પ્રાસંગિક – ગૌતમ ઠાકર
ગુજરાતમાં દલિતો ઉપરના અત્યાચારની ઘટનાઓ ઓછી થવાને બદલે દર વર્ષે વધી રહી છે. સરેરાશ દર વર્ષે ગુજરાતમાં ર૦ દલિતોની હત્યા અને ૪પ દલિત મહિલાઓ ઉપર બળાત્કાર થાય છે. સરકારે જ આપેલા આંકડા મુજબ ર૦૧૦-૧પ સુધીમાં દલિતોના ૧૩૦ ખૂન, ૩૩૬ દલિત મહિલાઓ ઉપર બળાત્કાર અને અત્યાચારના ભોગ બન્યા હોય તેવા ર૬ર૮ કિસ્સાઓ નોંધાયા છે. સરેરાશ ૧,૧૦૦ દલિતો દર વર્ષે અત્યાચારોના ભોગ બને છે. ૩૯ (ર૦૧૦), પ૧ (ર૦૧૧), ૪૪ (ર૦૧ર), ૭૦ (ર૦૧૩), ૭૪ (ર૦૧૪), પ૮ (ર૦૧પ) અને એપ્રિલ ર૦૧૬ સુધી ર૭ કેસો બળાત્કારના નોંધાયા છે. જે દલિત બહેનો અને તેના કુટુંબીજનો હિંમત કરીને પોલીસ સ્ટેશન સુધી પહોંચ્યા હોય તેના આ આંકડા ગણાવી શકાય. દલિત બહેનો ઉપર થતાં બળાત્કારના આંકડા વાંચીને એમ થાય છે કે સમાજ ક્યા રસ્તે જઈ રહ્યો છે.
છેલ્લા પ વર્ષમાં ગુજરાતમાં દલિતો ઉપરના અત્યાચારની ઘટનાઓ ઓછી થવાને બદલે દર વર્ષે વધી રહી છે તે ઉપરના આંકડાઓથી માલૂમ પડે છે. ઉના ઘટના ઉપરાંત સુરેન્દ્રનગરના થાનગઢમાં ર૦૧રમાં ત્રણ યુવાનો પોલીસ ગોળીબારમાં માર્યા ગયા હતા. તે અંગે નિમાયેલી અધિક સચિવશ્રીની તપાસ સમિતિનો રિપોર્ટ તાત્કાલિક અસરથી જાહેર કરવો જોઈએ. કારણ કે, સીઆઈડી ક્રાઈમ એ જેને આની તપાસ સોંપાઈ હતી તેણે ગુજરાત હાઈકોર્ટ સમક્ષ સમરી રિપોર્ટ રજૂ કરીને કહ્યું કે આમાં કોઈની સામે ગુનો બનતો નથી. રર-પ-ર૦૧૬ના રોજ સૌરાષ્ટ્રના રાજુલામાં ગૌરક્ષકોની ટુકડીએ દલિતો પર હુમલો કર્યો હતો, ૬-૭-ર૦૧૬ના રોજ પોરબંદર પાસેના સોઢાણામાં દલિત રામાભાઈ સિંગરખિયાની હત્યા થઈ હતી, ઉપરાંત ૧૦-૭-ર૦૧૬ના રોજ ગોંડલની સબ જેલમાં અંડરટ્રાયલ કેદી દલિત સાગર બાબુભાઈ રાઠોડનું પોલીસ અત્યાચારને કારણે મોત થયું હતું. આ ઘટનાઓની પણ તપાસ કરવામાં આવે.
ગુજરાતમાં દલિતોની સ્થિતિ સુધારવા દલિત અત્યાચારો માટે વિશેષ અદાલતોની રચના, રાજ્યમાં અનામત માટેનો કાયદો, બજેટમાં દલિતો માટે થતી ફાળવણીની રકમનો પૂરેપૂરો ઉપયોગ થવો જોઈએ તેમ પણ થવું જોઈએ. આ ઉપરાંત ગૌરક્ષા સમિતિઓને ગેરકાનૂની જાહેર કરવી જોઈએ. ગુજરાતમાં તમામ જિલ્લાઓમાં સરકાર એક ટાસ્ક ફોર્સ/કમિટીની રચના કરે જે દલિતોને પડતી તકલીફોની વિગતે તપાસ કરે. આ ટાસ્ક ફોર્સમાં કલેક્ટર, એસ.પી., દલિત આગેવાનો, કર્મશીલો વગેરેના પ્રતિનિધિઓ હોય.
ઉનામાં દલિતો પર થયેલ અત્યાચારની રૂબરૂ જઈ સ્થળ તપાસ કરતું પીયુસીએલ
રાજ્ય અને દેશમાં જ્યારે ડો. બાબાસાહેબ આંબેડકરની ૧રપમી જન્મજ્યંતિ ઉજવી રહ્યો છે ત્યારે ૧૧ જુલાઈ ર૦૧૬ના રોજ ગુજરાતના ગીર-સોમનાથ જિલ્લાના સમઢિયાળા (ઉના)માં ૭ દલિત યુવાનો ઉપર જાહેરમાં પોલીસ તથા નાગરિકોની હાજરીમાં થયેલ અત્યાચાર માટે સ્થળ તપાસ કરવા નાગરિક સ્વાતંત્ર્ય સંગઠન (પીયુસીએલ-ગુજરાત)ની એક ટીમ મંજુલા પ્રદીપ (નવસર્જન ટ્રસ્ટ)ની આગેવાની હેઠળ તારીખ રપ અને ર૬ જુલાઈના રોજ પહોંચી ગઈ. ટીમમાં નીતા મહાદેવ (ગુજરાત લોક સમિતિ), મિનાક્ષી જોષી (એમ.અસ.ડી.), ગોવિંદ પરમાર (એડવોકેટ અને કર્મશીલ), ટી.પી. બાબરિયા (કર્મશીલ અને સ્થાનિક અગ્રણી) જોડાયા હતા. તેમને મદદ કરવા કાંતિલાલ પરમાર, દીના વણકર, મધુ કોરડિયા વગેરે જોડાયા હતા. તેમણે સ્થળ તપાસ કરીને વિગતે અહેવાલ રજૂ કર્યો હતો અને તેમણે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગની પાસે ખાસ માગણીઓ-ભલામણો કરી હતી. ઉપરાંત ગુજરાત સરકાર સમક્ષ માગણીઓ રજૂ કરી હતી.
૧. ગયા ૧૦ વર્ષમાં દલિતો ઉપર નોંધાયેલ અત્યાચારોની સમીક્ષા કરવા માટે રાષ્ટ્રીય માનવ અધિકાર આયોગ દ્વારા ટાસ્ક ફોર્સની રચના કરવામાં આવે. એન.એચ.આર.સી. (દિલ્હી) દ્વારા જ ગુજરાતના દલિતો ઉપર થતા અત્યાચારો માટે જાહેર સુનાવણી ગોઠવવી જોઈએ. તેમણે ગુજરાત સરકારને દલિતોની વર્તમાન સ્થિતિ દર્શાવતો અહેવાલ રજૂ કરવા માટે આદેશ આપવો જોઈએ. સાથોસાથ ગુજરાત સરકારને દલિતોના રક્ષણ માટેના કાયદાઓના અમલીકરણનો અહેવાલ રજૂ કરવા માટે સૂચના આપે.
ર. ગુજરાત રાજ્ય તેમજ સમગ્ર ભારતમાં ચાલતા ગૌરક્ષક દળોને ગેરકાનૂની જાહેર કરવામાં આવે અને પ્રતિબંધિત કરવામાં અવો.
૩. ગુજરાત સરકાર દ્વારા જાહેર કરેલ ૧૧ અત્યાચાર ગ્રસ્ત જિલ્લાઓમાં અત્યાચાર અટકાવવા માટે ગુજરાત સરકારે શું પગલાં લીધેલ છે તેનો એક્શન પ્લાન અને એક્શન ટેકન સ્ટેપ્સ રજૂ કરવા માટે એનએચઆરસી ગુજરાત સરકારને આદેશ આપે.
૪. ઉનામાં બનેલા બનાવ અંગે ગુજરાત સરકાર વડી અદાલતના બે કાર્યરત માનનીય ન્યાયાધીશોની એક તપાસ સમિતિની રચના કરે.
પ. ૬૦ દિવસમાં આ બનાવની તપાસ થઈ જવી જોઈએ અને કોર્ટમાં ચાર્જશીટ દાખલ થવી જોઈએ. ઝડપી કાર્યવાહી માટે ખાસ કોર્ટની રચના પણ કરવામાં અવો.
૬. કોર્ટમાં અસરગ્રસ્ત દલિતો તરફથી રજૂઆત માટે ઓછામાં ઓછા બે વિશ્વસનીય અને નિષ્ણાંત વકીલોની નિમણૂંક કરવી જોઈએ. સાથોસાથ ભોગ બનનાર અને તેમના પરિવારજનોને પૂરતી પોલીસ સુરક્ષા મળવી જોઈએ.
૭. અગત્યના પુરાવાઓ ભેગા કરવા માટે એનએચઆરસી દ્વારા ખાસ તપાસ સમિતિ એસ.આઈ.ટી.ની રચના કરવામાં આવે.
ગુજરાત સરકાર દલિતોને જો ખરેખર ન્યાય આપવા માંગતી હોય તો, દલિતોની હિજરત, જમીન દબાણ, જમીન હક્ક આપવા, નિશાળમાં આભડછેટ, પાણી ન લેવા દેવું, મંદિરમાં પ્રવેશ, માથે મેલું ઉપાડવાની પરિસ્થિતિનો અંત વગેરે મુદ્દાઓ સંનિષ્ઠતાથી ઉકેલે તેવી આશા અને અપેક્ષા રાખવામાં આવે છે.