Blog

ઇઝરાયેલના લશ્કરને આક્રમણ બંધ કરવાની અને સેના પાછી ખેંચીલેવાની ફરજ પાડવા યુનોની સિક્યુરિટી કાઉન્સિલને લેબેનોનનો અનુરોધ

સલામતી સમિતિના નવા ઠરાવનો અમલ કરવાનું ઇઝરાયેલ માટે ફરજિયાત બનાવવા ફરી એકવાર લેબેનોન સરકારની યુનોને વિનંતી

(એજન્સી) બૈરુત, તા.૧૭
લેબેનોન પર આક્રમણ તાત્કાલિક બંધ કરવા અને પોતાના લશ્કરી દળોને પાછા ખેંચી લેવાની ઇઝરાયેલને ફરજ પાડવા માટે લેબેનોન સરકારે યુનોની સલામતી સમિતિને અપીલ કરી છે.
ઇઝરાયેલી દળોને આક્રમણ તાત્કાલિક બંધ કરવા અને લશ્કરી દળોને પાછા ખેંચી લેવાની ફરજ પાડવા યુનોના સલામતી સમિતિના ઠરાવનો અમલ કરવા તાકીદ કરવા માટે ફરી એક વાર લેબેનોન સરકારે સુરક્ષા સમિતિમાં ધા નાખી છે.
વિદેશ મંત્રાલયના નિવેદનમાં જણાવ્યું હતું કે ઇઝરાયેલના આક્રમણની લેબેનોન સરકાર નિંદા કરે છે અને યુનો સિક્યુરિટી કાઉન્સિલના ઠરાવ નંબર ૧૭૦૧નો અમલ કરવાની ઇઝરાયેલને ફરજ પાડવા અમારી સરકાર સિક્યુરિટી કાઉન્સિલને અપીલ કરે છે. ૧૦-૧૧ ઓગસ્ટ ૨૦૦૬ના રોજ સિક્યુરિટી કાઉન્સિલમાં ઠરાવ પસાર કરવામાં આવ્યો હતો જેમાં લેબેનોન અને ઇઝરાયેલ વચ્ચે તમામ પ્રકારની લડાઈનો અંત લાવવા માટે આહ્‌વાન કરવામાં આવ્યું હતું એટલું જ નહીં બેલ દેશો વચ્ચેની જે સરહદ છે જે બ્લુ લાઈન તરીકે ઓળખાય છે એ વિસ્તાર અને લીટાની નદી વિસ્તારને લશ્કરી અવરજવરથી મુક્ત વિસ્તાર જાહેર કરવા માટે પણ ઠરાવમાં બંને દેશોને તાકીદ કરવામાં આવી હતી. આ વિસ્તારમાં માત્ર યુનોના શાંતિ રક્ષક દળ અને લેબેનોનું લશ્કર જ રહી શકશે એવા ઠરાવો થયા હતા. જેનો ઈઝરાયેલ દ્વારા અમલ કરવામાં આવી રહ્યો નથી. વિદેશ મંત્રાલય જણાવે છે કે અમારા દેશના સાર્વભૌમત્વનું ઇઝરાયેલ દરિયાઈ જમીન અને હવાઈ માર્ગે સતત ઉલ્લંઘન કરી રહ્યું છે અને અમારી લશ્કરી ચોકીઓ તથા એમ્બ્યુલન્સ અને રાહત કામગીરી પર હુમલા કરી રહ્યું છે અને નાગરિકો પર બોમ્બમારો કરી રહ્યો છે. શહેરો અને ગામો પર બેફામ આડેધડ હવાઈ હુમલા કરવામાં આવી રહ્યા છે જેના કારણે ૧૫૦૦થી વધુ લોકો અત્યાર સુધીમાં શહીદ થઈ ગયા છે અને દસ લાખથી વધુ લોકો પોતાના ઘરોમાંથી વિસ્થાપિત થઈ ગયા છે. હવાઈ હુમલા યુનોની સુરક્ષા સમિતિના ઠરાવનું સીધેસીધું ઉલ્લંઘન છે.