ઇદુલ ફિત્રનો તહેવાર દુનિયાભરમાં ઉજવાઈ ગયો… અરબ રાષ્ટ્રો તેમજ અન્ય ઘણા મુસ્લિમ રાષ્ટ્રોમાં આ તહેવારની ઉજવણી એક અઠવાડિયા સુધી પણ ચાલે છે… દુનિયાએ તો આનંદ-ઉલ્લાસમાં ઇદ મનાવી પરંતુ ગાઝાવાસીઓએ પણ પોતાના પર તૂટેલા દુઃખોના પહાડ વચ્ચે બહુ જ મોટું મન રાખીને ઇદ કેવા જુસ્સાથી ઉજવી એ જોઈને બિરદાવ્યા વગર રહેવાય તેમ નથી. રમઝાન માસમાં પણ સતત ઇઝરાયેલી હુમલાઓ વચ્ચે જીવી રહેલા પેલેસ્ટીનીઓએ ૩૫ હજાર જેટલા પોતાના સ્વજનોના જીવ ખોયા હોવા છતાં અને ૭૫ હજારથી વધુ ઇજાગ્રસ્ત હોવા
છતાં શક્ય તેટલી હિંમત સાથે ઇદ ઉજવી હતી. પ્રથમ તસવીરમાં ઉત્તર ગાઝામાં ઈઝરાયેલના ચાલુ હુમલા વચ્ચે આશ્રયસ્થાનોમાં રહેલા પેલેસ્ટીનના લોકો કાટમાળમાં લાગેલી બજારમાં ઈદની ખરીદી કરી રહ્યા છે. ગાઝાના લોકોએ પોતાની ધ્વસ્ત ઇમારતોની વચ્ચે ઉચ્ચ ભાવનામાં ઇદની ઉજવણી કરી છે, ઝાયોનિસ્ટ શાસન તેમના નિવાસોને નષ્ટ કરી શકે છે. પરંતુ સૌથી શક્તિશાળી, સૌથી દયાળુ સર્જક અલ્લાહ માટેના તેમના મજબૂત વિશ્વાસ અને પ્રેમને નષ્ટ કરી શક્યા નથી.
બાળકો માટે સ્વિંગ, સ્લાઇડ્સ અને ક્લાઇમ્બિંગ ફ્રેમ્સ રમવા અને માણવા માટે કોઈ રમતનું મેદાન નથી, પરંતુ તેમના હૃદય ઇદના દિવસે પણ આનંદમાં હતા, તેમની ભાવનાઓ આજે પણ દેખાઈ રહી હતી અને તેઓએ જર્જરિત ઇમારતની દીવાલ પાસે ‘સ્લાઇડ’ બનાવી હતી અને મનોરંજન મેળવ્યું હતું. જે બીજી તસવીર જોઈ શકાય છે. જ્યારે ત્રીજી તસવીરમાં પોતાના પારંપારિક પહેરવેશમાં પોઝ આપી રહેલા પેલેસ્ટીની બાળકો ઉત્સાહિત જોઈ શકાય છે અને ચોથી તસવીરમાં ઈદની નમાઝ પઢી રહેલા જાંબાઝ પેલેસ્ટીનીઓ નજર પડે છે. પેલેસ્ટીનના લોકોના હૃદય સિંહ જેવા છે અને તેઓ ઇઝરાયેલ સામે સાચા વિજેતા છે.