(એજન્સી) બેઇજિંગ, તા. ૮
ચીનના રાષ્ટ્રીય અખબાર ગ્લોબલ ટાઇમ્સે ફરીવાર ધમકી ઉચ્ચારતા જણાવ્યું છે કે, જો ભારતીય સૈન્ય તેની ધરતી છોડવામાં વિલંબ કરશે તો ચીનના પ્રતિકારને નકારી ન શકાય તેમ કહેતા ચીનના મીડિયાએ દાવો કર્યો હતો કે, હાલની મોદી સરકાર ૧૯૬૨ની જવાહરલાલ નહેરૂ સરકાર જેટલી જ ભોળી છે. ગ્લોબલ ટાઇમ્સના તંત્રીલેખમાં લખાયું હતું કે, ભારતે ૧૯૬૨માં ચીન-ભારત સરહદે સતત નિયંત્રણ રેખાનું ઉલ્લંઘન કર્યું હતું. જવાહરલાલ નહેરૂની તે સમયની સરકાર એવું જ માની રહી હતી કે, ચીન વળતો પ્રહાર નહીં કરે. ચીન પોતાની ઘરેલુ પરિસ્થિતિ અને કુદરતી આફતોમાં જ રચ્યું પચ્યું રહેશે ત્યારે વોશિંગ્ટન અને બેઇજિંગ પણ સારા સંબંધો ધરાવતા નહોતા અને તે વખતે ચીનના સોવિયેત યુનિયન સાથે સારા સંબંધ હતા. આ વાતને ૫૫ વર્ષ વીતી ગયા તેમ છતાં ભારતીય સરકાર હજુ ભોળી જ રહી છે. ભારત સાથે સૈન્ય તથા રાજદ્વારી નજીકના સંબંધો ધરાવતા ભૂતાન બાદ સિક્કીમ મામલે ભારત અને ચીન વચ્ચે સૈન્ય મડાગાંઠ સર્જાઇ છે. અહીં ભારતે ત્રિપાંખીય સરહદે ચીનના પીએલએ સૈન્ય દ્વારા રોડ બનાવવાની કામગીરી ચાલુ કર્યા બાદ તેનો વિરોધ કર્યો છે. અખબારના તંત્રીલેખમાં એવો પણ દાવો કરાયો છે કે, ભારતીય સૈન્ય ક્યારેય પણ તેના પીએલએ સૈન્યને હરાવી શકે તેમ નથી અને આ ફક્ત તેમની માન્યતાઓ જ છે કે વિવાદમાં અમેરિકા પણ જંપલાવશે. તંત્રીલેખમાં જણાવાયું કે, એનો અર્થ એ થયો કે, નવી દિલ્હી ચીન-અમેરિકાની દુશ્મનાવટને સમજી શકતું નથી. વોશિંગ્ટન ફક્ત ભારત તરફી નિવેદનો આપી અને લડાકુ જહાજો મોકલી સામાન્ય રીતે ભારત-ચીન સરહદ વિવાદને એક રીતે ઉશ્કેરણીજનક જ બનાવી રહ્યું છે.