ઓસ્ટ્રેલિયાની ટીમમાં બોલેન્ડના સ્થાને હેઝલવૂડનો સમાવેશ, ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવનમાં બે ફેરફાર જોવા મળી શકે છે
બ્રિસ્બેન, તા.૧૩
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચોની બોર્ડર-ગાવસ્કર ટેસ્ટ સિરીઝની ત્રીજી મેચ બ્રિસ્બેનમાં રમાશે. આ સિરીઝ હાલ ૧-૧થી બરાબર છે. બંને ટીમોની નજર ગાબા ટેસ્ટ જીતી સિરીઝમાં લીડ પ્રાપ્ત કરવા પર હશે. ઓસ્ટ્રેલિયાએ તો ત્રીજી ટેસ્ટ માટે પોતાની પ્લેઇંગ ઇલેવનની જાહેરાત કરી દીધી છે. યજમાન ટીમમાં એકમાત્ર ફેરફાર જોશ હેઝલવૂડના રૂપમાં થયો છે જે સ્કોટ બોલેન્ડનું સ્થાન લેશે. હવે ભારતીય પ્રશંસકોની નજર ટીમ ઇન્ડિયાની પ્લેઇંગ ઇલેવન પર છે. કે.એલ. રાહુલે પર્થ ટેસ્ટમાં રોહિત શર્માની ગેરહાજરીમાં શાનદાર પ્રદર્શન કર્યું હતું, જે રીતે ભારતીય કપ્તાને એડિલેડ ટેસ્ટમાં પુનરાગમન કરતા પોતાના ઓપનિંગ સ્પોટનો ત્યાગ કર્યો હતો. જો કે, તે નં.૬ પર કંઈ કમાલ કરી શક્યો નહીં અને બંને ઇનિંગોમાં મળીને માત્ર નવ રન જ બનાવી શક્યો. આવામાં હવે ક્યાસ લગાવાઈ રહ્યા છે કે, હિટમેન ગાબા ટેસ્ટમાં પોતાની નિયમિત ઓપનિંગ પોઝિશન પર જ રમતો દેખાશે. જ્યારે છેલ્લા કેટલાક સમયથી જરૂર પડે તે સ્થાને રમનાર કે.એલ. રાહુલ મિડલ ઓર્ડરમાં બેટિંગ કરતો જોવા મળશે. કે.એલ. રાહુલના મિડલ ઓર્ડરમાં બેટિંગ કરવાથી ટીમને વધારે ફાયદો થશે. રાહુલના ફક્ત વિકેટ પર વધારે સમય ટકી ઓસ્ટ્રેલિયન બોલરોને થકવી શકે છે, સાથે જ ટેલને એક્સપોઝ થવાથી બચાવી શકે છે. આ ઉપરાંત ગાબા ટેસ્ટમાં ભારત પોતાના બેટિંગ યુનિટને મજબૂત કરવા માટે રવિન્દ્ર જાડેજાને તક આપી શકે છે. પ્રથમ ટેસ્ટમાં વોશિંગ્ટન સુંદર અને બીજીમાં અશ્વિનને પ્લેઇંગ ઇલેવનમાં સ્થાન મળ્યું હતું પણ બંને સ્પિનર કંઈ કમાલ કરી શક્યા નથી. જાડેજા એક છેડે સતત બોલિંગ કરી બીજા છેડે કપ્તાનને પોતાના બોલર રોટેટ કરવાનો પણ સારો વિકલ્પ આપે છે. બોલિંગ યુનિટમાં ફેરફાર જોવા મળી શકે છે. હર્ષિત રાણા માટે એડિલેડ ટેસ્ટ નિરાશાજનક રહી હતી. આવામાં રોહિત શર્મા આકાશ દીપને તક આપી પોતાની પેસ બેટરીને વધારે મજબૂત કરવા માંગશે.