધર્મ રોકી રહ્યો છે ? એ પણ એક પ્રશ્નાર્થ છે. માનવ માટે દયા ભાવના ક્યાં અને કેમ લુપ્ત થઈ જાય છે ?
મારા ઉપર મુજબ વર્ણન કર્યા મુજબ સમગ્ર દેશ સાંપ્રદાયિક પરિબળોનો શિકાર છે. આવી બાબતોમાં સરકાર એમને પ્રોત્સાહિત કરી રહી છે. આ દેશનો સેક્યુલર વર્ગ આથી અજાણ નથી. સમગ્ર દેશમાં આવા નાપાક અને શૈતાની કૃત્યો વધારે પડતા દલિતો અને મુસ્લિમો સાથે થઈ રહ્યા છે. ઉના કાંડને લજવી મારે એવા બનાવો મુસ્લિમો સાથે પણ થતાં જ રહ્યા છે. બાબરીથી દાદરીના બનાવોની એક ગ્રંથસમાન દાસ્તાનો છે. ગૌરક્ષણના નેજા હેઠળ દલિતો અને મુસ્લિમોને ખાસ આની પેટર્ન બનાવવામાં આવી હોય અને આ માટે એક ખાસ યોજનાને અમલી સ્વરૂપ આપવામાં આવી રહ્યું હોય એવું જણાઈ રહ્યું છે.
હમણાં જ હરિયાણામાં મુસ્લિમ યુવકો ઉપર અત્યાચારી બનેલી ઘટના પણ ઉના કાંડથી સહેજે ઉતરતી નથી. ગૌવંશના વેચાણનો ધંધો કરતા નિર્દોષ યુવાનો સાથે મારઝૂડ તો એટલી હદે આચરવામાં આવી કે એમની પણ ચિત્કાર કોઈ સાંભળનાર ન હતું. યુવાનો તદ્દન લાચાર અને બેબસ હતા. એમની ચિચિયારીઓ હવામાં જ લુપ્ત થઈ ગઈ. એટલેથી એ તેમને ક્યાં સંતોષ હતો !! ડંડાઓથી એ યુવાનોને લાચાર બનાવી ગૌમૂત્ર અને ગોબર (છાણ) બંને ખાવા અને પીવા ઉપર મજબૂર કરવામાં આવ્યા. બીજા એક બનાવમાં લે-વેચનો ધંધો કરતા બે યુવાનો પશુ મેળામાં વેચાણ માટે જઈ રહ્યા હતા રસ્તામાં જ એક ટોળાએ બે નિર્દોષ યુવાનોને પકડી ઝાડ સાથે લટકાવી ફાંસીએ લટકાવી દીધા.
ગુજરાત, મહારાષ્ટ્ર, યુપી, બિહારમાં પણ આવી અમાનવીય અસહાય અત્યાચારની ઘટનાઓ સરેઆમ જાહેર છે. દાદરી કાંડ આપે જોયું કે બીફ ન હતું એવો રિપોર્ટ આવી ગયા પછી, પાછો બીફ હતું એવો રિપોર્ટ કોઈ નાપાક યુક્તિની ચાડી ખાય છે. એટલેથી ક્યાં પુરું થાય છે ? અખલાકની ફેમિલી ઉપર એફ.આઈ.આર. દાખલ કરવામાં આવી. આવા અત્યાચારો ઉપર સરકારની મૌન શૈલી શાનો નિર્દેશ કરી રહી છે ? આ દેશની ગંગા-જમના સંસ્કૃતિનું સરેઆમ જાહેર વસ્ત્રાહરણ થઈ રહ્યું એવું નથી જણાતું ??
ઉના ખાતે બનેલા બનાવની એક નોંધ અહીં ટપકાવ્યા વગર રહી શકતો નથી ગુજરાત જ નથી સમગ્ર દેશના દલિતોને સંગઠિત થવા મજબૂર થવું પડ્યું. દલિત નેતાઓએ દેશની પાર્લામેન્ટ ગજવી નાખી એટલું જ નહીં રાજ્ય સરકારે દલિતોના અત્યાચાર અને અન્યાયને ક્રમને ધ્યાન પર લેતા દલિતો માટે નવી જોગવાઈઓ આપવા મજબૂર થવું પડ્યું. આક્રોશની સાથે દલિતોની એકતાનું વરવું પ્રદર્શન સડકો પર ઉતરી કરી બતાવ્યું. લોકશાહીમાં પોતાના અધિકારી અને હક્કો માંગવાથી ન આપવામાં આવતા હોય તો ઝૂંટવી લેવા સંગઠન શક્તિ અતિ આવશ્યક છે. એટલું જ નહીં દમન અને અત્યાચાર સામે પોતાનું બલિદાન આપી દેવાની પણ તૈયારી એટલી જ જરૂરી હોય છે. દેશના મુસ્લિમો સાથે પણ થતો આટલો અમાનવીય અત્યાચાર ગુજારવામાં આવતો હોવા છતાં એની સામે મુસ્લિમ સંગઠનો એનો આશરો લઈ જલસાઓનું આયોજન ગોઠવી દે છે અને એમાં ભાષણો કરી કરાવી માત્રને માત્ર બે ડઝન જેટલા ઠરાવો પસાર કરી અન્યાય અને અત્યાચાર સામે ભભૂકી ઉઠેલા લોક આક્રોશ અને વ્યથાઓને ફ્રીજ કરી દેવામાં આવતો હોય છે. આ મુસ્લિમ વ્યથાઓનુું એક પ્રતિબિંબ જે આમ ચર્ચાની એરણે જ છે જે રજૂ કરી રહ્યો છું. માત્ર ઠરાવો કરવાથી સમસ્યાઓ-પ્રશ્નો અથવા અધિકારો મેળવવા ક્યારેય શક્ય નથી જ નથી. જ્યાં સુધી એને સિદ્ધ કરવા બલિદાનની તૈયારી ન હોય. આવા કેટલાયે થયેલા ઠરાવોને તો દિમક (ઉધઈ) ચાટી ગઈ. (તા. ર૧-૭-૧૬ના ગુજરાત ટુડેના) પહેલા પેજ ઉપર ન્યુઝ પોઈન્ટની સુરખીમાં મુસ્લિમોની નિંદ્રાવસ્થામાંથી જાગૃત કરવા ખૂબ જ મનનીય હૃદયસ્પર્શી અવલોકન કર્યું છે. એટલું જ નહીં.. ગુજરાત ટુડે અવાર-નવાર આવા સંગીન સમયે મુસ્લિમોની જાગૃતિ માટે અવશ્ય ધ્યાન દોરતું રહ્યું છે. શું આપનું ઝમીર આની નોંધ લેશે ??
આત્મહત્યા પ્રશ્નોનું નિવારણ નથી
ઉના કાંડથી અતિ પ્રભાવિત થયેલા દલિત બિરાદરો આત્મહત્યાને પ્રશ્નોનું નિવારણ માની રહ્યા છે તે એક કમનસીબી છે. એ તો પોતે જ પોતાની સાથેનો જ એક મોટો અત્યાચાર છે. જીવન જીવવાનો કુદરતે આપેલો અધિકાર આપણે ક્યારેય હાથમાં ન લઈ શકીએ. તે આપણા અધિકારની વાત નથી જ નથી. આવું કરી એના પ્રકોપને ક્યારેય વ્હોરી ન જ લઈ શકાય. આત્મહત્યા એ પ્રશ્નોનો ઉકેલ નથી. એ તો પોતાની કાયરતા અને લાચારીનું વરવું પ્રદર્શન છે. આનું નિવારણ માત્રને માત્ર સંગઠન શક્તિ છે. હરિજનો સાથે જાતિ ભેદભાવની સમસ્યા એ આપણા દેશની એક મોટી કમનસીબી છે. દલિતો સાથે બનતા અત્યાચારના બનાવો વધારે પડતા તો અસ્પૃશ્યતાને જ આધિન રહ્યા છે. આનું નિવારણ માત્રને માત્ર એ જ હોઈ શકે છે મનુસ્થાપિત જાતિય વર્ગીકરણને નષ્ટ કરી માનવતાના કોઈ બિબામાં ઢાળવામાં આવે. અસ્પૃશ્યતા છૂત-અછૂત તો માનવ જાતિ માટે એક કલંક સમાન છે. ઈસ્લામ ધર્મ તો અસ્પૃશ્યતાને તો ધુતકારે છે. ઈસ્લામ કહે છે કે માનવીનું સર્જન માટીથી થયેલું છે આમાં ઊંચ-નીચ પ્રકૃતિનો કોઈ અવકાશ જ નથી જ નથી. ડો.આંબેડકરે આ માટે તો ધર્મ પરિવર્તન કરેલું છતાં પણ આ રોગ નષ્ટ ન જ થઈ શક્યો. સમગ્ર દેશના સેક્યુલર અને બિનસાંપ્રદાયિક સંગઠનોએ એકત્ર અને સંગઠિત થઈ પયામે ઈન્સાનિયત (માનવ સંદેશ)ની ચળવળને પ્રસ્થાપિત કરવી પડે. આ જ એક વિકલ્પ હાલ તો જણાઈ રહ્યો છે. ઉના કાંડ મુસ્લિમો માટે પણ સંગઠિત થવા એક સબક છે. કાશ ! એને ગ્રહણ કરવામાં આવે.
જફાઓ પર જફાએ કર, મગર
યે સોચ કર ઝાલિમ,
કીસી મજબૂર કી આંહ
મેં ભી તાસીર હોતી હૈ.

Related posts
Downtrodden

પાર્લ પાસે આત્મવિલોપન કરનાર બાગપતનો વ્યક્તિ દલિત હતો અને ‘ન્યાય’ ઝંખતો હતો

(એજન્સી) બાગપત, તા.ર૮બાગપતના ૨૬ વર્ષીય…
Read more
Downtrodden

વિવિધ દલિત સંગઠનો મનુ સ્મૃતિનેસળગાવીને ૧૯૨૭ની ઘટનાની ઉજવણી કરીૃ

હુબલીના દુર્ગાડ બેલ ખાતે સમતા સેના…
Read more
Downtrodden

ટેન્શન અને ફક્ત ટેન્શન… નીતિશની સદી બાદ તેના પિતાના આંસુ છલકાયામાતા-પિતા અને બહેનને મળી નીતિશકુમાર રેડ્ડી ઇમોશનલ થયો

મેલબોર્ન, તા.૨૯નીતિશકુમાર રેડ્ડીએ…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.