અમદાવાદ, તા.૧
રાજ્યમાં કોરોના કાળમાં છેક લોકડાઉનના સમયથી શાળા-કોલેજોમાં શૈક્ષણિક કાર્ય બંધ છે અને ઓનલાઈન શિક્ષણ અપાઈ રહ્યું છે ત્યારે સરકાર દ્વારા અભ્યાસક્રમમાં ઘટાડા બાદ ધો.૯થી ૧રમા પરીક્ષાનું પરિરૂપ અને પ્રશ્નપત્રનું માળખું તેમજ ગુણભાર સહિતની બાબતો ઝડપથી જાહેર કરવા વિદ્યાર્થી અને વાલીઆલમ દ્વારા માંગ ઊઠી હતી ત્યારે ગુજરાત સરકારે ધો.૯થી ૧રના અભ્યાસક્રમને લઈને મહત્ત્વનો નિર્ણય લીધો છે. કોરોના મહામારીને ધ્યાને લેતા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા શૈક્ષણિક વર્ષ ર૦ર૦-ર૧માં સરકાર દ્વારા વિદ્યાર્થીઓના હિતમાં ધો.૯થી ૧રના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કરવામાં આવ્યો છે. માત્ર એટલું જ નહીં. પરીક્ષા પદ્ધતિમાં પણ ફેરફાર કર્યો છે જે મુેજબ ધો.૯, ૧૦, ૧૧ અને ૧ર સામાન્ય પ્રવાહમાં પ્રશ્નપત્રોમાં હેતુલક્ષી પ્રશ્નોનું પ્રમાણ વધારીને ૩૦ ટકા કર્યું છે, જે અગાઉ ર૦ ટકા હતું. જ્યારે ધો.૧ર સાયન્સમાં અગાઉની જેમ પ્રશ્નપત્રોમાં પ૦ ટકા એમસીક્યુ (મલ્ટિપલ ચોઈસ ક્વેશ્ચન) અને પ૦ ટકા વર્ણનાત્મક પ્રકારના પ્રશ્નોનું પ્રમાણ યથાવત્ રાખવામાં આવ્યું છે. ધો.૯થી ૧રમાં પ્રશ્નપત્રોમાં વર્ણાનાત્મક પ્રકારના પ્રશ્નોમાં ઈન્ટરનલ ઓપ્શનને બદલે જનરલ ઓપ્શન આપવામાં આવશે. આ ફેરફાર અન્વયે ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધો.૧૦ અને ૧રના મુખ્ય ૪૦ વિષયોના પ્રશ્નપત્ર પરિરૂપ ગુણભાર તથા નમૂનાના પ્રશ્નપત્રો તજજ્ઞો દ્વારા તૈયાર કરવામાં આવ્યા છે. આ અંગેની વિગતો બોર્ડની વેબસાઈટ ુુુ.ખ્તજીહ્વર્.ખ્તિ પર પણ મૂકવામાં આવી છે. અભ્યાસક્રમમાં કાપ અને ફેરફારનો નિયમ એક વર્ષ માટે જ લાગુ પડશે. રાજ્ય સરકારે ગુજરાતમાં એક વર્ષ માટે વિદ્યાર્થીઓના અભ્યાસક્રમમાં ૩૦ ટકાનો ઘટાડો કર્યો છે. કોરોનાની સ્થિતિને જોતા આ નિયમ માત્ર એક વર્ષ પૂરતો જ લાગુ પડશે. જો કે, શાળાઓ કયારથી ખૂલશે આ અંગે કોઈ નિર્ણય સરકારે હજુ સુધી લીધો નથી. કોરોના મહામારી વચ્ચે સરકાર દ્વારા ધો.૧૦ અને ૧રની પરીક્ષાઓ મે મહિનામાં જ્યારે ધો.૯ અને ૧૧ની પરીક્ષાઓ જૂન મહિનામાં યોજવાનું નક્કી કરવામાં આવ્યું છે.