ઇમામ અબુ હનીફા રહ.એ ઉસુલે તેહિ્કક (સંશોધનના નિયમો) પોતે લખ્યા હતા. તેઓ કહે છે :‘હું અલ્લાહની કિતાબ (કુર્આન) થી પ્રાપ્ત કરૂં છું. જો ત્યાં કોઈ મસઅલો મને ના મળે તો સુન્નતે રસુલલ્લાહ (સ.અ.વ.)સાહેબથી પ્રાપ્ત કરૂં છું. એ ત્યાં પણ ન મળે તો સહાબા રદી.માંથી કોઈના કોલને માન્ય રાખું છું અને જ્યારે મામલો ઇબ્રાહીમ, શોઅબી, ઇબ્ને સીરીન અને અતા કે જેઓ મુજ્તહીદ હતા -પર આવી જાય તો હું પણ એમની જેમ જ ઇજ્તેહાદ કરૂં છું.‘અલી બિન આસીમ કહે છે કે જો ઇમામ અબુ હનીફા રહ.ના જ્ઞાનને એમના યુગના જ્ઞાનીઓના જ્ઞાન સાથે સરખાવવામાં આવે તો અબુ હનીફાનું જ્ઞાન ભારે હશે. ઇમામ શાફઈએ કહ્યું હતું લોકો ફિકહમાં અબુ હનીફા રહ.ના મોહતાજ(આશ્રિત) છે.
ઇમામ અબુ હનીફા રહ. એકદમ સાદગી પસંદ હતા.એમતો કાપડનો ધંધો ખૂબ ચાલતો હતો, આવક બહુ સારી હતી પરંતુ જરૂરત જેટલા જ દીરહમ રાખી બાકીના સદ્કો કરી દેતા હતા. ખૂબ સખી હતા. કુફાના મશાઈખ અને મોહદ્દીશીનને ખાવાપીવાનું સામાન એમના ઘરે મોકલી આપતા.જે રકમ વધતી એને પણ એ લોકોમાં વહેંચી દેતા. કુફાની જામા મસ્જિદમાં સવારની નમાઝથી ઝોહરની નમાઝ સુધી અને ઈશાની નમાઝથી રાત્રીના એક પહોર સુધી વિદ્યાર્થીઓને ભણાવતા. મોહલ્લાની મસ્જિદમાં અસરથી મગરીબ સુધી ભણાવતા. ઝોહરથી અસર વચ્ચે પોતાના ઘરમાં આરામ ફરમાવતા. શનિવાર પોતાના કાર્યો માટે ફાળવેલ હતું. દર શુક્રવારે લોકોની દાવત કરતા. રાત્રે અલ્લાહની ઇબાદતમાં વ્યસ્ત થઇ જતા. ઇમામ ઝેહ્બી એ ફરમાવ્યું કે ઇમામ અબુ હનીફા આખી રાત ઇબાદત કરતા. એક રકાતમાં આખું કુર્આન પઢી નાખતાં. આવું કરનારા તેઓ માત્ર ચોથા હતા(હ.ઉસ્માન બિન અફ્ફાન રદી., તમીમ દારી, સઈદ બિન જુબેરે પણ એક રકાતમાં આખું કુર્આન પઢ્યું હતું.) એવું કહેવાય છે કે એમણે ઇશાના વઝુથી ફજરની નમાઝ ચાલીસ વરસ સુધી પઢી હતી. રાત્રે એમના રડવાનો અવાજ સાંભળતા તો પાડોશીઓને પણ દયા આવતી.
લોકો એમની પાસે પોતાની અમાનત (થાપણ) મૂકી જતા હતા. લોકો એમને અમીન ઉપનામથી પોકારતા. એમનું અવસાન થયું ત્યારે લગભગ પાંચ કરોડ રૂપિયા જેટલી અમાનત ઘરમાં હતી, જે એમના પુત્રએ મૂળ માલિકોને પછી આપી દીધી હતી.(મનાકીબ, ભાગ-૧,પૃ-૨૨).આપ ખૂબ ધૈર્યવાન હતા. પોતાની માતાને ખૂબ પ્રેમ અને ઇઝ્ઝત કરતા. એમની માતાને કુફાના મશહૂર વાઅઝ ઉમરૂ બિન ઝર અને કાઝી ઝરઆ પર ખૂબ ભરોસો હતો. તેઓ ઈમામ અબુ હનીફાને કહેતા કે એમને જઈને અમુક તમુક મસઅલો પૂછી આવો. એ પોતે મસઅલા બતાવનાર વિદ્વાન હતા પરંતુ માતાના માન ખાતર તેઓ એમની પાસે જતા અને મસલો બયાન કરતાં. ઉમરૂ અને કાઝી કહેતા કે તમે પોતે જ અમને મસલો બતાવી દો અમે તમને કહીશું અને તમે તમારી માતાને જઈને કહી દેજો. હઝરત આવું જ કરતા.
ઇમામ અબુ હનીફા રહ. પોતાના માતા પિતા સાથે ગુરૂઓ અને શિષ્યોની પણ ઇજ્જત કરતા. તેઓ દુઆ કરતા તો સૌપ્રથમ પોતાના ગુરૂ હમ્માદ માટે કરતા. તેઓ કહેતા કે માતા પિતા બાળકને જન્મ આપે છે પરંતુ ગુરૂ એને જ્ઞાન અને શ્રેષ્ઠતાના ખજાના આપે છે.
ખલીફા મન્સૂર પોતાના નવા બનાવેલ પાટનગર બગદાદમાં ઈમામ અબુ હનીફા રહ.ને કાજી અલ કજાત (મુખ્ય ન્યાયધીશ) નિયુક્ત કરવા માંગતો હતો પરંતુ ઘણી વાર એના કહેવા છતાં તેઓ રાજી ન થતા ખલીફાએ તેમને હિસ. ૧૪૬મા કેદ કરી દીધા હતા. એમના પર દરરોજ દસ કોડા મારવામાં આવતા. એમના પર અત્યાચાર ગુજારવામાં આવતો.એવું કહેવાય છે કે એક દિવસ એમને ઝેર આપવામાં આવ્યું. આ બધું મન્સૂરની સામે જ થયું. આપ સજદામાં ગયા અને એ સ્થિતિમાં ૧૫ રજબ, હિસ ૧૫૦ (૧૫ ઓગષ્ટ ,૭૬૭) ના દિવસે આપનું અવસાન થયું. લગભગ પચાસ હજાર બગદાદવાસીઓ ઉમટી પડ્યા. છ વખત નમાઝે ઝાનાઝા પઢાવવામાં આવી. છેલ્લી વખત આપના પુત્ર હમ્માદે નમાઝ પઢાવી અને લગભગ વીસ દિવસ સુધી આપની કબર પર નમાઝ પઢવામાં આવતી રહી.
ઘણા વર્ષો પછી બગદાદના આઝ્મીયા વિસ્તારમાં અબુ હનીફા મસ્જિદનું નિર્માણ કરવામાં આવ્યું. ઈસ.૧૫૦૮માં સફવી સામ્રાજ્યના શાહ ઈસ્માઈલે હ.અબુ હનીફા અને શેખ અબ્દુલ કાદિર જીલાની રહ.ની દરગાહના બાંધકામને તોડી પડ્યું હતું. ઈસ.૧૫૩૩મા ઉસ્માની તુર્કોએ બગદાદ જીતી લીધું અને હ.ઈમામ અબુ હનીફા અને હ.અબ્દુલ કાદિર જીલાની રહ.ના મજારનું પુનઃનિર્માણ કરાવ્યું હતું.
હ.ઈમામ અબુ હનીફા અને એમના સાગરીતોએ જે મહાન કાર્ય કર્યું એ આ પ્રમાણે છે.
(૧) ફિકહ અલ અકબર ઃ સુન્નીઓની માન્યતાઓ અને અકીદા વિષે છે. આના ઘણા ભાષ્યો (વિવેચનો) અસંખ્ય ભાષાઓમાં વિશ્વના ઘણા દેશોમાં પ્રકાશિત થયા છે.
(૨) અલ મુસનદ અબુ હનીફા : હ.અબુ હનીફા રહ.એ જે હદીસો રિવાયત કરી હતી એનો સંગ્રહ એમના શિષ્યોએ સંકલન કર્યું છે. આના પણ ઘણા અનુવાદો ઘણા દેશોમાં પ્રકાશિત થઇ ચુક્યા છે.
(૩) અલ ફિકહ અલ અબ્સત : આ પણ અકાઈદ વિષે છે. એમના પુત્ર હમ્માદ અને એમના શિષ્યો અબુ યુસુફ અને અબુ મુતીઅ અલ બેહ્લીએ સંકલિત કરી છે.
આ ઉપરાંત ‘કીતાબુલ આસાર’ અને ‘અલ વસિયહ’ પણ એમના પ્રસિદ્ધ ગ્રંથો છે.