રાહુલના ૧૬ ચોગ્ગા, ૩ છગ્ગા સાથે ૧૯૯ રન
ચેન્નાઇ,તા. ૧૮
ચેન્નાઈના ચેપોક મેદાન પર રમાઈ રહેલી પાંચમી અને અંતિમ ક્રિકેટ મેચના આજે ત્રીજા દિવસે રમત બંધ રહી ત્યારે ઇંગ્લેન્ડના પ્રથમ દાવમાં ૪૭૭ રન ઓલઆઉટના જવાબમાં ભારતે આજે રમત બંધ રહી ત્યારે ચાર વિકેટે ૩૯૧ રન બનાવ્યા હતા. ભારત તરફથી રાહુલ ૧૯૯ રન કરીને આઉટ થયો હતો. રાહુલે શાનદાર બેટિંગ કરીને ૩૧૧ બોલમાં ૧૬ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી આ રન બનાવ્યા હતા જ્યારે પાર્થિવ પટેલ ૭૧ રન કરીને આઉટ થયો હતો. પાર્થિવ પટેલ અને રાહુલે પ્રથમ વિકેટની ભાગીદારીમાં ૧૫૨ રન ઉમેર્યા હતા. ઈંગ્લેન્ડની ટીમ પ્રથમ દાવમાં ૪૭૭ રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ તરફથી મોઈનઅલી ૧૪૬ રન કરીને આઉટ થયો હતો. ૧૩ ચોગ્ગા અને એક છગ્ગાની મદદથી મોઈને આ રન બનાવ્યા હતા. આ ઉપરાંત ટીમમાં સામેલ કરવામાં આવેલા ડાઉસને ૬૬ રન કર્યા હતા. રશીદ ૬૦ રન કરીને આઉટ થયો હતો. ઈંગ્લેન્ડના ૪૭૭ રનના જવાબમાં ભારતે પણ મક્કમ શરૂઆત કરી હતી અને પ્રથમ વિકેટની ભાગીદારીમાં જ ગઇકાલના ૬૦ રનથી આગળ રમતા ૧૫૨ રનની ભાગીદારી પાર્થિવ પટેલ અને રાહુલે નોંધાવી હતી. પાર્થિવ પટેલ ૧૧૨ બોલમાં સાત ચોગ્ગા સાથે ૭૧ રન બનાવીને આઉટ થયો હતો. આ ટેસ્ટ મેચ જંગી જુમલાવાળી બને તેમ માનવામાં આવે છે અને ટેસ્ટ મેચમાં પરિણામની શક્યતા ઓછી દેખાઈ રહી છે. શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રાજકોટમાં ડ્રો થયા બાદ વિરાટ કોહલીના નેતૃત્વમાં ભારતીય ટીમે જોરદાર દેખાવ કરીને બાકીની તમામ ટેસ્ટ મેચ જીતી લીધી હતી. ભારત શ્રેણીમાં હજુ ૩-૦ની લીડ ધરાવે છે. તમામની નજર ફરી એકવાર વિરાટ કોહલી પર કેન્દ્રિત થઇ ગઇ છે. વિરાટ કોહલીની નજર સુનિલ ગાવસ્કરના એક શ્રેણીમાં સૌથી વધુ ૭૭૪ રન બનાવવાના રેકોર્ડને તોડવા પર કેન્દ્રીત થઇ ગઇ છે પરંતુ પ્રથમ દાવમાં આજે તે ૧૫ રન કરીને આઉટ થયો હતો. ગાવસ્કરના રેકોર્ડને તોડવા તેને હજુ પણ ૧૨૦ રનની જરૂર છે તે જોતા આ ટેસ્ટ મેચમાં ગાવસ્કરનો રેકોર્ડ તોડવા મુશ્કેલી નડી શકે છે કારણ કે આ ટેસ્ટ હાઈસ્કોરિંગ બની ગઇ છે અને ત્રણ દિવસની રમત પુરી થઇ ચુકી છે. વિરાટ કોહલી આ શ્રેણીમાં ૬૪૦ રન કરી ચુક્યો છે. તેને ગાવસ્કરના ૪૫ વર્ષ જુના રેકોર્ડને તોડવા માટે કુલ ૧૩૫ રનની જરૂર હતી જે પૈકી ૧૫ રન બનાવી ચુક્યો છે. અશ્વિનને કપિલના રેકોર્ડને તોડવા માટે પાંચ વિકેટની જરૂર છે. અશ્વિનને પ્રથમ ઇનિંગ્સમાં માત્ર એક જ વિકેટ મળી હતી જેથી તેને પણ કપિલના રેકોર્ડને તોડવા બીજા દાવમાં ચાર વિકેટની જરૂર પડશે. કપિલે વર્ષ ૧૯૮૩માં ૧૮ ટેસ્ટ મેચમાં ૭૫ વિકેટ ઝડપી હતી. અશ્વીને હજુ સુધી ૧૧ ટેસ્ટ મેચમાં ૭૧ વિકેટ ઝડપી છે. ઇંગ્લેન્ડે છેલ્લે ૨૦૧૨માં ભારતનો પ્રવાસ કર્યો હતો. આ સિરિઝમાં ઇંગ્લેન્ડને ૨-૧થી જીત મળી હતી. ભારતે પાંચ ટેસ્ટ મેચ અથવા વધુની શ્રેણીની ૩૩ શ્રેણી રમી છે જે પૈકી કોઇપણ શ્રેણીમાં ૨થી વધુ ટેસ્ટ જીતી નથી. પરંતુ આ વખતે આ રેકોર્ડમાંથી બહાર નિકળીને ભારતે વર્તમાન શ્રેણીમાં ૩-૦ની લીડ તો પહેલાથી જ મેળવી લીધી છે.
ઇંગ્લેન્ડ પ્રથમ દાવ : ૪૭૭
ભારત પ્રથમ દાવ :
રાહુલકો. બટલર
બો. રશીદ ૧૯૯
પટેલકો. બટલર
બો. અલી ૭૧
પુજારા કો. કૂક
બો. સ્ટોક્સ ૧૬
કોહલી કો. જેનિંગ્સ
બો. બ્રોડ ૧૫
નાયર અણનમ ૭૧
વિજય અણનમ ૧૭
વધારાના ૦૨
કુલ (૧૦૮ ઓવરમાં ૪ વિકેટે) ૩૯૧
પતન : ૧-૧૫૨, ૨-૧૮૧, ૩-૨૧૧, ૪-૩૭૨.
બોલિંગ : બ્રોડ : ૧૮-૪-૪૬-૧, બેલ : ૧૫-૧-૫૦-૦, અલી : ૨૪-૧-૯૬-૪, સ્ટોક : ૯-૧-૩૭-૧, રશીદ : ૧૭-૦-૭૬-૧, ડાઉસન : ૨૩-૩-૭૨-૦, રુટ : ૨-૦-૧૨-૦