National

ભારતમાં કોવિડ-૧૯નો મૃત્યુઆંક ૬૦૦થી વધુ પરંતુ મમતા-કેન્દ્ર હૂંસાતૂંસીમાં વ્યસ્ત

(એજન્સી)
નવી દિલ્હી, કોલકાતા, તા.૨૧
સમગ્ર વિશ્વની સરકારો કોરોના વાયરસ મહામારી સામે સંગઠિત થઇને લડત આપવા માટે સહકારની હાકલ કરી રહી છે ત્યારે ભારતમાં કેન્દ્ર સરકાર અને પશ્ચિમ બંગાળની સરકાર વચ્ચે તૂ-તૂ મેં મેં ચાલુ છે. બંને સરકારો એકબીજા સામે ખોટું કરવાનો આરોપ મૂકી રહી છે. પશ્ચિમ બંગાળની મમતા બેનરજી સરકારે પસંદગીની રીતે રાજ્યને ટાર્ગેટ કરવાનો કેન્દ્ર સરકાર સામે આરોપ મૂક્યો છે જ્યારે બીજીબાજુ કેન્દ્ર સરકારે સેમ્પલ્સના ટેસ્ટિંગ અને કોવિડ-૧૯ના કેસો સાથે સંબંધિત માહિતી જારી કરવાના સંદર્ભમાં પારદર્શક નહીં હોવાનો પશ્ચિમ બંગાળ સરકાર સામે આરોપ મૂક્યો છે. છેલ્લા કેટલાક દિવસથી બંને સરકારો વચ્ચે શાબ્દિક યુદ્ધ ચાલુ છે. પશ્ચિમ બંગાળના કોરોના વાયરસથી સૌથી ખરાબ રીતે અસરગ્રસ્ત કેટલાક જિલ્લાઓની મુલાકાત લેવા માટે નવી દિલ્હીથી ઇન્ટર મિનિસ્ટેરિયલ ટીમ્સ કોલકાતા પહોંચી ગઇ છે. કેન્દ્ર સરકારે પશ્ચિમ બંગાળ સામે લોકડાઉનના ઘણા પગલાંનો ભંગ કરવાનો આરોપ મૂક્યો છે અને રાજ્યના કેટલાક જિલ્લાઓમાં પરિસ્થિતિ ગંભીર છે. જ્યારે રાજ્ય સરકારે જણાવ્યું કે આમાં કોઇ વાસ્તવિકતા નથી.
અત્યાર સુધી શું થયું
૧. કેન્દ્રીય ગૃહ મંત્રાલયે સોમવારે ૬ ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમ્સ (આઇએમસીટીએસ)ની જાહેરાત કરી છે. આ ટીમો મહારાષ્ટ્ર, રાજસ્થાન, મધ્યપ્રદેશ અને પશ્ચિમ બંગાળના અલગ તારવવામાં આવેલા વિસ્તારોમાં કોરોના વાયરસની પરિસ્થિતિ અને લોકડાઉનના પગલાનું સ્થળ પર જ મૂલ્યાંકન કરવા માટે આગામી ત્રણ દિવસમાં આ વિસ્તારોની મુલાકાત લેશે અને કેન્દ્રને સુપરત કરવામાં આવનાર અહેવાલમાં ઉપચારાત્મક પગલાંની ભલામણ કરશે.
૨. આજે કેન્દ્ર તરફથી આઇએમસીટીની બે ટીમો બંગાળના કેટલાક જિલ્લાઓમાં તપાસ કે નિરીક્ષણ કરવા માટે કોલકાતા પહોંચી છે. એક ટીમ સરહદ સુરક્ષા દળ (બીએસએફ)ના કેમ્પ ખાતે રોકાઇ છે. આ ટીમો કોવિડ-૧૯ની સ્થિતિની ચકાસણી કરવા માટે પૂર્વ મિદનાપોર, હાવડા, કાલિમપોંગ, જલપાયગુડી, દાર્જલિંગ ્‌ને કોલકાતા જેવા જિલ્લાઓની મુલાકાત લેશે.
૩. નવી દિલ્હીથી બંગાળમાં ટીમ મોકલવાનો નિર્ણય રાજ્યમાં શાસક તૃણમૂલ કોંગ્રેસને સારો લાગ્યો નથી. ટીએમસીએ જણાવ્યું કે આ ટીમે ‘સાહસિક પર્યટન’ પર છે. ટીએમસીના વરિષ્ઠ નેતા અને રાજ્યસભાના સાંસદ ડેરેક ઓબ્રાયને એવો દાવો કર્યો છે કે કેન્દ્રની ટીમો કોલકાતા પહોંચ્યાના ત્રણ કલાક બાદ કેન્દ્રે આ ટીમ અને તેના હેતુ વિશે મુખ્ય પ્રધાન મમતા બેનરજીને જાણ કરી હતી. રાજ્ય સરકારને આ ટીમ વિશે જાણ કરવામાં આવી નહીં હોવાથી આ ટીમોને કોણ માહિતી આપશે.
૪. ડેરેક ઓબ્રાયને પશ્ચિમ બંગાળના લોકોને ભડકાવવાનો પણ કેન્દ્ર સામે આરોપ મૂક્યો છેે. દર વખતે તેઓ ટીમ મોકલે છે . તેમણે એવું પૂછ્યું કે આવી ટીમો શા માટે માત્ર બિન-ભાજપ રાજ્યોમાં મોકલવામાં આવે છે. તેમણે એવું પણ કહ્યું કે હું વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને કેન્દ્રીય ગૃહ પ્રધાન અમિત શાહને પૂછવા માગું છું કે તેઓએ શા માટે ગુજરાત, તમિળનાડુ અને ઉત્તર પ્રદેશમાં ટીમો ન મોકલી ? ગુજરાતમાં પાંચ હોટસ્પોટ છે અને કોરોના વાયરસના ૨૦૬૬ કેસ નોંધાયા છે,ઉત્તર પ્રદેશમાં ૯ હોટસ્પોટ અને ૧૯૦૦ કેસ નોંધાયા છે જ્યારે તમિળનાડુમાં ૨૨ હોટસ્પોટ છે અને ૧૫૯૬ પોઝિટિવ કેસો નોંધાયા છે.
૫. મમતા બેનરજીએ પણ પીએમ મોદીને પત્ર પાઠવ્યો છે. સ્થાપિત પ્રક્રિયા કે કાર્યપદ્ધતિ છે કે કેન્દ્રીય ટીમો વિસ્તારોની મુલાકાત લેતા પહેલા રાજ્ય સરકારના અધિકારીઓ પાસેથી માહિતી મેળવવી જોઇએ. તેમણે એવું પણ કહ્યું કે પશ્ચિમ બંગાળ વિશે કેન્દ્ર દ્વારા કરવામાં આવેલા નિરીક્ષણો કે અવલોકનો સત્યોથી વેગળા છે.
૬. પશ્ચિમ બંગાળ બહુ ઓછા સેમ્પલનું ટેસ્ટિંગ કરી રહ્યું હોવાના કેન્દ્રના આરોપ વિશે પૂછવામાં આવતા ડેરેક ઓબ્રાયને જણાવ્યું કે માર્ચમાં રાજ્ય સરકારે ટેસ્ટિંગ કિટ્‌સ વિશે પૂછ્યુંં ત્યારે માત્ર ૪૦ કિટ્‌સ આપવામાં આવી હતી. તેમણે એવું પણ કહ્યું કે અમે આઇસીએમઆરની બધી જ ગાઇડલાઇન્સનું પાલન કર્યું છે. આઇસીએમઆરની ગાઇડલાઇન્સમાં લક્ષણવાળાઓના જ ટેસ્ટિંગનો સમાવેશ થાય છે. તેઓએ જ્યારે ગાઇડલાઇન્સમાં ફેરફાર કર્યા ત્યારે તેનું પણ અમે પાલન કર્યું. તેમણે કહ્યું કે કેન્દ્ર કોરોના વાયરસ મહામારી સામે લડી રહ્યું નથી, રાજ્યો લડી રહ્યા છે અને પશ્ચિમ બંગાળ સહકાર આપી રહ્યું છે. હેલ્થ ઇમરજન્સી દરમિયાન રાજકારણને દૂર રાખવું જોઇએ. કોરોના વાયરસ સામેની લડતમાં અમે શક્ય બધું જ કરી રહ્યા છીએ. અમે ખરેખર એ જાણવા માગીએ છીએ કે ક્યા માપદંડને આધારે રાજ્યોમાં કેન્દ્રની ટીમો મોકલવામાં આવી રહી છે.
૭. દરમિયાન, કોલકાતા પોલીસે નવી દિલ્હીથી આવેલી કેન્દ્રીય ટીમ જ્યાં રોકાઇ છે એ બીએસએફ કેમ્પની બહારનો વિસ્તાર ઘેરી લીધો છે. આ વિસ્તારમાં અવરોધો ઉભા કરી દેવામાં આવ્યા છે અને વાહનોની તપાસ કરવામાં આવી રહી છે.
૮. આ ઘટનાક્રમ અંગે પ્રતિક્રિયા આપતા કેન્દ્રીય પ્રધાન અને લોકસભામાં પશ્ચિમ બંગાળના સાંસદ બાબુલ સુપ્રિયોએ મમતા બેનરજી સામે પ્રહાર કર્યા છે અને તેમને ‘વાયરસ’ ગણાવ્યા છે. તેમણે એક ટિ્‌વટમાં લખ્યું કે અમે માત્ર કોવિડ-૧૯ સામે લડી રહ્યા નથી પરંતુ પશ્ચિમ બંગાળમાં વધુ ખતરનાક વાયરસ અને મમતા બેનરજીના નેતૃત્વવાળી સરકાર તેમ જ તૃણમૂલ કોંગ્રેસ સામે લડી રહ્યા છીએ. આ તો માત્ર સમયની બાબત છેે વાયરસ ગણાવાયેલા દીદી સામે એન્ટીબોડીસ પશ્ચિમ બંગાળમાં કામ કરવાનું શરૂ કરી દેશે.
૯. પશ્ચિમ બંગાળ ભાજપના પ્રમુખ દિલીપ ઘોષે પણ ત્વરિત જવાબ આપ્યો છે. તેમણે ટિ્‌વટ કરીને જણાવ્યું કે ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કેન્દ્રની ટીમ રાજ્યની મુલાકાત લઇ રહી છે. રાજ્ય સરકારની ખોટી માહિતી અને ચોરી રંગે હાથ ઝડપાઇ જવાની સંભાવના હોવાનો ભય છે.
૧૦. દરમિયાન, પશ્ચિમ બંગાળના રાજ્યપાલ જગદીપ ધનખડે કેન્દ્રની ટીમને સહકાર આપવાની રાજ્ય સરકારને અપીલ કરતું ટિ્‌વટ કર્યું છે. કોરોના વાયરસ પ્રકોપને રોકવા અને  તેની સામેની લડતમાં સરકારને સંપૂર્ણ સહકાર આપવાની બધાને મારી અપીલ છે. તેમણે કેન્દ્રીય ટીમને સહકાર આપવાની મમતા બેનરજીને પણ અપીલ કરી છે. કેન્દ્ર અને રાજ્ય વચ્ચે ઘર્ષણ નહીં સહકારની જરૂર છે.

‘સંઘીય-વિરોધી ઝુંબેશ’ : બંગાળમાં કેન્દ્રની
કોવિડ-૧૯ ટીમ અંગે તૃણમૂલે કહ્યું

(એજન્સી) કોલકાતા, તા.૨૧
તૃણમૂલ કોંગ્રેસ (ટીએમસી)ના રાજ્યસભાના નેતા અને રાષ્ટ્રીય પ્રવક્તા ડેરેક ઓબ્રાયને મંગળવારે કેન્દ્ર સરકાર સામે એવો આરોપ મૂક્યો છે કે ભારતમાં રાજ્યો કોરોના વાયરસ મહામારી સામે યુદ્ધ લડી રહ્યા છે ત્યારે નરેન્દ્ર મોદીના નેતૃત્વવાળી કેન્દ્ર સરકાર કોરોના વાયરસ સામે લડવાને બદલે કેટલાક રાજ્યો સામે લડી રહી છે. તેમણે જણાવ્યું કે વિરોધ પક્ષો દ્વારા શાસિત રાજ્યોના આશરે ૭૦ ટકાથી ૮૦ ટકા જિલ્લાઓ કેન્દ્રીય ટીમની મુલાકાત માટે પસંદ કરવામાં આવ્યા છે. તેમણે એવો પ્રશ્ન કર્યો કે યાદીમાં સામેલ ઉત્તર પ્રદેશ અને ગુજરાતના કોઇ જિલ્લા શા માટે કેન્દ્રીય ટીમની મુલાકાત માટે પસંદ કરવામાં આવ્યા નથી ? તૃણમૂલ કોંગ્રેસના સાંસદે કેન્દ્રીય ટીમ રાજ્યોને મોકલતા પહેલા રાજ્યોનો સંપર્ક સાધ્યા વગર રાજ્યોમાં ટીમ મોકલવાની બાબતને ઓબ્રાયને ‘સંઘીય વિરોધી ઝુંબેશ’ ગણાવી છે. પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ કેન્દ્રીય ટીમની રાજ્યની મુલાકાત સામે જોરદાર રીતે વાંધો ઉઠાવ્યો છે અને કેન્દ્રના આ નિર્ણયને એકતરફી અને અનિચ્છનીય ગણાવ્યો છે.

કેન્દ્ર કોવિડ-૧૯ના પાણીમાં માછલાં પકડી રહ્યું છે

(એજન્સી) કોલકાતા, તા. ૨૧
પશ્ચિમ બંગાળનાં મુખ્ય પ્રધાન મમતા બેનરજીએ લોકડાઉનના કથિત ભંગનું મૂલ્યાંકન કરવા માટે પહેલાથી જાણ કર્યા વગર બંગાળમાં કેન્દ્ર સરકાર દ્વારા બે ઇન્ટર મિનિસ્ટેરિયલ ટીમો મોકલવા અંગે નારાજગી વ્યક્ત કરી છે. બંગાળના સીએમે કેન્દ્ર સામે શિષ્ટાચારનો ભંગનો આરોપ મૂક્યો છે અને એવું સૂચવ્યું કે કેન્દ્રનું આ એકતરફી પગલું સમવાયી માળખાનું અપમાન છે. કેન્દ્રીય ગૃહ પ્રધાનના કોલનો ઉલ્લેખ કરીને મમતા બેનરજીએ જણાવ્યું કે કેન્દ્રીય ટીમની રાજ્યની મુલાકાત વિશે જાણ કરવા માટે બપોરે એક વાગે કેન્દ્રીય ગૃહ પ્રધાને તેમનો સંપર્ક સાધ્યો હતો પરંતુ કેન્દ્રના અધિકારીઓ સવારે ૧૦-૧૦ વાગે કોલકાતા આવી પહોંચ્યા હતા. એટલે કે અમિત શાહ તેમને ફોન કરે તે પહેલા તો કેન્દ્રીય ટીમ બંગાળમાં આવી ગઇ હતી. એટલું જ નહીં, રાજ્યના સત્તાવાળાઓને જાણ કે તેમની સાથે મસલતો કર્યા વગર કેન્દ્રીય ટીમોએ હોટસ્પોટ્‌સની મુલાકાત લેવાનું શરૂ કરી દીધું હતું.

કેન્દ્રની કોવિડ-૧૯ સમીક્ષા ટીમને બંગાળમાં સ્થિતિની તપાસ કરવા ન દેવાઇ

(એજન્સી) કોલકાતા,તા.૨૧
પશ્ચિમ બંગાળમાં તૃણમૂલ કોંગ્રેસના નેતૃત્વવાળી સરકારે કોરોના વાયરસ લોકડાઉનના કથિત ભંગની તપાસ કરવા માટે ઇન્ટર મિનિસ્ટેરિયલ સેન્ટ્રલ ટીમને વિસ્તારોમાં જઇને માહિતી મેળવવા દીધી ન હતી. એક અહેવાલમાં જણાવવામાં આવ્યું છે કે બંગાળ મોકલવામાં આવેલી કેન્દ્રીય ટીમ જ્યાં રોકાઇ હતી, તે હોટલમાંથી ટીમને બહાર જવા દેવામાં આવ્યું ન હતું. સંરક્ષણ મંત્રાલયના વરિષ્ઠ અધિકારી અપુર્વ ચંદ્ર કોલકાતામાં કેન્દ્રીય ટીમનું નેતૃત્વ કરી રહ્યા છે. તેમણે એવો આરોપ મૂક્યો છે કે જરૂરી નોટિસ આપી કે જાણ કરી હોવા છતાં ૨૦મી એપ્રિલથી બંગાળની ટીમની કામગીરી સામે અવરોધો ઉભા કરવામાં આવ્યા છે. તેમણે એવું પણ કહ્યું કે આજે અમને એવી ખાતરી આપવામાં આવી છે કે આજે અમે આ વિસ્તારોની મુલાકાત લઇ શકીશું. અમને એવું કહેવામાં આવ્યું હતું કે કેટલીક સમસ્યાઓ હોવાથી અમે બહાર જઇ શકીશું નહીં. જ્યારે અન્ય રાજ્યોમાં ગયેલી કેન્દ્રીય ટીમોને કોઇ પણ પ્રકારના અવરોધનો સામનો કરવો પડ્યો નથી.

કેન્દ્ર સાથે વિવાદ બાદ મમતા બેનરજીએ કોવિડ-૧૯ ટીમને મંજૂરી આપી

(એજન્સી) નવી દિલ્હી,તા.૨૧
કોરોના વાયરસ લોકડાઉનના ભંગની તપાસ કરવા માટે બંગાળ પહોંચેલી કેન્દ્રીય ટીમે કોલકાતાની મુલાકાત લેવા માટે મમતા બેનરજી સરકારની પરવાનગી મેળવવા માટે કલાકો સુધી રાહ જોઇ હતી. કોલકાતા અને જલપાઇગુડીમાં ટીમોને અટકાવી રાખવામાં આવ્યા બાદ રાજ્ય સરકાર તેનું વલણ બદલે તે પહેલાં ટીમને ગૃહ મંત્રાલયની ચેતવણી મળી હતી. ઇન્ટર મિનિસ્ટેરિયલ ટીમો વિપક્ષ દ્વારા શાસિત ત્રણ રાજ્યો સહિત ચાર રાજ્યોમાં મોકલવામાં આવી છે. પત્રકારોને માહિતી આપતા ગૃહ મંત્રાલયના પુન્ય સલિલા શ્રીવાસ્તવે જણાવ્યું કે પશ્ચિમ બંગાળથી અમને સહકાર મળી રહ્યો નથી. અમને ત્યાં અમારૂ કામ કરવા દેવામાં આવી રહ્યું નથી. પશ્ચિમ બંગાળ સિવાય બધા રાજ્યોએ કેન્દ્રીય ટીમોને સહકાર આપ્યો છે. તેમણે એવું પણ કહ્યું કે અમે પશ્ચિમ બંગાળને ફરી લખ્યું છે અને તેમને કહ્યું કે તેઓ કેન્દ્રીય ટીમોની મદદ કરે નહિંતર કાર્યવાહી થઇ શકે છે. મધ્યપ્રદેશ, રાજસ્થાન અને મહારાષ્ટ્ર તરફથી અમને મદદ મળી રહી છે.

ગૃહ મંત્રાલયે રાજ્યમાં કેન્દ્રીય કોવિડ-૧૯ ટીમોને નહીં રોકવાનો બંગાળ સરકારને આદેશ આપ્યો

(એજન્સી) નવી દિલ્હી,તા.૨૧
કેન્દ્રીય ગૃહ મંત્રાલયે મંગળવારે બંગાળ સરકારને એક પત્ર પાઠવ્યો છે. પત્રમાં રાજ્યના પસંદ કરાયેલા જિલ્લાઓમાં લોકડાઉનના પગલાંના અમલીકરણની સમીક્ષા કરવા માટે કેન્દ્રની મોકલવામાં આવેલી બે ટીમોને તેમની ફરજ અદા કરવા દેવાનો રાજ્ય સરકારને આદેશ આપવામાં આવ્યો છે. આ ટીમો પબ્લિક હેલ્થ સ્પેશિયાલિસ્ટ્‌સ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ ઓથોરિટીના અધિકારીઓની બનેલી છે. પત્રમાં એવી ફરિયાદ પણ કરવામાં આવી છે કે કેન્દ્રીય ટીમોને કોલકાતા અને જલપાઇગુડીમાં રાજ્ય અને સ્થાનિક સત્તાવાળાઓ દ્વારા જરૂરી સહકાર આપવામાં આવ્યો નથી. ટીમના સભ્યોને કોઇ પણ વિસ્તારની મુલાકાત લેતા અટકાવવામાં આવ્યા છે. એટલું જ નહીં, વ્યવસાયિકો સાથે વાતચીત કે સંવાદ કરવા દેવામાં આવ્યું નથી અને રાજ્યની પાયાની સ્થિતિનું મૂલ્યાંકન કરતા અટકાવવામાં આવ્યું છે.

About author

Articles

"VOICE OF TRUE JOURNALISM"
Related posts
NationalPolitics

કર્ણાટકમાં નેતૃત્વ પરિવર્તન ? ઝઘડતા નેતાઓ પર લગામ લગાવતી કોંગ્રેસની ટોચની નેતાગીરી

શાસક કોંગ્રેસમાં નેતૃત્વ પરિવર્તન થઈ…
Read more
AhmedabadNational

રતન તાતાના મૃત્યુના સમાચારથી મુંબઈ, અમદાવાદમાંગરબા કાર્યક્રમો અટકાવી દેવાયા હતા

(એજન્સી) તા.૧૦દિગ્ગજ ઉદ્યોગપતિ રતન…
Read more
NationalPolitics

અરવિંદ કેજરીવાલ ૪૮ કલાકની અંદર દિલ્હીના મુખ્યપ્રધાન પદેથી રાજીનામું આપશે : સુપ્રીમ કોર્ટના પ્રતિબંધો અને કોર્ટનીલાંબી લડાઈ અંગે વાત કરતાં તેમણે કહ્યું કે, મારૂં ભાગ્ય મતદારોના હાથમાં છે, દિલ્હીમાં વહેલી ચૂંટણીની હાકલ કરી

કેજરીવાલે કહ્યું છે કે, દિલ્હીમાં…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.