પાકિસ્તાન સામેની શ્રેણીમાં રમવા ઈચ્છુક
જમૈકા,તા. ૧૩
જમૈકાના ઝડપી બોલર જેરામ ટેલરની વાપસી થઈ છે. પાકિસ્તાન સામે રમાનારી ટેસ્ટ શ્રેણીમાં તે વાપસી કરી રહ્યો છે. ૩૨ વર્ષીય ટેલરે ૪૬ મેચોના ટેસ્ટ કેરિયરનો થોડાક દિવસે પહેલા જ અંત આણી દીધો હતો. ગયા વર્ષે જુલાઈ મહિનામાં વેસ્ટ ઈન્ડિઝના પ્રવાસ પહેલા જ તે નીકળી ગયો હતો પરંતુ હવે તે ટીમમાં વાપસી કરવા ઈચ્છુક છે. ૨૧મી એપ્રિલના દિવસથી પાકિસ્તાન અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ત્રણ ટેસ્ટ મેચોની શ્રેણી શરૂ થઈ રહી છે. ટેલરે કહ્યું છે કે હજુ તે કેટલાક વર્ષ સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં રમવા માટે ઈચ્છુક છે. ટેલરે વેસ્ટ ઈન્ડિઝ ક્રિકેટ બોર્ડને મોકલવામાં આવેલા પત્રમાં ટેલરે કહ્યું છે કે જો પસંદગી કરાશે તો તે સર્વશ્રેષ્ઠ દેખાવ કરવા પ્રયાસ કરશે. ટીમમાં કેટલાક યુવા ખેલાડીઓ રહેલા છે જેમની સાથે તે સારો દેખાવ કરવા ઉત્સુક છે. ટેલરે તેની છેલ્લી ટેસ્ટ મેચ સિડનીમાં ઓસ્ટ્રેલિયા સામે એક વર્ષ અગાઉ રમી હતી. જમૈકાના આ ઝડપી બોલરે ટેસ્ટ ક્રિકેટમાં ૨૦૦૩માં શ્રીલંકા સામે ટેસ્ટ પ્રવેશ કર્યા બાદથી ૧૩૦ ટેસ્ટ વિકેટ ઝડપી હતી. પાંચ ટેસ્ટ મેચોમાં ઘરઆંગણે પોતાના મેદાન સબીનાપાર્ક પર ૨૯ વિકેટ ઝડપી હતી. ટેસ્ટ ક્રિકેટમાં ચાર વખત પાંચ વિકેટ ઝડપવાની સિદ્ધિ હાંસલ કરી હતી. જે પૈકી ત્રણ સબીનાપાર્ક પર હાંસલ કરી હતી. કેરિયરમાં સર્વશ્રેષ્ઠ દેખાવ ૨૦૧૫માં ઓસ્ટ્રેલિયા સામે ૪૭ રન આપીને છ વિકેટ રહ્યો હતો. વેસ્ટ ઈન્ડિઝ પસંદગી સમિતિના ચેરમેન કોટની બ્રાઉને ટેલરના નિર્ણયનું સ્વાગત કર્યું છે.