મેલબોર્ન, તા.૨૯
નીતિશકુમાર રેડ્ડીએ ઓસ્ટ્રેલિયા વિરુદ્ધ ચોથી ટેસ્ટ મેચમાં શાનદાર શતકીય ઇનિંગ રમી. તેની આ દમદાર ઇનિંગની મદદથી ભારત મેચમાં પુનરાગમન કરવામાં સફળ રહ્યું. નીતિશની ઇનિંગને વર્ષો સુધી યાદ રાખવામાં આવશે પણ આ સદી નીતિશ અને તેના પરિવાર માટે ઘણી ભાવુક કરનારી હતી. નીતિશની શતકીય ઇનિંગ જોવા માટે તેનો પરિવાર પણ સ્ટેડિયમમાં હાજર હતો અને જ્યારે નીતિશે પ્રથમ સદી ફટકારી તો તેના પિતા ઘણા ઇમોશનલ થઈ ગયા હતા અને તેમના આંસુ રોકાઈ રહ્યા ન હતા. ત્રીજા દિવસની રમતના અંતે નીતિશે પોતાના પરિવારજનોની મુલાકાત કરી હતી, જેનો વીડિયો બીસીસીઆઈએ શેર કર્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, નીતિશ હોટલના રૂમનો દરવાજો ખોલ્યા બાદ સૌથી પહેલા પોતાની માતાને મળે છે. આ દરમ્યાન તેના ચહેરા પર હાસ્ય જોવા મળે છે. તે પોતાના પિતાને ઘણીવાર સુધી ગળે લાગી રહ્યો અને આ દરમ્યાન ઘણો ઇમોશનલ દેખાયો. આ દરમ્યાન ઓસ્ટ્રેલિયાના પૂર્વ ક્રિકેટર ગિલક્રિસ્ટે તેના પિતા સાથે વાત કરી હતી. તેમણે કહ્યું કે, આજે અમારા માટે સ્પેશિયલ ક્ષણ છે. ગિલક્રિસ્ટે તેમને પૂછ્યું કે, જ્યારે નીતિશ ૯૯ રને નોન સ્ટ્રાઇકર પર હતો અને મો. સિરાજ સ્ટ્રાઇક પર હતો ત્યારે ભારતની એક જ વિકેટ બાકી હતી ત્યારે તમને કેવું લાગી રહ્યું હતું. તેના જવાબમાં નીતિશના પિતાએ કહ્યું કે, ખૂબ જ ટેન્શન હતું. ફક્ત એક વિકેટ બાકી હતી અને સિરાજ સ્ટ્રાઇક પર હતો, ટેન્શન અને ફક્ત ટેન્શન હતું.