ઉત્તરપ્રદેશની ચૂંટણી માથે છે ત્યારે દલિતના બદલે પોતાને મારવાની વાત કરનારા વડાપ્રધાન મુસ્લિમોના મોત વખતે રાજધર્મ ચૂક્યા કે જાણી જોઈને મૌન રહ્યા ? શું રાષ્ટ્રના વડા કરતા હિન્દુ હૃદય સમ્રાટ તરીકેની છાપ તેમને વધુ વ્હાલી છે ?!
દલિતો પર ગૌહત્યા અંગે થયેલા અત્યાચારનો મુદ્દો આંતરરાષ્ટ્રીય સ્તરે ચમક્યા બાદ વડાપ્રધાને સંસદની બહાર આ મુદ્દે મોઢું ખોલ્યું છે. ઉનામાં ચાર દલિતોને અત્યંત ક્રૂર અત્યાચારનો ભોગ બનવું પડયું અને આ અત્યાચારના પખવાડિયા પછી વડાપ્રધાનનું હૃદય દ્રવી ઉઠયું હોય તે રીતે તેમના નાટકીય અંદાજમાં તેમણે કહ્યું મારા પર હુમલો કરો, મને ગોળીએ દઈ દો, પરંતુ મારા દલિત ભાઈને કાંઈ ન કરશો. દલિતોને મારવામાં આવ્યા અને તેમનો પ્રચંડ રોષ જોઈને વડાપ્રધાન માર ખાવા પણ તૈયાર થઈ ગયા કારણ કે દલિત વોટ બેંક ઉત્તરપ્રદેશમાં તેમનું ભાગ્ય બદલી શકે છે. આ એ જ ઉત્તરપ્રદેશ છે કે જ્યાં દાદરીકાંડ થયો, એક મુસ્લિમના ઘરમાં ઘૂસી તેને ખોટા આરોપ મૂકી મારી નાંખવામાં આવ્યો, તેની વૃદ્ધ માતા પર પણ અત્યાચાર કરાયો. આવા એક નહીં ઉપરાઉપરી અનેક કિસ્સા બન્યા અને પોલીસ ચોપડે ચઢેલા બનાવોની જ માત્ર વાત કરીએ તો ગાય જેવા પશુ માટે ચાર મુસ્લિમો (નિર્દોષ)ની બલિ કટ્ટરતાવાદી ગુંડાતત્ત્વોએ ચઢાવી. પરંતુ એ મુદ્દે વડાપ્રધાન અફસોસનો એક શબ્દ પણ નથી બોલ્યા. ત્યારે એમના મોઢામાંથી ન નીકળતું કે મને મારો, મને ગોળીએ દો, પરંતુ મારા મુસ્લિમ ભાઈને ન મારો ? કારણ એનું માત્ર એક જ કે વડાપ્રધાન તરીકે નરેન્દ્ર મોદી નથી વિચારતા, તેમનું ધ્યાન તો મત બેંક તરફ છે અને હિન્દુ હૃદય સમ્રાટ નરેન્દ્ર મોદી પોતાની મતબેંક એવા કટ્ટરવાદી હિન્દુઓને નારાજ કરી શકે એટલી હિંમત તેમનામાં નથી. આજે આ તમામ ઘટનાઓનો ચિતાર એક વાર જોઈએ. વડાપ્રધાન અને સરકાર દલિતો અને મુસ્લિમોનો માત્ર મતબેંક તરીકે ઉપયોગ કરે છે એ વાત જાણવા છતાં જેમ દલિતો જાગ્યા તેમ મુસ્લિમો શા માટે નથી જાગતા એ પ્રશ્ન પણ ઉઠે છે.
દેશમાં જ્યારે મુસ્લિમો પર હુમલા કરીને તેમની હત્યા કરવામાં આવી રહી છે ત્યારે વડાપ્રધાન મોદીએ શા માટે એમ ન કહ્યું કે મને મારો • વડાપ્રધાનની ગૌરક્ષકો પરની ટીપ્પણી પર વિપક્ષોએ વળતો વાર કરતાં કહ્યું કે વડાપ્રધાને મોડે મોડે ઊંઘમાંથી જાગ્યાં છે.
મધ્યપ્રદેશમાં ગૌમાંસનું વહન કરવાના આરોપસર મુસ્લિમ મહિલાઓની પીટાઈ, ભાજપે મગનું નામ મરી ન પાડ્યું
૨૭ જુલાઈના રોજ મધ્યપ્રદેશના મંદસોરમાં ગૌમાંસનું વહન કરવાના આરોપસર બે મુસ્લિમ મહિલાઓની જાહેરમાં પીટાઈ કરવામાં આવી હતી. મંદસોર રેલવે સ્ટેશન નજીક બનેલી આ ઘટનાના પડઘા છેક સંસદ સુધી પડ્યાં હતા અને વિરોધ પક્ષોએ આ મુદ્દે ભારે ધમાલ મચાવી હતી. વીડિયોમાં આરોપી મહિલાઓ પીડિત મહિલાઓની મારઝૂડ કરતી દેખાતી હતી.
૨૦૧૫ દાદરી હત્યાકાંડ : ૨૮ સપ્ટેમ્બર ૨૦૧૫ ની રાતે દાદરીના બિસવાડા ગામમાં ગૌમાંસ રાખવાની અફવાએ મોહમદ અખલાક નામના મુસ્લિમને ટોળાએ મારી મારીને હત્યા કરી નાખી હતી તથા તેના ૨૨ વર્ષીય પુત્ર દાનિશને ગંભીર રીતે ઘાયલ કર્યો હતો.
મણીપુરમાં ગાયની ચોરીના આરોપસર હિન્દુ ટોળાએ મુસ્લિમ યુવાનની હત્યા કરી
મણીપુરમાં ગાયની ચોરીના આરોપસર હિન્દુ ટોળાએ મુસ્લિમ યુવાનની હત્યા કરી નાખી હતી મોંહમદ હસમતઅલી નામના મુસ્લિમ યુવાનનો મૃતદેહ તેના ઘેરથી પાંચ કિલોમીટર દૂરથી મળી આવ્યો હતો. ૫૫ વર્ષીય આચાર્ય હસમતીઅલી કોઈ આપરાધિક રેકોર્ડ ધરાવતા નહોતા તેમજ પશુ વેપાર સાથે સંકળાયેલા નહોતા.
ઝારખંડમાં ૨ મુસ્લિમ પશુ વેપારીની હત્યા કરીને ઝાડ પર લટકાવી દેવામાં આવ્યાં
દાદરી હત્યાકાંડને યાદ અપાવે તેવી એક ઘટનામાં ઝારખંડના લાતેહાર જિલ્લામાં પશુઓનો વેપાર કરતાં બે મુસ્લિમ પશુઓ જ્યારે બળદોને વેચવા જઈ રહ્યાં હતા ત્યારે બની બેઠેલા ગૌરક્ષકોએ તેમને મારી મારીને અધમૂઆ કરી નાખ્યાં હતા ત્યાર બાદ તેમના શરીરને ઝાડ પર લટકાદી દીધા હતા. તેમજ તેમના હાથ પાછળથી બાંધી દેવામાં આવ્યાં હતા તથા મોંઢામાં ડૂચા મારી દેવામાં આવ્યાં હતા. આ ઘટનામાં ૫ આરોપીઓની ધરપકડ કરવામાં આવી હતી.
ગૌરક્ષકોએ બે મુસ્લિમ યુવાનોને
છાણ ખાવાની ફરજ પાડી
હરિયાણામાં ગૌમાંસનું વહન કરવાના આરોપસર કથિત ગોરક્ષકોએ બે મુસ્લિમ યુવાનોને જાહેરમાં ગાયનું છાણ ખાવાની ફરજ પાડી હતી. એટલું જ નહીં પરંતુ બની બેઠેલા ગોરક્ષકોએ તેનો વીડિયો પણ બનાવીને વાયરલ કર્યો હતો.
મણિપુરમાં બે મુસ્લિમ છોકરાઓને મારી મારીને હત્યા કરી નાખવામાં આવી : એક ગંભીર ઈજાગ્રસ્ત
આસામ અને મણિપુર જેવા રાજ્યમાં પણ કોમવાદ વકરી રહ્યો છે તેની સાક્ષી તરીકેની એક ઘટનામાં ૮ એપ્રિલ ૨૦૧૬ના રોજ ત્રણ મુસ્લિમ છોકરાઓની સખત મારઝૂડ કરવામાં આવી હતી જેમાંના બેનું તત્કાળ મોત થયું હતું જ્યારે એક છોકરાને ગંભીર ઈજા પહોંચી હતી.
મુસ્લિમ મહિલાઓની મારઝૂડનો મુદ્દો રાજ્યસભામાં ગૂંજ્યો
મધ્યપ્રદેશના મંદસોર રેલવે સ્ટેશન નજીક ગૌમાંસનું વહન કરવાના આરોપસર ટોળાની મારઝૂડનો ભોગ બનેલી બે મુસ્લિમ મહિલાઓનો મુદ્દો રાજ્યસભામાં જોરજોરથી ઊઠ્યો હતો. બસપા અધ્યક્ષ માયાવતીએ રાજ્યસભામાં આ મુદ્દો ઉઠાવતાં કહ્યું કે દેશમાં બની બેઠેલા ગૌરક્ષકો દલિતો અને મુસ્લિમોને નિશાન બનાવી રહ્યાં છે અને કેન્દ્ર તથા રાજ્ય સરકાર આ મુદ્દે નિષ્ક્રીય બનીને બેઠી છે. ગૌમાંસનું વહન કરવાના આરોપસર બે મુસ્લિમ મહિલાઓની જાહેરમાં પીટાઈ કરવામાં આવી હતી.
ઉનાકાંડ : મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત યુવાનોને ઢોર માર મારવામાં આવ્યો, ઘટનાનો વીડિયો પણ બનાવવામાં આવ્યો
ગુજરાતના ઉના જિલ્લામાં આવેલા મોટા સમઢિયાળામાં ગામમાં મૃત ગાયનું ચામડું ઉતારી રહેલા દલિત સમૂદાયના ૭ યુવાનો પર નકલી ગૌરક્ષકોએ ઉગ્ર હુમલો કરીને તેમને જાહેરમાં ઢોરમાર માર્યો હતો અને તેમની હાલત ગંભીર કરી નાખી હતી. ઘટનાનો વીડિયો બહાર આવતાં સમગ્ર ગુજરાતમાં દલિત સમૂદાયને ઉગ્ર આંદોલન છેડ્યું હતું અને આરોપીઓ સામે કડકમાં કડક પગલાં ભરવાની માંગણી કરી હતી. દલિત માનવાધિકાર કાર્યકર માર્ટીન મેકવાને કહ્યું કે દલિતો પર થઈ રહેલા અત્યાચાર અને ભેદભાવને કારણે દલિત આંદોલનની લહેર ઉઠી છે.
ઉનાકાંડ : મુસ્લિમ સંગઠનોએ દલિત રેલીમાં ભાગ લીધો
અગ્રણી મુસ્લિમ સંગઠન જમીયત એ ઉલેમા હિન્દે ઉનાકાંડના વિરોધમાં અમદાવાદમાં યોજાયેલી રેલીને સમર્થન આપવાની તથા તેમાં ભાગ લેવાની જાહેરાત કરી છે. જમીયત એ ઉલેમા હિન્દના નાસીર અંસારીએ કહ્યું કે અમે રાજીખુશીથી દલિત રેલીને ટેકો આપવાની જાહેરાત કરી છે અને અમારા ઘણા કાર્યકરો રેલીમાં ભાગ લેશે. તેમણે કહ્યું કે અમે ભૂતકાળ અને હાલમાં પણ રાજકીય ષડયંત્રનો ભોગ બની રહ્યાં છે. ધર્મ અને જાતિના આધારે હુમલાઓ થઈ રહ્યાં છે. રાજકીય પક્ષોએ ભાવના અને લાગણી સાથે રમત રમીને સત્તા કબજે કરે છે.
અમદાવાદમાં દલિતોની વિશાળ રેલી, ઉનાકાંડનો ઉગ્ર વિરોધ
ઉનાકાંડના પડઘા સમગ્ર ગુજરાતમાં પડ્યાં છે. ઉનામાં દલિત સમૂદાયના યુવાનો પર થયેલા અત્યાચારના વિરોધમાં અમદાવાદના સાબરમતી વિસ્તારના અચેર ડેપોમાં દલિતોની વિશાળ રેલી યોજાઈ હતી અને તેમાં અમદાવાદથી ઉના સુધી દલિત અસ્મતા યાત્રા કાઢવાની જાહેરાત કરવામાં આવી હતી જે અનુસંધાને દલિત અસ્મિતાનો પ્રારંભ થયો છે.
ઉના અત્યાચાર પછી દલિતોએ મૃત પશુઓનો નિકાલ કરવાનો ઈન્કાર કર્યો
ઉનામાં દલિત સમૂદાયના સભ્યો પર થયેલા હિચકારા હુમલાને પગલે સમગ્ર દલિત સમૂદાયે મૃત પશુઓના નિકાલ કરવાનું કામ બંધ કરવાનો નિર્ણય કર્યો છે. દલિતોએ એવું વચન લીધું કે હવેથી દલિત સમૂદાય મૃત પશુઓને ઉપાડવાનું તથા તેનો નિકાલ નહીં કરે. અમદાવાદ ખાતે મળેલી દલિત રેલીમાં દલિતોને આવી ટેક લેવડાવવામાં આવી હતી.
દલિતોએ ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં
એકતા અને તાકાત દર્શાવવાની ધમકી આપી
ઉનાકાંડને પગલે ઉગ્ર વિરોધ પ્રદર્શન કરી રહેલા દલિતોએ એવી ધમકી ઉચ્ચારી છે કે અમે ૨૦૧૭ની ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં અમારી તાકાત અને એકતાના દર્શન કરાવીશું. દલિતોએ કહ્યું કે ચૂંટણીમાં ગુજરાતની ભાજપ સરકારને એક મજબૂત સંદેશો આપવામાં આવશે.