(સંવાદદાતા દ્વારા) સુરત, તા.૩
ગુજરાતમાં કોરોના વાયરસ કાળો કેર વર્તાવી રહ્યો છે. દરરોજ કોરોના સંક્રમિતોની સંખ્યામાં ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ગુજરાતમાં અમદાવાદ બાદ સુરતમાં કોરોનાનો વિસ્ફોટ થઈ રહ્યો છે, ત્યારે “ડાયમંડ સિટી”ના અનેક વિસ્તારોમાં રાજ્યના ‘આરોગ્યમંત્રી ખોવાયા છે’ ના પોસ્ટરો આમ આદમી પાર્ટીએ લગાવ્યા છે. સુરતમાં કોરોના વાયરસના કેસો દિવસે ને દિવસે વધી રહ્યા છે, ત્યારે રાજ્યના આરોગ્ય મંત્રી કુમાર કાનાણી અત્યાર સુધી ક્યાંય નથી દેખાયા. હવે આ મુદ્દાને લઈને આમ આદમી પાર્ટીએ કુમાર કાનાણીના પોસ્ટરો સુરતના વરાછા અને સરથાણા વિસ્તારમાં લગાવ્યા છે. આ પોસ્ટરોમાં લખ્યુ છે કે, “આરોગ્ય મંત્રી ખોવાયા છે, જે કોઈને મળે તે સુરત સિવિલ પહોંચાડવા વિનંતી.” શહેરમાં આમ આદમી પાર્ટી સુરતના બેનર હેઠળ રાજ્ય આરોગ્યમંત્રી કુમાર કાનાણી ખોવાયા હોવાના બેનર લાગ્યા છે. જેમાં જે કોઈને પણ મળે તો સુરત સિવિલ હોસ્પિટલ પહોંચાડવા વિનંતી પણ કરવામાં આવી છે. શહેરના સરથાણા, સિંગણપોર, કોઝવે, ડભોલી સહિતના મોટાભાગના વિસ્તારમાં બેનરો લગાવવામાં આવ્યા છે. હાલ તો આ બેનરો સોશિયલ મીડિયામાં પણ વાઇરલ થઈ રહ્યા છે. આ બાબતે આરોગ્યમંત્રી કુમાર કાનાણીએ જણાવ્યું હતું કે, મારી પુત્ર વધુ અને પૌત્રનો રિપોર્ટ પોઝિટિવ આવ્યા ત્યારે હું ગાંધીનગર હતો. જેથી હું ગાંધીનગરમાં જ રહ્યો છું. હું ક્યાંય ખોવાયો નથી. આ તો રાજકીય કાવતરૂ છે. આગામી દિવસોમાં કોર્પોરેશનની ચૂંટણી આવી રહી છે. જેને લઈને મારા વિરૂદ્ધ પ્રચાર કરી રહ્યા છે. આમ આદમી પાર્ટીના કાર્યકરો દ્વારા પોસ્ટરો લગાવવાની કામગીરી ચાલી રહી હતી તે દરમ્યાન ત્યાં દોડી આવેલા ભાજપના કાર્યકરો દ્વારા આમ આદમી પાર્ટીના કાર્યકરો સાથે ધક્કા મુક્કી કરવામાં આવી હતી.