(એજન્સી) બિલાસપુર, તા.૩
હિમાચલ પ્રદેશના બિલાસપુર ખાતે એક ચૂંટણી જાહેરસભાને સંબોધતા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું કે સમગ્ર કોંગ્રેસ પાર્ટી રાહુલ ગાંધી, સોનિયા ગાંધી અને વિરભદ્રસિંગની કેબિનેટ હાલમાં જામીન પર છે. બિલાસપુરમાં ૭પ૦ બેડની ૧૩પ૦ કરોડના ખર્ચે સ્થપાનાર એમ્સ હોસ્પિટલનો શિલાન્યાસ કર્યા બાદ વડાપ્રધાન મોદીએ એક જંગી જાહેર સભાને સંબોધી હતી. સેઈલ અને આઈઆઈટી બિલ્ડીંગ નિર્માણ માટે પણ તેમણે શિલાન્યાસ કર્યો હતો. જાહેરસભામાં બોલતા મોદીએ કહ્યું કે સમગ્ર કોંગ્રેસ પાર્ટી હાલમાં જામીન પર બહાર છે. હિમાચલમાં આ જમાનતી સરકાર છે. મુખ્યમંત્રી વિરભદ્રસિંગનો સમગ્ર પરિવાર જામીન પર છે. જ્યારે કોંગ્રેસના નેતાઓ મળવા આવ્યા ત્યારે મુખ્યમંત્રી અને પરિવાર જામીન પર છે તો તેમને કેમ બદલતા નથી ? વિરભદ્રસિંગ અપ્રમાણસર મિલકત કેસમાં જામીન પર છે. ત્યારે કોંગ્રેસના નેતાઓએ જવાબ આપ્યો કે અમારી સમગ્ર કોંગ્રેસ પાર્ટી જામીન છે. જેમાં પ્રમુખ સોનિયા ગાંધી પણ ભ્રષ્ટાચારના કેસમાં જામીન પર બહાર છે. મોદીએ કહ્યું કે સોનિયા ગાંધી અને રાહુલ ગાંધી નેશનલ હેરોલ્ડ કેસમાં જામીન પર છે. દરેક વસ્તુ જામીન પર છે. પક્ષ, નેતાઓ અને હિમાચલ સરકાર પણ જામીન પર છે. મોદીએ લોકોને પૂછ્યું કે જામીન પર રહેલી સરકારને વિદાય આપવી જોઈએ કે નહીં ? લોકોએ જયશ્રી રામના સૂત્રોચ્ચાર સાથે સભા ગજવી મૂકી હતી. મોદીએ ર૦૧૪માં કોંગ્રેસના નેતૃત્વવાળી યુપીએ સરકારના ભ્રષ્ટાચારનો ઉલ્લેખ કરી કહ્યું કે ર૦૧૪ પહેલાં દેશના અખબારો કોંગ્રેસના ભ્રષ્ટાચારથી છલકાતા હતા. પરંતુ એનડીએના શાસનના ૩ વર્ષમાં કોઈ પણ ભ્રષ્ટાચારનો કિસ્સો નોંધાયો નથી. લોકો પૂછતા હતા કે કોંગ્રેસે ગોટાળામાં કેટલા નાણાં ગુમાવ્યા ? ટુજી કોલ, લેન્ડ, વોટર, એર ચારેબાજુ ભ્રષ્ટાચાર થયો હતો. હવે લોકો મને પૂછે છે કે કેટલા નાણાં ભારતમાં પરત આવ્યા ? રાજ્યમાં ૭ વર્ષથી ૭૦ કરોડનો સ્ટીલ પ્રોજેક્ટ પડતર હતો. કાંગરા સ્ટીલ પ્લાન્ટની કામગીરી ઉદાહરણ છે. વિભાગો મજૂરીમાં વિલંબ કરતાં હોવાથી વિકાસ અટક્યો હતો. મોદીએ કહ્યું કે અગાઉ યુપીએ સરકાર રિમોટથી ચાલતી હતી. રાજ્યમાં ૧પ હજાર કરોડના ૩ પ્રોજેક્ટ કાર્યરત કરાયા છે. જે રોજગારી વધારશે તેમજ પ્રવાસન વિકસાવશે મોદીએ ૪૦ મિનિટના ભાષણમાં વન-ટેન્ક વન પેન્શનનો ઉલ્લેખ કર્યો હતો. જેનો અમલ થતાં પૂર્વ સૈનિકોને ફાયદો થયો હતો. ૮પ૦૦ કરોડ વહેંચ્યા છે. બીજો હપ્તો ટૂંકમાં વહેંચાશે. ભાજપ હિમાચલનું સ્વપ્ન પૂરું કરશે.