Religion

હઝરત અલ-અકરાઅ બિન હાબિસ (રદીઅલ્લાહુ અનહુ)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

અલ-અકરાઅ ઇબ્ન હાબિસ બિન ઇકાલ બિન મુહમ્મદ બિન સુફિયાન બિન મુજાશી બિન દારીમ અલ-તમિમી બનુ તમીમ જનજાતિના એક પ્રમુખ નેતા હતા. એમની ગણના સહાબા (હઝરત મુહમ્મદ (સ.વ.અ.)સાહેબના સાથીઓમાં)કરવામાં આવે છે. તેઓ પોતાના કબીલાના બહાદુર અને પ્રસિદ્ધ સરદાર હતા. એમનું મૂળ નામ ફરાસ હતું. માથા પર ટાલ પડી જવાને લીધે તેઓ અલ-અકરાઅથી પ્રસિદ્ધ થયા. લંગડા હોવાના કારણે તેઓ અલ અરજ નામે પણ ઓળખાયા. એમના ભાઈનું નામ મુરશીદ બિન હાબિસ હતું અને બહેન લૈલા બિંતે હાબિસ જે પ્રસિદ્ધ શાયર ફઝર્‌દકની માતા અને ગાલિબ બિન સઅસઆની પત્ની હતી. અલ-અકરાઅ પારસી હતા પછી ઇસ્લામ સ્વીકારી લીધો હતો.
અલ અકરાઅની ગણના અજ્ઞાનતા કાળમાં મોટા મોટા આગેવાનો, શાસકો અને હોશિયાર લોકોમાં થતી હતી. અજ્ઞાનતા કાળમાં ઉકાઝના મેળામાં નિર્ણાયકો બનુ તમીમના કબીલામાંથી જ રહેતા હતા. અલ અકરાઅ બનુ તમીમ કબીલાથી સંબંધ ધરાવતા હોવાથી તેઓ પણ અજ્ઞાનતા કાળમાં કદાચ છેલ્લા નિર્ણાયક હતા એમણે આ ફરજ ઇસ્લામના ઉદય સુધી સંભાળી હતી. એમને જર્રાર અર્થાત એક હજાર લશ્કરીઓની આગેવાની કરનાર તરીકે પણ ઓળખવામાં આવે છે, કેમ કે એમણે યવ્મુલ કલાબ અલ અવ્વલ અથવા સાની)માં બનુ હન્ઝલાની આગેવાની લીધી હતી.
ઇસ્લામ સ્વીકાર્યા પછી પણ અલ અકરાઅની ઇઝ્‌ઝત અને શરાફત અખંડ રહી. તેઓ ઈમાન અને ઇસ્લામમાં પુખ્ત હતા. એમણે મક્કા વિજય, ગઝ્‌વાએ હુનેન અને મુહાસીરાએ તાઈફમાં ભાગ લીધો હતો. એમને નબી (સ.અ.વ.)સાહેબે હવાઝીનની ગનીમતમાંથી એકસો ઊંટ આપ્યા હતા. આ ગૌરવભર્યા વ્યવહારથી ઈર્ષ્યા કરતા પોતાના સમયના પ્રસિદ્ધ કવિ અબ્બાસ બિન મિરદાસ અસ સલમીએ પ્રસિદ્ધ પંક્તિઓ ઉચ્ચારી હતી. (કીતાબુશ શેર). એક વખત યમનથી કેટલુક સોનું આવ્યું તો આપ (સ.અ.વ.)સાહેબ ચાર સહાબામાં આને વહેંચી દીધું જેમાં હઝરત અલ અકરાઅ પણ સામેલ હતા. હુઝુર (સ.અ.વ.)સાહેબે અલ-અકરાઅને બનુ દરિમ બિન માલિક બિન હન્ઝલાના દાનની ઉઘરાણી માટે આમિલ (અધિકારી) નિમ્યા હતા. મુહર્રમ હિસ ૯માં નબી (સ.અ.વ.)સાહેબેે ઉયેયના બિન હિસ્ન અલ ફઝારીની આગેવાનીમાં પચાસ ઘોડેસવારોની એક ટુકડી બનુ તમીમના એક કુટુંબ બનુ અંબર વિરૂદ્ધ મોકલી હતી. એ લોકો લશ્કર જોઇને ભાગી ગયાં. મુસલમાનો એમના અગિયાર પુરૂષો, એકવીસ સ્ત્રીઓ અને ત્રીસ બાળકોને પકડી મદીના મુનાવ્વારહ લઈ આવ્યા હતા. બનુ તમીમના કેટલાક આગેવાનોની એક ટુકડી કેદીઓની મુક્તિ માટે હાજર થઈ, જેમાં હઝરત અલ-અકરાઅ પણ સામેલ હતા. કેદીઓમાં પોતાના બાળકો અને સ્ત્રીઓને જોઇને પ્રતિનિધિ મંડળ બેચેન થઈ ગયું. ગભરાહટ અને ઉતાવળમાં એમણે હુઝુર (સ.અ.વ.) સાહેબને અવાઝ સાથે સંબોધન કરવા લાગ્યા. એ જ વખતે સુરઃ અલ હુજરાતની પ્રથમ ચાર આયતો અવતરિત થઈ. એક કથન મુજબ અલ-અકરાએ બૂમ પાડી હતી, અલ-અકરાએ પોતે સ્વીકાર્યું છે કે ત્યારે મારામાં અજ્ઞાનતા અને બદુવીયત (ગ્રામ્યતા) ઉપસ્થિત હતી અને હું પોતાની બિન શિષ્ટાચારી આદતને કારણે ખંડની બહારથી બૂમ પાડી હતી કે હે મુહમ્મદ(સ.અ.વ.) સાહેબ બહાર આવીને અમારી પાસે આવો. આ જ પ્રસંગે અલ-અકરાએ એલાન કર્યું હતું કે નબી અકરમ (સ.અ.વ.) સાહેબનો ખતીબ (વક્તા) અમારા ખતીબથી શ્રેષ્ઠ અને આપ (સ.અ.વ.) સાહેબનો કવિ અમારા કવિથી શ્રેષ્ઠ હતા. અલ-અકરાએ પણ કેદીઓને છોડી મૂકવાની વિનંતી કરી હતી. એમને છોડી મુક્યા પછી બનુ તમીમના પ્રતિનિધિ મંડળે ઇસ્લામ સ્વીકારી લીધો હતો. હુઝુર (સ.અ.વ.) સાહેબે એમને માન અકરામથી નવાઝ્યા હતા. અલ-અકરાઅ તો પહેલેથી જ ઇસ્લામ સ્વીકારી ચુક્યા હતા. જોકે હઝરત ઉમર (રદી.)એ તરફેણ કરી હતી કે અલ અકરાઅને બનુ તમીમનો સરદાર ઘોષિત કરી દેવામાં આવે. જયારે નજરાનથી પ્રતિનિધિ મંડળ આવ્યું તો આપ (સ.અ.વ.)સાહેબે એક શાંતિ કરાર અંતર્ગત એમને આશ્રય આપ્યો હતો. એમના સાક્ષીઓમાં હઝરત અલ-અકરાઅ પણ સામેલ હતા. એક લડાઈમાં આમિર બિન અઝ્‌બત અલ-અશ કોઇ ગેરસમજને કારણે મુસલમાનોના હાથે માર્યો ગયો તો એના કબીલાવાસીઓએ હુઝુર (સ.અ.વ.) સાહેબને ફરિયાદ કરી અને કિસાસ (ખૂનનો બદલો )ની માગણી કરી. આપ (સ.અ.વ.) સાહેબે એમને બદલાની રકમ આપવા ઈચ્છી પરંતુ તેઓ રાજી ન થયા. આખરે અલ-અકરાઅ (રદી.)ના કહેવાથી એમણે એ રકમ સ્વીકારવાનું કબૂલ રાખ્યું.
હઝરત અલ-અકરાઅ બિન હાબિસ રદી.ની સૈન્ય કારકિર્દી પણ ઉલ્લેખનીય છે. એમણે હઝરત ખાલીદ બિન વલીદ રદી. સહતે યામામાંના યુદ્ધમાં ભાગ લીધો હતો. એમણે હઝરત શુર્જીલ બિન હસનાની સાથે દુમત અલ જન્દ્‌લની લડાઈમાં પણ ભાગ લીધો હતો. હઝરત ખાલીદ બિન વલીદ રદી.ની આગેવાનીમાં તેઓ ઈરાકવાસીઓ વિરૂદ્ધ યુદ્ધ મોરચે હતા અને અંબરમાં વિજય વખતે મુકદ્દમ તુલ જૈશની આગેવાની કરી રહ્યા હતા. રાજી ઉશ્શાત્બીના કથન મુજબ અલ-અકરાઅ અને એમના દસ પુત્રોએ યર્મુક યુદ્ધમાં શહાદત વહોરી હતી. પરંતુ હાફીઝ ઝેહ્‌બી અને બલાઝરીના કથન મુજબ હઝરત ઉસ્માને ગની રદીના ખિલાફત કાળમાં હઝરત અબ્દુલ્લાહ બિન આમિરે અલ અકરાઅને લશ્કરના સેનાપતિ બનાવી ખુરાસાનના રણમેદાનમાં મોકલ્યા હતા અને બલાઝરીના મત મુજબ જુઝ્‌જાન પર વિજય મેળવ્યો હતો. અલ -અકરાના ભાઈ મુરશિદ બિન હાબિસ પણ જુઝ્‌જાનના વિજયમાં સામેલ હતા અને ત્યાં જ અવસાન પામ્યા હતા. ઇબ્ને હજારે જુઝ્‌જાનમાં અવસાન પામ્યાની રિવાયત પર ભાર આપ્યો છે.
એક પ્રસંગે હઝરત અકરાએ નબી (સ.અ.વ.) સાહેબને હઝરત ઈમામ હસનને ચુંબન કરતા જોયા તો એમણે આશ્ચર્ય સાથે પૂછ્યું હતું ‘તમે તમારા બાળકોને ચુંબન કરો છો ? મારે દસ બાળકો છે પરંતુ એમનામાંથી એકેયને હું ચુંબન કરતો નથી.” ત્યારે આપ (સ.અ.વ.)સાહેબે ફરમાવ્યું હતું ‘જે દયા નથી બતાવતો, એના પર દયા કરવામાં આવશે નહીં.”

Related posts
Religion

ઈસ્લામની આર્થિક વ્યવસ્થા

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ…
Read more
Religion

હદીસ બોધ

રોજી મેળવવાની શ્રેષ્ઠ રીત પોતાનું…
Read more
Religion

હદીસ બોધ

એકબીજા સાથે ભલાઈથી વર્તો, એથી ભાઈચારો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.