(એજન્સી) ભોપાલ, તા. ૧૨
મધ્યપ્રદેશના રાજગઢમાં એક કમકમાટી ભરી ઘટના બની છે. સગીર દલિત છોકરીને સળગાવીને મારી નાખવાની કોશિશ કરવામાં આવી. આ ઘટનામાં ગંભીર રીતે ઘાયલ થયેલી કિશોરીએ જણાવ્યું કે મારી સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેનો મેં વિરોધ કર્યો હતો. આથી આરોપીએ મારી પર કેરોસીન છાંટીને સળગાવી દીધી હતી. પોલીસ કેસ દાખલ કરીને એક આરોપી છોકરાની ધરપકડ કરી છે. પોલીસ અધિકારીએ કહ્યું કે કિશોરીને આગમાં ગંભીર ઈજા પહોંચી છે તેને રાજગઢ જિલ્લાની હોસ્પિટલમાં દાખલ કરવામાં આવી છે. તેની સ્થિતિ ગંભીર હોવાનું કહેવાય છે. ઘટના બાદ શનિવાર રાતથી આરોપી ફરાર થયો હતો. જોકે દિવસને અંતે તેની અટકાયત કરવામાં આવી હતી. ઘટના સમયે પીડિતા ઘેર એકલી હતી અને તેમના માતાપિતા કામ અર્થે બહાર ગયાં હતા. આ જોઈને આરોપી પીડિતાના ઘરમાં ઘુસી ગયો હતો અને તેની સાથે બળાત્કાર કરવાનો પ્રયાસ કર્યો હતો પરંતુ પીડિતાએ તેનો ઉગ્ર વિરોધ કર્યો હતો જેનાથી ગુસ્સે ભરાયેલા આરોપીએ તેની પર કેરોસિન છાંટીને સળગાવી નાખવાનો પ્રયાસ કર્યો હતો. રાજગઢ સીનિયર પોલીસ અધિકાર સિમલા પ્રસાદે એ વાતની પુષ્ટિ કરી કે રવિવારે રાતે આરોપી છોકરાની અટકાયત કરવામાં આવી છે. પોલીસે કહ્યું કે આરોપીની સામે ઈન્ડીયન પીનલ કોડની કલમ હેઠળ કેસ દાખલ કરવામાં આવ્યો છે.