રોહિત શર્મા કપ્તાન જ્યારે હાર્દિક પંડ્યાને ઉપકપ્તાન બનાવાયો
ટી-૨૦ વર્લ્ડકપ માટે ટીમ ઇન્ડિયા
રોહિત શર્મા (કપ્તાન), હાર્દિક પંડ્યા (ઉપકપ્તાન), યશસ્વી જયસ્વાલ, વિરાટ કોહલી, સૂર્યકુમાર યાદવ, રિષભ પંત, સંજુ સેમસન, શિવમ દુબે, રવિન્દ્ર જાડેજા, અક્ષર પટેલ, કુલદીપ યાદવ, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપસિંહ, જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ.
નવી દિલ્હી, તા.૩૦
ભારતીય ટી-૨૦ વિશ્વકપ ટીમની જાહેરાત થઈ ચૂકી છે. આશા મુજબ ટીમ ઇન્ડિયાનું નેતૃત્વ રોહિત શર્મા કરી રહ્યો છે. જ્યારે આઇપીએલમાં ફોર્મ માટે ઝઝૂમી રહેલો હાર્દિક પંડ્યા ઉપકપ્તાન છે. જો કે, કે.એલ. રાહુલ ટીમની બહાર છે જ્યારે સંજુ સેમસન અને રિષભ પંતના રૂપમાં બે વિકેટકીપર છે. રોહિત શર્માનો ઓપનિંગ પાર્ટનર યશસ્વી જયસ્વાલ હશે. જ્યારે વિરાટ કોહલી ત્રીજા સ્થાને રમશે. એવું લાગતું હતું કે, હાર્દિક પંડ્યાનું પત્તું કપાઈ જશે પણ સિલેક્ટરોએ તેના પર વિશ્વાસ વ્યક્ત કર્યો છે. બીજી બાજુ આ ટીમમાં શુભમન ગિલ અને કે.એલ. રાહુલ જેવા મોટા નામ સામેલ નથી. ટીમને જોઈએ તો સંજુ સેમસન, વિરાટ કોહલી બે એવા ખેલાડી છે જે રોહિત શર્મા અને યજસ્વી જયસ્વાલ ઉપરાંત ઓપનિંગ કરી શકે છે. અત્રે ઉલ્લેખનીય છે કે, ભારત પોતાના વિશ્વકપ અભિયાનની શરૂઆત પાંચમી જૂને ન્યૂયોર્કના નાસાઉ કાઉન્ટી આંતરરાષ્ટ્રીય ક્રિકેટ સ્ટેડિયમમાં આયરલેન્ડ વિરુદ્ધ કરશે. ત્યારબાદ ૯ જૂન, ૨૦૨૪એ તે જ સ્થળે પાકિસ્તાન વિરુદ્ધ હાઇવોલ્ટેજ મુકાબલો રમાશે. ત્યારબાદ ભારત ક્રમશઃ ૧૨ અને ૧૫ જૂને યુએસએ અને કેનેડામાં રમશે.