(એજન્સી) નાઇઝીરિયા, તા.૩
નાઈઝીરિયાનાં બેનુએ પ્રાંતમાં એક રસ્તા પર પલટાયેલાં પેટ્રોલનાં ટેન્કરમાંથી પેટ્રોલ એકત્ર કરવાનું લોકોને ભારે પડી ગયુ હતુ. પલટેલાં ટેન્કરમાંથી પેટ્રોલ એકત્ર કરવા માટે મોટી સંખ્યામાં લોકો પહોંચી ગયા હતા. તે સમયે જ ટેન્કરમાં જોરદાર ધમાકો થતાં ૪૫ લોકોનાં મોત થયા હતા. આ દુર્ઘટનામાં ૧૦૦થી વધુ લોકો ઘાયલ થાય છે. દેશની ઈમરજન્સી સેવાએ જણાવ્યું હતું કે, ટેન્કર મધ્ય બેનુએ પ્રાંતમાં અહુમ્બે ગામમાં થઈને જઈ રહ્યું હતું. ટેન્કર જ્યા પલટાયુ ત્યાં નજીકમાં જ દુકાનો હતી. ટેન્કરમાંથી નીકળી રહેલાં પેટ્રોલને લેવા માટે સ્થાનિક લોકો ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. લગભગ એક કલાક સુધી લોકોએ પેટ્રોલને એકત્ર કર્યું હતું. ત્યારબાદ અચાનક ટેન્કરમાં વિસ્ફોટ થયો હતો. જેમાં લોકોનાં મોત થયા હતા. બેનુએ પ્રાંતના માર્ગ સુરક્ષા આયોગના સેક્ટર કમાન્ડર આલિયૂ બાબાએ જણાવ્યું હતું કે, ઘટનાસ્થળેથી ૪૫ લોકોનાં મૃતદેહ કાઢવામાં આવ્યા હતા. જ્યારે ઘટનામાં ૧૦૧ લોકો ગંભીર રીતે ઘાયલ થયા હતા. ઘટનાની ગંભીરતાને જોતા મરનાર લોકોની સંખ્યામાં વધારો થઈ શકે છે. હાલમાં બચાવ કામગીરી ચાલુ છે. બાબાએ જણાવ્યું હતું કે, ઘટનાના શિકાર થયેલા લોકોમાં ગર્ભવતી મહિલા અને બે બાળકોના મોત પણ થયા છે.