AhmedabadReligion

જુહાપુરામાં રહેતા મધુબેનનું અવસાન થતાં મુસ્લિમસમુદાયે અંતિમવિધિમાં સામેલ થઈ કોમી એકતા દર્શાવી

મધુબેન છેલ્લા પ૦ વર્ષથી કોઈપણ પરેશાની વિના
જુહાપુરામાં રહેતા હતા, અમે હંમેશા પરિવારની જેમ રહ્યા છે, તેમના અવસાનથી અમે અમારા ઘરનો કોઈ સભ્ય ગુમાવ્યો હોય તેવું લાગી રહ્યું છે : અશ્રુભીની આંખે મુસ્લિમ પાડોશીઓએ મધુબેનના અવસાનથી વ્યક્ત કરેલો ખાલીપો

(સંવાદદાતા દ્વારા)
અમદાવાદ,તા.૧૯
શહેરના મુસ્લિમ બિરાદરો દ્વારા ફરી એક વખત કોમી એકતાની મિસાલ રજૂ કરવામાં આવી છે. જુહાપુરામાં રહેતાં મઘુબેનનું અવસાન થતાં મુસ્લિમ પાડોશીઓએ અંતિમવિધિમાં સામેલ થઈ કોમી ભાઈચારાનો અદ્‌ભૂત દાખલો સ્થાપિત કર્યો હતો.
કોમી એકતાની આ ઉત્તમ ઘટનાની વિગતવાર વાત કરવામાં આવે તો મઘુબેન છેલ્લા ૫૦ વર્ષથી જુહાપુરાના સંકલિતનગર ખાતે રહેતા હતા. અત્રે એ નોંધવું જરૂરી છે કે, આ વિસ્તારમાં મુસ્લિમ સમુદાયની વસ્તી વિશેષ પ્રમાણમાં છે. છતાં મઘુબેન છેલ્લા પાંચ દશકથી આ વિસ્તારમાં રહેતા હતા. અને તેમને મુસ્લિમ પાડોશીઓ તરફથી પણ ભરપૂર સમર્થન મળતું હતું. મઘુબેન અને મુસ્લિમ પાડોશીઓ હંમેશા મળી સમજીને સાથે રહેતા હતા. તેમની વચ્ચે ક્યારેય કોઈપણ વાતને લઈ મનભેદ કે મતભેદ થયા નથી. ઉલ્ટાનું મઘુબેન અને મુસ્લિમ પાડોશીઓ એકબીજાના તહેવારો સાથે ઉજવતા હતા. જે ખૂબ જ પ્રશંસનીય બાબત છે. પણ તાજેતરમાં મધુબેનનું અવસાન થયું હતું. જેમની અંતિમવિધિ હિન્દુ ધર્મ પ્રમાણે કરવા મુસ્લિમ પાડોશીઓ આગળ આવ્યા હતા. મઘુબેનના મુસ્લિમ પાડોશી અનવર બીબીએ અશ્રુભીની આંખે જણાવ્યું હતું કે, મઘુબેન છેલ્લા ૫૦ વર્ષથી જુહાપુરાના સંકલિતનગર ખાતે રહેતા હતા. તેમનું અવસાન થતાં અમે પાડોશી હોવાની ફરજ અદા કરતા હિન્દુ રિવાજો મુજબ તેમના અંતિમ સંસ્કાર કર્યા હતા. અંતિમવિધિ બાદ પણ આગળના જે રિવાજો છે તે પણ અમે કરીશું. મઘુબેન અમારા પરિવાર જેવા હતા. અમે જ્યારે બીમાર થતાં ત્યારે તેઓ અમને સાચવી લેતા હતા અને જ્યારે તેઓ બીમાર થતાં હતા ત્યારે અમે તેમને સાચવી લેતા હતા. અમે હિન્દુ મુસ્લિમ તહેવારો પણ સાથે ઉજવતા હતા. અમારી વચ્ચે કોઈ ધાર્મિક ભેદભાવ ન હતો. અમે તેમને અમારા પરિવારની જેમ જ રાખતા હતા. અમે ક્યારેય એવું જોયું નથી કે, અમે મુસ્લિમ છે અને તેઓ હિન્દુ છે. અમે હંમેશા સાથે મળીને જ રહ્યા છે. તેમનું અવસાન થયું છે ત્યારે અમને એવું લાગી રહ્યું છે કે, અમે પરિવારનો જ એક સભ્ય ગુમાવી દીધો છે.