(એજન્સી)
નવી દિલ્હી, તા.૧૩
દેશમાં ભાજપના કેટલા સભ્યો છે તે અંગે એક મોટો પ્રશ્ન ઉદ્ભવ્યો છે. આ ગૂંચવણ ભાજપ અધ્યક્ષ અમિત શાહના જુદા-જુદા નિવેદનોથી જ ઉદ્ભવી છે. જો કે હાલમાં જ દિલ્હીમાં ભાજપની રાષ્ટ્રીય કાર્યકારીણીની બે દિવસીય બેઠક યોજવામાં આવી હતી. સભ્ય હતા. બેઠકમાં અમિત શાહે જણાવ્યું કે, પાર્ટીના ૮ કરોડ સભ્ય હતા જેને વધારીને ૯ કરોડ કરવામાં આવ્યા છે પરંતુ જુલાઈમાં પોતાના સંબોધનમાં શાહે ભાજપના ૧૧ કરોડ સભ્ય હોવાની વાત જણાવી હતી. તો શું જુલાઈથી ૮ સપ્ટેમ્બર સુધી ભાજપના ૩ કરોડ સભ્ય ઘટી ગયા હતા. જો કે અમિત શાહ એક માત્ર એવા નેતા નથી જેમણે પાર્ટીના વાસ્તવિક સભ્યોની સંખ્યા અંગેભ્રમની સ્થિતિ ઊભી કરી હોય. આ જ વર્ષે એપ્રિલમાં ભાજપ નેતા અલી મોહમ્મદ મીરે દાવો કર્યો હતો કે હાલમાં ભાજપના ૧૪ કરોડ સભ્ય છે અને આ સંખ્યાની સાથે ભાજપ દેશની નહીં પરંતુ આખા વિશ્વની સૌથી મોટી પાર્ટી બની ગઈ છે. ભાજપ મહિલા મોર્ચાના અધ્યક્ષ વિજયા રાહટકરે પણ ભાજપના સભ્યોની સંખ્યા ૧ર કરોડ બતાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, પાર્ટીના ૧ર કરોડ સભ્યોમાંથી ૩ કરોડ માત્ર મહિલાઓ છે. એમ કહી શકાય કે પાર્ટી અધ્યક્ષ સહિત તમામ નેતાઓની પાસે આ વાતને યોગ્ય સાબિત કરવા માટે કોઈ આંકડા નથી કે અંતે દેશમાં ભાજપના સભ્યોની સંખ્યા કેટલી છે. આ મુદ્દાએ વેગ પકડતા ભાજપ પ્રવક્તાએ પાર્ટી અધ્યક્ષ દ્વારા સભ્યોની સંખ્યાને ૮ કરોડ બતાવવાને જીભ લપસી ગઈ બતાવ્યું, તેમણે આપેલા ઈન્ટરવ્યુમાં જણાવ્યું કે ભાજપના કુલ સભ્યોની સંખ્યા ૧૧ કરોડ છે. તેમાંથી બે કરોડ સભ્યોની અત્યારે ચકાસણી થઈ શકી નથી.