(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૨૦
ખાનગી શાળા દ્વારા કઠોર જીઈબીના અધિકારીઓ સામે ભ્રષ્ટાચારનો આરોપ મૂકવામાં આવ્યો છે. શાળાના સંચાલકોએ આક્ષેપ કરતા જણાવ્યું છે કે, કઠોર જીઈબી ખાતાના અધિકારી અને કોન્ટ્રાકટર દ્વારા કામ કરાવી આપવાના બહાને લાખોની રકમ પડાવી લેવામાં આવી છે. એટલું જ નહીં નિષ્ઠાપૂર્વકની કામગીરી કરતા અધિકારીની પણ બદલી કરી મોટો ભ્રષ્ટાચાર આચરવામાં આવ્યો છે. આ મામલે પોલીસ ઊંડાણપૂર્વકની તપાસ કરે તેવી માંગ છે. જીઈબી ખાતામાં ચાલતા ભ્રષ્ટાચારના સડાને દૂર નહીં કરવામાં આવે તો આગામી દિવસોમાં આમરણાંત ઉપવાસ પર ઉતરવાની પણ ફરજ પડશે. એવી ચીમકી આપવામાં આવી છે.
સુરતના અબ્રામા રોડ પર આવેલી ખાનગી શાળાના સંચાલકોએ કઠોર જીઈબી ખાતામાં ફરજ બજાવતા આઈસ્ક્રીમવાળા અને કોન્ટ્રાકટર જયેશ પટેલ સામે ગંભીર પ્રકારના આક્ષેપો લગાવ્યા છે. અબ્રામા રોડ પર આવેલી ખાનગી શાળા નજીકના રોડ પર હાઈ – ટેન્શન લાઇન પસાર થાય છે અને ચોમાસા દરમિયાન લાઈનનો વાયર તૂટી રસ્તા પર પડી જાય છે. જેના કારણે દુર્ઘટના સર્જાવાની ભીતિ પણ રહેલી છે. જેને લઈ ગત તારીખ ૦૪.૦૬.૨૦૧૮ના રોજ જીઈબીના કોન્ટ્રાકટર જયેશ પટેલને શાળાના સંચાલક રાકેશ રાય દ્વારા ત્રણ લાખની રકમ અંડર લાઇન કરવા તેમજ મીટર લોડ વધારવા આપવામાં આવી હતી. કોન્ટ્રાકટર દ્વારા તાકીદે કામ પૂર્ણ કરવાની ખાતરી આપવામાં આવી હતી. બે માસ જેટલો સમય વિત્યા બાદ પણ કામગીરી ન થતા જયેશ પટેલે ફરી બે લાખ પડાવ્યા હતા. છતાં કામગીરી થઈ ન હતી. જીઈબીની કઠોર ખાતેની કચેરીમાં આઈસ્ક્રીમવાળા સાહેબને વીસ લાખ આપવા પડશે તેવી વાત કોન્ટ્રાન્ટર દ્વારા સંચાલકને કરવામાં આવી હતી. જે બાદ સંચાલકોએ આ વાત ટ્રસ્ટીને કરતા કઠોર કચેરી ખાતે લેખિતમાં અરજી કરી કામગીરી કરવા રજૂઆત કરી હતી. જે વાત કોન્ટ્રાકટરને માલૂમ પડતા તેણે કઈ રીતે તમારૂં કામ થાય છે તે હું જોઉ છું તેવી ચીમકી આપી હતી. બાદમાં નિષ્ઠાપૂર્વકની ફરજ બજાવતા અધિકારીની પણ બદલી કરી દેવામાં આવી હતી. રાકેશ રાય( ખાનગી શાળા સંચાલક) એ જણાવ્યું હતું કે, જીઈબી ખાતાના કોન્ટ્રાકટર જયેશ પટેલ અને અધિકારીના આ ભ્રષ્ટાચાર સામે શાળા સંચાલકોએ હવે બાયો ચઢાવી છે અને લડી લેવાના મૂડમાં છે. કઠોર જીઈબી ખાતાના અધિકારીઓ પર લગાવવામાં આવેલા મોટા ભ્રષ્ટાચાર સામે પોલીસ કાર્યવાહીની માંગ કરવામાં આવી છે. જેને લઈ જીઈબી વિજિલન્સ કમિશનને પણ પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે. આજ રોજ શાળા સંચાલકો મોટી સંખ્યામાં પોલીસ કમિશનર કચેરી ખાતે પહોંચ્યા હતા અને તપાસની માંગ કરી હતી. જો યોગ્ય તપાસ કરી કાર્યવાહી કરવામાં ન આવે તો આમરણાંત ઉપવાસની ચીમકી ઉચ્ચારવામાં આવી છે. એટલું જ નહીં જીઈબી ખાતાના અધિકારીના ભ્રષ્ટાચારની ઓડિયો ક્લિપ પણ સામે આવી છે.