(એજન્સી)
વોશિંગ્ટન,તા.૩૧
સ્ક્રીપસ નેશનલ સ્પેલિંગ બી સ્પર્ધાના ૯ર વર્ષના ઈતિહાસમાં પ્રથમવાર એકથી વધુ વિજેતા જાહેર થયા હતા. કુલ આઠ વિજેતાઓમાંથી ૭ ભારતીય અમેરિકન બાળકો હતા. ગુરૂવારે સાંજે યોજાયેલ અંતિમ ચરણમાં એરિન હોવાર્ડ, રિશીક ગંધાસરી, સાકેય સુંદર, નવનીથ મુરલી, શ્રુતિકા પદુ, સોહમ શુખાટંકર, અભિજય કોડાલી, ક્રિસ્ટોપર સેરરાઓ અને રોહન રાજા વિજેતા જાહેર થયા હતા. દરેક વિજેતાને પ૦,૦૦૦ ડોલરનું ઈનામ મળશે.
આ વર્ષની હરિફાઈની શરૂઆત રવિવારે થઈ હતી જેમાં ૧પ કે તેથી ઓછી વયના પ૬ર બાળકોએ ભાગ લીધો હતો. સ્પર્ધકો યુએસના તમામ પ૦ રાજયો, તેમજ કેનેડા, જમૈકા, જાપાન, જર્મની, દક્ષિણ કોરિયા જેવા અન્ય દેશોમાંથી આવ્યા હતા. ગત વર્ષે ૧૪ વર્ષીય કાર્તિક નેમ્માનીનો વિજય થયો હતો. ૧૯૮પમાં નટરંજન બાલુ સ્પેલિંગ-બી જીતનાર પ્રથમ ભારતીય મૂળના બાળક હતા.