સિડની, તા.૧૯
ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ ભારત વિરુદ્ધ આગામી પાંચ મેચોની ટેસ્ટ સિરીઝ માટે સ્થાનોની જાહેરાત કરી, જેમાં પર્થનું ઓપ્ટસ સ્ટેડિયમ નવેમ્બરમાં રમાનારી પ્રથમ ટેસ્ટની યજમાની કરશે. હાલમાં જ પાકિસ્તાન વિરુદ્ધ સમાપ્ત થયેલી ટેસ્ટ મેચમાં આ સ્થાન પર ઓછી સંખ્યા જોવા મળી હતી. સીએ પશ્ચિમી ઓસ્ટ્રેલિયા સાથે મળીને કામ કરશે અને પર્થના સ્ટેડિયમમાં દર્શકોની સંખ્યામાં સુધારો કરવાની પૂરો પ્રયાસ કરશે. સૂત્રોએ ખુલાસો કર્યો કે, પર્થમાં સિરીઝની શરૂઆતની મેચ અને એડિલેડ ડે-નાઇટ ટેસ્ટ મેચ રમવાથી ક્રિકેટને ચેનલ સેવન અને ફોક્સ ઉપર બિગ બેશ માટે પ્રાઇમટાઇમ લીડ અપ મળશે. સિરીઝની બીજી મેચ એડિલેડ ઓવલમાં રમાશે અને બ્રિસ્બેનનું ગાબા ત્રીજી ટેસ્ટ મેચની યજમાની કરશે. બોક્સિંગ ડે ટેસ્ટ પ્રતિષ્ઠિત મેલબોર્ન ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે અને સિરીઝની અંતિમ મેચ સિડની ક્રિકેટ ગ્રાઉન્ડમાં રમાશે. ક્રિકેટ ઓસ્ટ્રેલિયાએ હજી સુધી આગામી સિઝન માટે શિડ્યુલ જાહેર કર્યું નથી જેની જાહેરાત મહિનાના અંતમાં થવાની સંભાવના છે. જો કે, બોર્ડે પુરૂષ અને મહિલા બિગ બેશ લીગની આગામી સિઝનની પૂરી જાણકારીની જાહેરાત કરી છે.