લંડન, તા.૮
રાફેલ નડાલે પોતાનું શાનદાર ફોર્મ જાળવી રાખતા સીધા સેટોમાં વિજય મેળવી વિમ્બલ્ડનના પુરૂષ સિંગલ્સના ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો છે. પણ એશિયાના ટોચના ખેલાડી નિશિકોરીને ત્રીજા રાઉન્ડમાં પરાજયનો સામનો કરવો પડ્યો. નડાલે રશિયાના કારેન ખાચનોવને બે કલાક ૧પ મિનિટ સુધી ચાલેલા મુકાબલામાં ૬-૧,૬-૪,૭-૬થી હરાવી સાતમી વાર આ ગ્રાસકોર્ટ ટુર્નામેન્ટની પ્રી ક્વાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો. નડાલને કવાર્ટર ફાઈનલમાં પ્રવેશવા મુલેરનો સામનો કરવો પડશે. જાપાનના નિશિકોરીનું ગ્રાસકોર્ટ પર લાચાર પ્રદર્શન ચાલુ રહ્યું. સ્પેનના ૧૮મા ક્રમાંકના રોબર્ટો બાતિસ્તા આગુટે નિશીકોરીને ૬-૪,૭-૬,(૭-૩), ૩-૬, ૬-૩થી હરાવી બીજી વાર વિમ્બલ્ડનના અંતિમ ૧૬મા સ્થાન મેળવ્યું. આગુરને આગામી રાઉન્ડમાં મારિન સિલિચનો સામનો કરવો પડશે. ક્રોએશિયા સાતમા ક્રમાંકના સિલિચે અમેરિકાના સ્ટીવ જોનસનને ૬-૪,૭-૬ (૭-૩), ૬-૪થી હરાવી છઠ્ઠીવાર ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો ૧૬મા ક્રમાંકના મુલેરે પણ પ્રી કવાર્ટર ફાઈનલમાં પ્રવેશ કર્યો તેણે બ્રિટનના અલઝાઝ બેડને ૭-૬, (૭-૪), ૭-પ, ૬-૪થી હરાવ્યો.
વિશ્વની નંબર બે રોમાનિયન ખેલાડી સિમોના હાલેપે ચીનની પેંગ સુહાઈને ૬-૪, ૭-૬(૯-૭)થી હરાવી ચોથા રાઉન્ડમાં પ્રવેશ કર્યો. હવે તેનો સામનો વિશ્વની પૂર્વ નંબર વન વિક્ટોરિયા અઝારેન્કા સાથે થશે. અઝારેન્કાએ રોમાંચક મુકાબલામાં બ્રિટનની હિથર વોટસનને ૩-૬,૬-૧,૬-૪થી હરાવી.
બોપન્ના હાર્યો : પુરૂષ સિંગલ્સમાં ભારતીય પડકાર સમાપ્ત
ભારતનો ટોચનો ખેલાડી રોહન બોપન્ના ઉપરાંત પૂરવ રાજા અને દિવિજ શરણની જોડી હારવાની સાથે વિમ્બલ્ડનના પુરૂષ સિંગલ્સમાં ભારતીય પડકાર પણ સમાપ્ત થઈ ગયો છે. બોપન્ના અને ફ્રાન્સના તેના જોડીદાર વેસલિનને બીજા રાઉન્ડમાં બ્રિટિશ જોડી સામે ૬-૭, ૩-૬, ૭-૬,૩-૬થી પરાજયનો સામનો કરવો પડ્યો. રાજા અને શરણની જોડીને મેરેથોન મુકાબલામાં કલાસેન અને રાજીવ રામની જોડી સામે ૩-૬, ૪-૬, ૬-૪, ૭-૬, ૮-૧૦થી પરાજય થયો.