(સંવાદદાતા દ્વારા) પાલનપુર, તા.૧ર
ભારત સરકારના ચૂંટણી પંચ દ્વારા લોકસભા ૨૦૧૯ની ચૂંટણીની તારીખો જાહેર કરી દીધી છે. સમગ્ર દેશમાં સાત તબક્કામાં લોકસભાની ચૂંટણી યોજાવાની છે ત્યારે ગુજરાતમાં ત્રીજા તબક્કામાં ચૂંંટણી યોજાશે. જેમાં ૨૮મી માર્ચે ચૂંટણીનું જાહેરનામું બહાર પડશે, ચોથી એપ્રિલ ઉમેદવારી પત્રો ભરવાની છેલ્લી તા.૫ એપ્રિલ ફોર્મ ચકાસણી થશે, ૮ એપ્રિલ ઉમેદવારી પત્રો પરત ખેંચવા, ૨૩ એપ્રિલના રોજ મતદાન યોજાશે અને ૨૩ મેના રોજ મતગણતરી યોજાશે. લોકસભાની ચૂંટણી જાહેર થવાની સાથે બનાસકાંઠા જિલ્લામાં વહીવટી તંત્ર પુરજોશમાં કામે લાગી ગયું છે. લોકસભાની ચૂંંટણીમાં બનાસકાંઠામાં કુલ ૨૨ લાખથી વધુ મતદારો નોંધાયા છે જેમાં ૯૨૫૮ દિવ્યાંગ મતદારો નોંધાયા છે. બનાસકાંઠા જિલ્લામાં ૨૬૧૫ મતદાન મથકો પર ચૂંંટણી યોજાવાની છે જેમાં ૨૬ હજારથી વધુ સરકારી કર્મચારીઓ લોકસભાની ચૂંટણીમાં ફરજ બજાવશે. જિલ્લાના નાયબ ચૂંટણી અધિકારી યોગેશભાઈ ઠક્કરે જણાવ્યું હતું કે, લોકસભાની ચૂંટણીને લઈને વહીવટીતંત્ર તમામ તૈયારીઓને આખરી ઓપ આપી દીધો છે તેમજ શાંતિમય વાતાવરણ આગામી લોકસભાની ચૂંટણી પૂર્ણ થાય તેના માટે તંત્ર ખડેપગે છે.