(એજન્સી)
કટિહાર, તા.૧
વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને મુખ્યમંત્રી યોગી આદિત્યનાથ બાદ હવે બિહારમાં નીતીશ સરકારના કેબિનેટ મંત્રી બિજેન્દ્ર પ્રસાદ યાદવે એક સાર્વજનિક મંચ પર મુસ્લિમ ટોપી પહેરવાનો ઇન્કાર કર્યો હતો. જેનો એક વીડિયો સામે આવ્યો છે, જે સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે. મીડિયા રિપોર્ટ મુજબ, આ વીડિયો બિહારના કટિહાર જિલ્લાનો છે. જ્યાં તાલીમી બેદારી પરિષદમાં સામેલ થવા મંત્રી બિજેન્દ્ર યાદવ, વિધાન પરિષદના ઉપસભાપતિ હારુન રશીદ, એમએલસી ખાલિદ અનવર સહિત ઘણા નેતાઓ પહોંચ્યા હતા. કહેવામાં આવી રહ્યું છે કે, આ પરિષદમાં બિહારના ઉપમુખ્યમંત્રી સુશીલકુમાર મોદી પણ હાજર હતા. આ વીડિયો ૩૦ સપ્ટેમ્બર રવિવારનો બતાવવામાં આવી રહ્યો છે. વીડિયોમાં જોઈ શકાય છે કે, મંચ પર સ્વાગત દરમિયાન એક શખ્સ પ્રદેશના ઊર્જામંત્રી બિજેન્દ્ર પ્રસાદને ટોપી પહેરાવા આગળ આવે છે. અને ટોપી ખોલીને તેમના માથા નજીક લાવે છે તો તેઓ ટોપીને પોતાના માથા પર રાખવા નથી દેતા અને એ શખ્સ પાસેથી ટોપી લઈને હાથમાં લઈ લીધી હતી. ત્યારબાદ મંત્રી ટોપી લઈને પાછળ ઊભેલા શખ્સને આપી દે છે. બિજેન્દ્ર યાદવના વલણથી બેઠકમાં હાજર મુસ્લિમ સમુદાયના લોકો નારાજ થઈ ગયા. સ્થાનિય મીડિયા અનુસાર કેટલાંક લોકોએ ટોપી પહેરવાથી ઇન્કાર કરવા પર યાદવ વિરુદ્ધ વિરોધ પ્રગટ કર્યો હતો. મંત્રીના આ પગલાએ ઝડપથી રાજકીય રૂપ ધારણ કર્યું, કારણ કે, ૨૦૧૩ના સપ્ટેમ્બરમાં નીતિશ કુમારે ગુજરાતના તત્કાલીન સીએમ નરેન્દ્ર મોદી પર ટોપી ન પહેરવાને બહાને નિશાન સાધ્યું હતું. ૨૦૧૩માં દિલ્હીના એક કાર્યક્રમમાં સંબોધિત કરતા નીતિશકુમારે કહ્યું હતું કે, ભારત જેવા દેશમાં શાસન કરવા માટે બધાને સાથે લઈને ચાલવું પડશે. ક્યારે ટોપી પર પહેરી પડશે અને તિલક પણ લગાવવું પડશે. યાદવના ટોપી પહેરવાથી ઇન્કાર કરવા પર પ્રતિક્રિયા આપતા હિંદુસ્તાની આવમ મોર્ચાના પ્રવક્તા દાનિશ રિઝવાને કહ્યું કે, જેડીયુ હવે પુરી રીતે આરએસએસની વિચારધારામાં જકડાઈ ગયું છે. જેડીયુ અધ્યક્ષ કહે છે કે, ટોપી પણ પહેરવી પડશે ને માથે તિલક પણ લગાવવું પડશે. નીતિશને પોતાના મંત્રીને પૂછવું જોઈએ કે, તેઓએ ટોપી પહેરવાથી કેમ ઇન્કાર કર્યો.