પૂણે ટેસ્ટમાં હાર બાદ ટીમ ઈન્ડિયા ઉપર દબાણ
પૂણેની ટેસ્ટમાં ભારતીય ટીમ બંને ઈનિંગ્સમાં ૧૦૫ અને ૧૦૭માં ઓલઆઉટ થઈ હતી : ઓકીફ નિર્ણાયક બનશે
નવી દિલ્હી,તા. ૨
પ્રથમ ટેસ્ટ મેચમાં કંગાળ રીતે હારનો સામનો કર્યા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમ બીજી ટેસ્ટ મેચમાં વધુ સારા દેખાવ સાથે મેદાનમાં ઉતરવા માટે તૈયાર છે. બેંગલોરમાં રમાનારી આ મેચને લઈને ભારતીય ટીમ જોરદાર તૈયારી કરી રહી છે. ટીમ ઈન્ડિયા ઉપર પ્રથમ ટેસ્ટમાં પૂણેમાં હાર થયા બાદ જોરદાર દબાણ વધી ગયું છે. ઓસ્ટ્રેલિયાના સ્ટીવ ઓકીફ ઉપર મુખ્ય આધાર રહેશે. તેની બોલીંગ સામે કઈ રીતે બેટીંગ કરવામાં આવે તેને લઈને અભ્યાસની પ્રક્રિયા ચાલી રહી છે. ઓકીફ પ્રથમ ટેસ્ટમાં ૧૨ વિકેટ ઝડપીને તરખાટ મચાવ્યો હતો. ભારતીય ટીમને હરાવવામાં ચાવીરૂપ ભૂમિકા ભજવી હતી. ઘરઆંગણે સતત ૧૯ ટેસ્ટ મેચોમાં સતત અપારાજિત રહેવાના રેકોર્ડનો પૂણેમાં અંત આવ્યો હતો. પૂણેમાં ભારતીય ટીમનો દેખાવ ખૂબ જ કંગાળ રહ્યો હતો. બંને ઈનીંગ્સમાં ભારતીય ટીમ સસ્તામાં આઉટ થઈ હતી. ૧૦૫ અને ૧૦૭ રનમાં ભારતીય ટીમ આઉટ થઈ ગઈ હતી. પૂણે અને બેંગલોરની વિકેટને લઈને પણ નિષ્ણાતોમાં ચર્ચા જોવા મળી રહી છે. બેંગલોરની વિકેટ પૂણે કરતા અલગ પ્રકારની વિકેટ જોવા મળી શકે છે. જેથી ભારતને આ ટેસ્ટ મેચમાં જંગી જુમલો ખડકવાની તક મળશે. બીજી બાજ સ્ટીવ સ્મીથના નેતૃત્વમાં ઓસ્ટ્રેલિયન ટીમ પ્રથમ ટેસ્ટ મેચમાં જીત મેળવી લીધા બાદ ઉંચા નૈતિકસ જુસ્સા સાથે મેદાનમાં ઉતરશે. ડેવિડ વોર્નર પ્રથમ ટેસ્ટ મેચમાં બેટીંગમાં ફ્લોપ રહ્યા બાદ તેની પાસેથી પણ જોરદાર દેખાવની અપેક્ષા રાખવામાં આવી રહી છે. બેંગલોરની વિકેટ ફ્લેટ રહી શકે છે. જેથી આ બેટીંગ વિકેટ ઉપર હાઈ સ્કોર થઈ શકે છે.
આ ઉપરાંત ભારતીય ટીમના બેટ્સમેનો પણ જંગી જુમલો આ મેદાન ઉપર ખડકી શકે છે. પૂણેની વિકટ ઉપર ભારતની હાલત ખૂબ જ કફોડી બની ગઈ હતી. ઈન્ડિયાને ટેસ્ટ શ્રેણીમાં વાપસી કરવા મહેનત કરવી પડશે.