(એજન્સી) નવી દિલ્હી, તા.૧ર
સીજેઆઈ દીપક મિશ્રાએ વેધક પ્રશ્ન કર્યો કે કોર્ટ દ્વારા દોષી ઠરાવેલ વ્યક્તિ કોઈ પક્ષનો વડો કઈ રીતે બની શકે છે ? ગુનાખોરી અને ભ્રષ્ટાચાર માટે જેમને સજા કરાઈ હોય એમને પક્ષના અધ્યક્ષ તરીકે ચાલુ રાખવા પાછળ કયો તર્ક છે ? આ પ્રકારનું વલણ ચૂંટણી પ્રક્રિયાની સ્વચ્છતા સાથે મોટી લપડાક છે. લોકશાહી પ્રક્રિયા મુજબ એ વ્યક્તિ વિધાનસભા અને લોકસભા માટે ઉમેદવારોની પસંદગી કરવાની સંપૂર્ણ સત્તા પણ ધરાવે છે. પોતે ગુનેગારો હોય પછી એ કયા આધારે નિર્દોષ વ્યક્તિઓની પસંદગી કરી શકશે.
સીજેઆઈ સુનાવણી દરમિયાન ભારત સરકાર અને ચૂંટણી પંચને જણાવી રહ્યા હતા. એમણે કહ્યું એ વ્યક્તિ પોતે ચૂંટણી નથી લડી શકતો પણ એ પોતાની માનીતી વ્યક્તિઓનું સંગઠન બનાવી આડકતરી રીતે પોતે જ શાસનમાં ભાગીદાર થાય છે. આ પ્રકારની વ્યક્તિ કોઈ સખાવત કાર્ય કરે તો સમજી શકાય પણ સરકાર અને શાસનની વાત જુદી છે એમાં એમની ભાગીદારી જરાય સ્વીકાર્ય નથી.
શું ચૂંટણી પંચને રાજકીય પક્ષની નોંધણી રદ કરવાની સત્તા હોવી જોઈએ ?
આ મુદ્દે સુપ્રીમકોર્ટે ગયા વર્ષે ડિસેમ્બરમાં ચર્ચા કરી હતી જે મુજબ કોઈ દોષી ઠરાવેલ વ્યક્તિએ જો પક્ષની સ્થાપના કરી હોય અથવા પક્ષની અધ્યક્ષતા ધરાવતો હોય તો આ મુદ્દો ધ્યાનમાં રાખી ચૂંટણી પંચ એવા રાજકીય પક્ષની નોંધણી રદ કરી શકે છે. વકીલ અશ્વિનીકુમારે મુદ્દો ઉપસ્થિત અરજી દાખલ કરી માગણી કરી હતી કે દોષી જાહેર કરાયેલ વ્યક્તિ ઉપર જો ચૂંટણી લડવા પર પ્રતિબંધ મૂકી શકાયો છે તો એમને પક્ષના વડો થવાનો પણ અધિકાર ન હોવો જોઈએ. અરજીમાં આરજેડીના લાલુપ્રસાદ યાદવ અને આઈએનએલડીના ઓ.પી.ચૌટાલાના નામો હતા.
અરજીમાં જણાવ્યું હતું કે, હાલમાં જો કોઈ વ્યક્તિ જધન્ય ગુનામાં પણ દોષી ઠરાવેલ હોય તો પણ એ રાજકીય પક્ષની સ્થાપના કરી શકે છે અને પક્ષનો અધ્યક્ષ પણ રહી શકે છે જે યોગ્ય નથી. આ પ્રકારના કૃત્યને આરપીએની કલમ ર૧-એ હેઠળ મનસ્વી, અતાર્કીક અને બંધારણની વિરૂદ્ધ ગણાવી પક્ષની નોંધણી જ ચૂંટણી પંચે નહીં કરવી જોઈએ અને હયાત પક્ષની નોંધણી રદ કરવી જોઈએ. પંચને રાજકીય પક્ષની નોંધણી અને નોંધણી રદ કરવાની સત્તા આપવી જોઈએ.
પંચે કલમ ર૯એને સુધારવા પ્રસ્તાવ મૂકયો હતો
ર૦૦૪ના વર્ષમાં ચૂંટણી પંચે પ્રસ્તાવ મૂકયો હતો કે આ કલમમાં સુધારો કરી પંચને રાજકીય પક્ષની નોંધણી અને રદીકરણનો અધિકાર આપવો જોઈએ.
હાલના સમયમાં જે રાજકીય પક્ષો પંચ સમક્ષ નોંધાયેલ છે એમાંથી ૮૦ ટકા પક્ષો નિષ્ક્રિય છે અને ફકત ર૦ ટકા જ પક્ષો ચૂંટણીમાં સક્રિય ભાગ લે છે જેથી વધુ પક્ષો પંચના સમય અને નાણાંનો બગાડ કરે છે.
પંચમાં પક્ષોની નોંધણી ઉપર નિગરાની રાખવી જોઈએ કારણ કે રાજકીય પક્ષોને બંધારણમાંથી રક્ષણ મળે છે. જે મુજબ એ પક્ષના સભ્યો ઉપર સંપૂર્ણ નિયંત્રણ ધરાવે છે. એમને સભ્ય પદથી પણ દૂર કરી શકે છે. ગૃહમાં પક્ષની વિરૂદ્ધ મતદાન કરવા બદલ એમની સામે શિસ્તભંગના પગલાં લઈ એમનું ધારાસભ્ય અથવા સાંસદ તરીકેનું સભ્ય પદ પણ રદ કરાવી શકે છે.