રાહુલ ગાંધી, કમલનાથ, રણદીપસિંહ સુરજેવાલા, રાજીવ સાતવ, મુકુલ વાસનિક, મધુસુદન મિસ્ત્રી, છત્તીસગઢના મુખ્યમંત્રી ભુપેશ બઘેલ સહિત કોંગ્રેસના રાષ્ટ્રીય નેતાઓ દફનવિધિમાં ભાવુક બન્યા
અંકલેશ્વર, તા.૨૬
કોંગ્રેસના રાષ્ટ્રીય નેતા અને રાજ્યસભાના સાંસદ તથા તમામ પ્રજાજનોના સન્માનીય નેતા અહમદભાઈ પટેલે આ ફાની દુનિયાને અલવિદા કરી હતી. તેઓના જનાઝાને કોવિડ-૧૯ની ગાઈડલાઈન મુજબ હવાઈ માર્ગે વડોદરા એરપોર્ટ પર લાવવામાં આવ્યો હતો, જ્યાંથી એમ્બ્યુલન્સ મારફતે અંકલેશ્વરની સરદાર પટેલ હોસ્પિટલ ખાતે લાવીને કોલ્ડ સ્ટોરેજમાં રાખવામાં આવ્યો હતો. આજરોજ સવારે કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી તેમજ અહમદ પટેલના પરિવારજનો અને કોંગ્રેસના દિગ્ગ્જ નેતાઓ સહિત લોકોની ઉપસ્થિતિમાં તેમની અંતિમ યાત્રા નીકળી હતી અને જનાઝાની નમાજ અદાયગી દારૂલ ઉલૂમ અક્કલકુવાના મોહતમીમ મૌલાના હજરત ગુલામ વસ્તાન્વી દ્વારા કરાયા બાદ તેમના માતા-પિતાની કબર પાસે જ તેમને દફનાવવામાં આવ્યા હતા.
સરળ અને શાલીન સ્વભાવના વ્યક્તિત્વવાળા અહમદ પટેલની અંતિમ સફરમાં કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી, પ્રદેશના દિગ્ગ્જ નેતાઓ તેમજ અહમદ પટેલના પુત્ર ફૈસલ, દીકરી મુમતાજ સહિત પરિવારજનો અને મોટી સંખ્યામાં તેમના સમર્થકો જોડાયા હતા. આજે સવારે અહમદ પટેલને સરદાર પટેલ હોસ્પિટલના કોલ્ડસ્ટોરેજમાંથી એમ્બ્યુલન્સ મારફતે પીરામણ ગામના તેમના નિવાસસ્થાને લાવવામાં આવ્યા હતા, જો કે અંતિમયાત્રા પૂર્વે વહેલી સવારથી જ ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો અને પીરામણ ગામ ખાતે લોકોની ભીડ ન થાય તે માટે જિનવાલા સ્કૂલથી પીરામણ સુધીના માર્ગ ઉપર બેરિકેડ મૂકી અવરજવર માટે બંધ કરવામાં આવ્યો હતો. જનાઝાની નમાજ અદા કરવા માટે હેલિપેડ ગ્રાઉન્ડ ખાતે તૈયારીઓ કરવામાં આવી હતી તેમજ ગ્રાઉન્ડમાં ટ્રેકટર દ્વારા સૅનિટાઇઝરનો છટકાવ કરવામાં આવ્યો હતો અને નમાજ અદા કરવા આવતા લોકોનું ચેકીંગ કરી માસ્ક તેમજ સેનિટાઇઝ કરવામાં આવ્યા હતા અહમદ પટેલના પાર્થિવ દેહને અંતિમ દર્શન માટે રાખ્યા બાદ તેમની અંતિમ યાત્રા નીકળી હતી. રાહુલ ગાંધીએ કોંગ્રેસ પરિવારના જૂના સાથી અહમદ પટેલના પાર્થિવ દેહને કાંધ આપી હતી. કોવિડ-૧૯ ગાઈડલાઈનના ચુસ્ત અમલ સાથે ઠેર-ઠેર વ્યવસ્થા જાળવવા માટે પોલીસ કાફલો ખડકી દેવામાં આવ્યો હતો અને કબ્રસ્તાન આગળ પણ મેટલ ડિટેક્ટિક્ટર સાથે માસ્ક સેનિટાઇઝેશનની વ્યવસ્થા ગોઠવવામાં આવી હતી.
અશ્રુભીની આંખે અને ભારે હૈયે અહમદભાઈ પટેલને અલવિદા કરવામાં આવી હતી, પિરામણ કબ્રસ્તાન ખાતે તેમના પાર્થિવ દેહને આખરી દીદાર માટે મુકવામાં આવ્યો હતો. ખાસ દુવા અદા કરવામાં આવી હતી. સાથે જ જનાઝાની નમાજ અદાયગી બાદ તેમના માતા-પિતાની કબરની વચ્ચે મર્હૂમ અહમદ પટેલની દફનવિધિ સંપન્ન થઇ હતી. તેમના અંતિમ દર્શન માટે મધ્યપ્રદેશના માજી મુખ્યમંત્રી કમલનાથ, કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા રણદીપસિંહ સૂરજેવાલા, રાજીવ સાતવ, મુકુલ વાસનીક, મધુસૂદન મિસ્ત્રી, માજી મંત્રી અનિસ અહેમદ, આરીફ નસિમખાન, પવન ખેરા, છત્તીસગઢના મુખ્યમંત્રી ભૂપેશ બઘેલ, અખિલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસ લઘુમતી ડિપાર્ટમેન્ટના ચેરમેન નદીમ જાવેદ સહિત રાજ્યના કોંગ્રેસના સાંસદો, ધારાસભ્યો, કાઉન્સીલરો, પાલિકા પ્રમુખો, સરપંચો સહિત હજારો કોંગ્રેસના આગેવાનો, કાર્યકરો ઉપસ્થિત રહ્યાં હતા. ઉપરોક્ત પ્રસંગે બરોડા રેન્જના આઇ.જી. હરિકુષ્ણ પટેલના માર્ગદર્શન હેઠળ ડીવાયએસપી ચિરાગ દેસાઈ સ્ટાફ નાઓએ કોવિડ-૧૯ના ગાઈડલાઇન પ્રમાણે દફનવિધિ સંપન્ન કરાઇ હતી જેને લઈ પિરામણ ગામે જવાના રસ્તા પર ચારે કોર બેરીકેટ મૂકી પોલીસે ચુસ્ત બંદોબસ્ત ગોઠવ્યો હતો.