(સંવાદદાતા દ્વારા) આણંદ, તા.૧૬
અમેરીકાનાં સાઉથ કેરોલીનામાં બે અશ્વેતોએ સ્ટોરમાં ગુજરાતી યુવાન પર હુમલો કરી તેને માર મારી ફાયરીંગ કરતા યુવકને ઈજાઓ થતા આણંદ સ્થિત તેઓનાં સગા વ્હાલાઓમાં ચિંતાની લાગણી પ્રવર્તી જવા પામી છે,જો કે હાલમાં ઘાયલ યુવાનની સ્થિતી સારી હોવાનું જાણવા મળેલ છે.
મળતી વિગતો અનુસાર આણંદ જિલ્લાનાં આંકલાવ ગામની મોટી ખડકીમાં રહેતો કુશ પટેલ અને તેનો પરિવાર આજથી છ વર્ષ પૂર્વે અમેરીકા ગયા હતા અને સાઉથ કેરોલીનામાં સ્થાયી થયા હતા ત્યાં કુશ પટેલ અને પરિવારે સખ્ત મહેનત મજુરી કરી એક સ્ટોર ખરીદયો હતો અને કુશ સ્ટોરમાં કામ કરતો હતો ત્યારે ગત બુધવારનાં રોજ સ્ટોરમાં ત્રાટકેલા બે અજાણ્યા અશ્વેત લુંટારૂઓ દ્વારા સ્ટોરમાં પ્રવેશી કેસ કાઉન્ટર પાસે ઉભેલા કુશ પટેલ પર હુમલો કરતા કુશ પટેલે પ્રતિકાર કરતા હુમલાખોરે તેને ગડદાપાટુનો માર મારી કેશ કાઉન્ટરમાંથી લુંટ ચલાવ્યા બાદ જતા જતા કુશ પટેલ પર ફાયરીંગ કરતા તેને માથાનાં ભાગે ઈજા પહોંચી હતી, ફાયરીંગ કર્યા બાદ બન્ને અશ્વેત લુંટારૂઓ ભાગી છુટયા હતા આ ઘટના બાદ કુશ પટેલને ત્વરીત સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો હતો, જયાં હાલમાં તેની સ્થિતી સારી હોવાનું જાણવા મળેલ છે, આ ઘટના બાદ કુશ પટેલ પર ફાયરીંગનાં સમાચાર તેનાં આંકલાવ સ્થિત સગા સંબધીઓને પહોંચતા તેઓમાં ચિંતા પ્રસરી જવા પામી હતી.