૨૦૧૪-૧૫માં ટેકનિકલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા કુલ ૨૦,૮૧,૨૧૦ વિધાર્થીઓમાંથી લઘુમતી વિધાર્થીઓની સંખ્યા માત્ર ૧,૩૬,૦૬૫ હતી
(એજન્સી) નવી દિલ્હી, તા.૧૪
સરકાર ઉચ્ચત્તર શિક્ષણમાં લઘુમતીઓની શામેલગીરી વધારવા માટે વિવિધ યોજનાઓનો અમલ કરી રહી હોવા છતાં ૨૦૧૪-૧૫માં વિવિધ ટેકનિકલ શૈક્ષણિક અભ્યાસક્રમમાં લઘુમતી કોમના માત્ર ૬ ટકા વિદ્યાર્થીઓએ જ પ્રવેશ મેળવ્યો હતો. સરકારના અઘતન ડેટાની તુલના દ્વારા એવો નિર્દેશ મળ્યો છે કે દેશભરમાં વિવિધ ટેકનિકલ શિક્ષણ અભ્યાસક્રમમાં લઘુમતી કોમની મહિલાઓના પ્રવેશની ટકાવારી તદ્દન ઓછી એટલે કે માત્ર ૧.૫૫ ટકા જ હતી. જો કે ટેકનિકલ શિક્ષણમાં અભ્યાસ કરતા તમામ લઘુમતી સમુદાયના વિદ્યાર્થીઓમાં મહિલાઓની ટકાવારી ૨૩ ટકા કરતા થોડી વધુ હતી એવું માનવ સંસાધન વિકાસ મંત્રાલયના ડેટા પરથી જાહેર થયું છે.
નેશનલ કમિશન ફોર માઇનોરિટી એક્ટ ૧૯૯૨ની કલમ ૨ (સી) હેઠળ લઘુમતી કોમ તરીકે સરકાર દ્વારા નિર્દિષ્ટ કરવામાં આવેલ સમુદાયમાં મુસ્લિમો, ખ્રિસ્તીઓ, બૌદ્ધ, શીખો, પારસીઓ અને જૈનોનો સમાવેશ થાય છે. ૨૦૧૪-૧૫માં ઉચ્ચત્તર શૈક્ષણિક સંસ્થાઓમાં ટેકનિકલ અને પ્રોફેશનલ અભ્યાસક્રમમાં પ્રવેશ મેળવનારા કુલ ૨૦,૮૧,૨૧૦ વિદ્યાર્થીઓમાંથી લઘુમતી કોમના વિદ્યાર્થીઓની સંખ્યા માત્ર ૧૩૬૭૬૫ હતી. એન્જિનિયરીંગ અભ્યાસક્રમમાં તમિલનાડુમાંથી સૌથી મોટી સંખ્યામાં લઘુમતી વિદ્યાર્થીઓએ (૧૯૩૧૫) એડમિશન લીધા હતા. ત્યાર બાદ કે૨ળ (૧૫૦૫૦), તેલંગાણા (૧૨૧૪૯) કર્ણાટક (૧૨૦૧૪), મહારાષ્ટ્ર (૧૧૮૮૨) અને આંધ્રપ્રદેશ (૫૮૧૯)નો સમાવેશ થાય છે. ખ્રિસ્તીઓ, શીખો, બૌદ્ધો અને પારસીઓની તુલનાએ મુસ્લિમોની વસ્તી વધુ છે પરંતુ સાક્ષરતાનો દર સૌથી ઓછો છે. સાક્ષરતાનો દર મુસ્લિમોનો પ૯.૧ ટકા, શીખોના ૬૯.૪ ટકા, બૌદ્ધોના ૭૨.૭ ખ્રિસ્તીઓના ૮૦.૩ અને પારસીઓનો ૯૭.૯ છે.