સીબીઆઇના ક્લોઝર રિપોર્ટ સામે રમખાણગ્રસ્ત અરજદારની પિટિશનની હવે ૧૧ સપ્ટેમ્બરે સુનાવણી
(એજન્સી) નવી દિલ્હી તા.૧૬
૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોના કેસમાં દિલ્હીની એક અદાલતે રમખાણગ્રસ્તો દ્વારા દાખલ કરવામાં આવેલી અરજીની સુનાવણી કરતા સીબીઆઇને નોટીસ બજાવી છે અને ૧૯૮૪ના શીખ વિરોધી રમખાણોમાં કથિત ભૂમિકા બદલ જગદીશ ટાઇટલરને ક્લિનચીટ આપવાના મામલે તેના ક્લોઝર રિપોર્ટ પર ખુલાસો માંગ્યો છે. આ કેસમાં સીબીઆઇ દ્વારા દાખલ કરવામાં આવેલા ત્રીજા ક્લોઝર રિપોર્ટ વિરૂદ્ધ શુક્રવારે દાખલ કરવામાં આવેલી પિટિશન પર એડિશનલ ચીફ મેટ્રો પોલિટન મેજીસ્ટ્રેટ એસપીએસ લાલેરે સીબીઆઇનો જવાબ માંગ્યો છે અને આ અરજીની સુનાવણી ૧૧ સપ્ટેમ્બર પર મુકરર કરી છે. જેમના પતિ બાદલ સિંહનું આ રમખાણોમાં મૃત્યુ થયું હતું એવા અરજદાર લખવિંદર કૌરે પોતાની પિટિશનમાં આરોપી વિરૂદ્ધ રેકર્ડ પર ઉપલબ્ધ વાંધાજનક પુરાવામાં વધુ તપાસ હાથ ધરવા માટે સીબીઆઇને સૂચના આપવાની કોર્ટ પાસે દાદ માંગી હતી. રમખાણગ્રસ્તોનું પ્રતિનિધિત્વ કરી રહેલ સિનિયર એડવોકેટ એચ એસ ફુલકા દ્વારા દાખલ કરેલ અરજીમાં જણાવાયું છે કે સીબીઆઇની તપાસ દોષયુક્ત, કલંકિત, અપ્રમાણિક અને ઉપરછેલ્લી છે. આ ક્લોઝર રિપોર્ટ ફગાવી દેવાને પાત્ર છે અને રેકર્ડ પર પૂરતા પુરાવા છે કે જેના પગલે અદાલત સીબીઆઇને વધુ તપાસ હાથ ધરવા આદેશ કરી શકે છે કારણ કે આ ઘટનાના સાક્ષીઓ ઉપલબ્ધ છે અને પોતાના નિવેદનો આપવા તૈયાર છે. આ પિટિશનમાં એવો આક્ષેપ કરવામાં આવ્યો છે કે સીબીઆઇએ આરોપીઓ વિરૂદ્ધ જુબાની આપવા તૈયાર હતા એવા સાક્ષીઓની તપાસ કરી નથી અને તેમના નિવેદનો નોંધ્યા નથી. પિટિશનમાં વધુમાં જણાવાયું છે કે ફરીયાદીએ પોતાના નિવેદનમાં જગદીશ ટાઇટલરને દોષમુક્ત જાહેર કર્યા નથી. જગદીશ ટાઇટલર વિરૂદ્ધ કોઇ વાંધાજનક પુરાવાઓ ઉપલબ્ધ નથી એવા અનુમાનના આધારે તેમની તરફેણમાં ક્લોઝર રિપોર્ટ દાખલ કરવામાં આવ્યો છે તેથી સીબીઆઇ તેમની વિરૂદ્ધ કાર્યવાહી કરી રહી નથી. આ અદાલત ટાઇટલર વિરૂદ્ધ સીબીઆઇ દ્વારા સુપરત કરાયેલા આખરી અહેવાલને ધ્યાન પર લઇ શકે છે કારણ કે તેની વિરૂદ્ધ પુષ્કળ પ્રમાણમાં વાંધાજનક પુરાવા આખરી રિપોર્ટમાં ઉપલબ્ધ છે જેની સીબીઆઇ દ્વારા ટાઇટલરને ક્લિનચીટ આપવાના પ્રયાસમાં ઉપેક્ષા કરવામાં આવી છે એવું જણાવીને અરજીમાં ઉમેર્યુ છે કે સીબીઆઇ આ સૌથી ઘાતકી નરસંહારમાં સંડોવાયેલ શક્તિશાળી રાજકારણને છાવરવાનો પ્રયાસ કરી રહી છે.