Celebrity

દિલીપકુમારના બંગલાનું રિડેવલપમેન્ટ : એપકો ઇન્ફ્રાટેક લિમિટેડે મુંબઈના પાલી હિલમાં મર્હૂમ અભિનય સમ્રાટનું દરિયાની સામેનું એપાર્ટમેન્ટ રૂા.૧૭૨ કરોડમાં ખરીદ્યું

આ પ્રોજેક્ટ બોલિવૂડના દિગ્ગજ દિવંગત દિલીપકુમારના નિવાસસ્થાનની કાયાપલટ કર્યા બાદ આવી રહ્યો છે, સૂચિત પ્રોજેક્ટનો કુલ બાંધકામ વિસ્તાર ૧.૭૫ લાખ ચોરસ ફૂટ અને ૧૧ માળનો હશે, તેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ પ્રવેશ સાથે મ્યુઝિયમ પણ હશે

(એજન્સી) તા.ર૬
એન્જિનિયરિંગ અને બાંધકામ ક્ષેત્રની અગ્રણી એપકો ઇન્ફ્રાટેક પ્રાઇવેટ લિમિટેડે પાલી હિલ, બાંદ્રામાં નિર્માણાધીન ‘ધ લિજેન્ડ બાય અશર’ પ્રોજેક્ટમાં ડેવલપર અશર ગ્રુપ પાસેથી રૂા.૧૭૨ કરોડમાં ૯,૫૨૭ ચોરસ ફૂટમાં ફેલાયેલો ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ ખરીદવાનો સોદો કર્યો છે. આ પ્રોજેક્ટ બોલિવૂડના દિગ્ગજ દિવંગત દિલીપકુમારના નિવાસસ્થાનની કાયાપલટ કર્યા બાદ આવી રહ્યો છે.
આ સોદો રૂા.૧.૮૧ લાખ પ્રતિ ચોરસફૂટના મૂલ્ય સાથે થયો હતો, જે મુંબઈ મેટ્રોપોલિટન રિજન (એમએમઆર)માં સૌથી મોંઘા રિયલ એસ્ટેટ સોદાઓ પૈકી એક છે. સી-વ્યૂ ટ્રિપ્લેક્સ એપાર્ટમેન્ટ ૧૧ માળની રહેણાંક ઇમારતના ૯મા, ૧૦મા અને ૧૧મા માળે આવેલું છે. એપકો ઇન્ફ્રાટેક લિમિટેડે એ ૨૩ જુલાઈ, ૨૦૨૪ના રોજ આ સોદા માટે રૂા.૯.૩૦ કરોડની સ્ટેમ્પ ડ્યુટી ચૂકવી હતી. સૂચિત પ્રોજેક્ટનો કુલ બાંધકામ વિસ્તાર ૧.૭૫ લાખ ચોરસફૂટ ૧૧ માળમાં ફેલાયેલો હશે. તેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર અલગ પ્રવેશ સાથે મ્યુઝિયમ પણ હશે. સ્વર્ગસ્થ અભિનેતાની પત્ની સાયરાબાનુ નક્કી કરશે કે તે મ્યુઝિયમમાં શું પ્રદર્શિત કરવા માંગે છે. અત્યાધુનિક સુવિધાઓ અને યુરોપિયન આર્ટ ડેકો આર્કિટેક્ચરલ ડિઝાઇનને સમાવિષ્ટ કરતા આ નિવાસસ્થાનનો આધુનિક વિકાસ તેના ભૂતકાળની ભવ્યતાને પણ દર્શાવે છે.
આશર ગ્રુપના ડિરેક્ટર, આયુષી આશરે જણાવ્યું હતું કે, ૨ ઓગસ્ટ, ૨૦૨૩ના રોજ શરૂ થયેલ આ પ્રોજેકટમાં અમે ૯મા માળ સુધી પ્રોજેક્ટ પૂર્ણ કર્યો છે. અમે ઇઈઇછ નોંધણી મુજબ ૨૦૨૭માં નિર્ધારિત સમાપ્તિના બે વર્ષ પહેલાં પ્રોજેક્ટ પૂર્ણ કરવાની યોજના બનાવીએ છીએ. અમે આશા રાખીએ છીએ કે આ પ્રસ્તાવિત પ્રોજેક્ટ રૂા.૯૦૦ કરોડની આવક મેળવશે. અનિલકુમાર સિંઘ દ્વારા ૧૯૯૨માં શરૂ કરાયેલ, એપકો એ સૌથી ઝડપથી વિકસતા ઈન્ફ્રાસ્ટ્રક્ચર સમૂહ પૈકી એક છે જેની નેટવર્થ રૂા.૧,૪૫૧ કરોડથી વધુ છે અને વાર્ષિક ટર્નઓવર રૂા.૫,૪૫૪ કરોડ છે. આ પ્રોજેક્ટ ત્રણ વૈભવી રહેણાંક વિકલ્પો પ્રદાન કરે છેઃ એસ્ટેટ, ૩,૨૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા વિસ્તરેલ રહેઠાણો; ડ્યુએટ્‌સ, ૩,૪૦૦ ચોરસ ફૂટની સંપૂર્ણ સમૃદ્ધિનું પ્રતીક ધરાવતા ડબલ-ઉંચાઈના રહેવાના વિસ્તારો સાથે વર્ટિકલ વિલા; અને ધી બંગલોઝ, જે પાલી હિલમાં સૌથી ઉચ્ચ ૩,૭૦૦ ચોરસ ફૂટમાં ફેલાયેલા ખાનગી બગીચાઓની ઍક્સેસ સાથેની વિલાઓ છે. ‘ધ લિજેન્ડ બાય અશર’ પાલી હિલમાં અશર ગ્રુપનો બીજો લક્ઝરી પ્રોજેક્ટ છે, તેમનો પ્રથમ પ્રોજેકટ ‘નવરોઝ બાય અશર’ હતો.