Religion

હઝરત ઉર્વાહ બિન ઝુબેર બિન અવ્વામ (રદીઅલ્લાહુ અનહુ) (૭મી સદી)

પ્રભાવી વ્યક્તિત્વ – મુહમ્મદ સઈદ શેખ

હઝરત ઉર્વાહ બિન અઝ ઝુબેર બિન અવ્વામ અલ અસદી અલ કુરશી અલ મદની સહાબી અને મદીનાના પ્રસિદ્ધ મોહદ્દીસોમાંથી એક અને એ વખતના સાત પ્રસિદ્ધ ફકીહોમાંથી એક હતા.
એમનો જન્મ હિસ ૨૩ અને ૨૯/ઈસ ૬૪૩-૬૪૯ની વચ્ચે કોઈ વર્ષમાં જન્મ્યા હોવાનું અને અવસાન હિસ ૯૧થી ૯૯/ઈસ ૭૦૯-૭૧૭ની વચ્ચે થયું હોવાનું માનવામાં આવે છે. એમની માતા હ અસ્મા બિન્તે અબુ બક્ર સિદ્દીક રદી અલ્લાહુ અનહા હતા. આમ તેઓ પ્રથમ ખલીફા હઝરત અબુ બક્ર સિદ્દીક રદી. ના દોહિત્ર હતા. હ.ઉર્વાહના પિતા પ્રસિદ્ધ સહાબી હઝરત ઝુબેર બિન અલ અવ્વામ બિન ખુવેલદ રદી. ઉમ્મુલ મોમીનીન હ.ખદીજા રદીઅલ્લાહુ અનહાના ભત્રીજા અને હુઝુર (સ.અ.વ.) સાહેબના સાઢુ ભાઈ હતા. હ.ઉર્વાહ રદી.એ ઇસ્લામના ઐતિહાસિક અધ્યયનનો પાયો નાખ્યો.
તેઓ પોતાના મોટા ભાઈ હ. અબ્દુલ્લાહ બિન ઝુબેર રદી. થી લગભગ વીસ પચીસ વર્ષ નાના હતા અને પોતાના યુગના રાજકારણથી અલિપ્ત રહી જ્ઞાનની શોધમાં રચ્યા પચ્યા રહેતા હતા. તેઓ હ. ઉસ્માન રદી.ના ખિલાફતકાળમાં મદીનામાં ઉછર્યા હતા. હઝરત ઉસ્માન રદી.ના કતલ અને હઝરત અલી રદી.ની ખલીફા તરીકેની નિયુક્તિ પછી હઝરત ઝુબેર રદી. મક્કા ચાલ્યા ગયા હતા જ્યાં તેઓ પોતાના બે પુત્રોને પણ સાથે લઇ ગયા હતા. થોડા સમય પછી હઝરત ઉર્વાહ રદી. અને એમના પિતા બસરામાં સ્થાયી થયા હતા. ઊંટોના યુદ્ધ તરીકે ઓળખાતા યુદ્ધમાં હઝરત ઝુબેર, હઝરત તલ્હા બિન ઉબેદુલ્લાહ રદી.અને હઝરત આયશા રદી.અનહા સાથે હતા. એ વખતે હઝરત ઉર્વાહ નાની ઉમરના કારણે યુદ્ધમાં ભાગ લઇ શક્યા નહતા. હઝરત ઝુબેર રદીનું અવસાન થતા કેટલાંક સમય પછી હઝરત ઉર્વાહ રદી. પોતાની માસી હઝરત આયશા રદી.અનહા સાથે મદીના મુનવ્વરા પાછા આવી ગયા હતા અને પોતાના અવસાન સુધી પોતાની મિલકતમાંથી જ ઉપાર્જન કરતા રહ્યા. અહીં જ એમણે ખલીફા અબ્દુલ મલિક બિન મરવાનની વિનંતીથી ઇસ્લામના બિલકુલ પ્રારંભિક યુગ વિષે ઇતિહાસ નોંધો અને અહેવાલોની એક શ્રૃંખલા ખલીફાને પત્રો સ્વરૂપે લખવાનો પ્રારંભ કર્યો હતો. એવું કહેવાય છે કે તેઓ મદીનાની મસ્જિદે નબવીમાં દરરોજ રાત્રે વિદ્વાન મંડળ (હલકા)માં મિત્રો સાથે બેસી ચર્ચા કરતા હતા. દર રાત્રિએ તેઓ પા ભાગના કુર્આનની તિલાવત કરતા હતા. હઝરત ઉર્વાહ રદી. પોતાની માસી હઝરત આયશા રદી.ના અવસાનના ત્રણ વર્ષ પહેલા સુધી તેઓ એમની પાસે નિયમિતપણે હાજરી આપતા હતા અને એમણે કહેલી ઘણી મહત્ત્વની હદીસોને જમા કરી હતી. એવી જ રીતે એમણે પોતાના માતા પિતા, હઝરત અલી રદી અને હઝરત અબુ હુરેરા રદી. થી ઘણી હદીસો રિવાયત કરી હતી.
જયારે એમના ભાઈ હઝરત અબ્દુલ્લાહ બિન ઝુબેરે ખિલાફત વિરૂદ્ધ પોતાને ખલીફા જાહેર કર્યા હતા ત્યારે હઝરત ઉર્વાહ પોતાના ભાઈ તરફી હતા. હર્રાના યુદ્ધના દિવસે (હિસ ૬૩/ઈસ ૬૮૩)એવું કહેવાય છે કે એમણે પોતાનું ન્યાયશાસ્ત્ર સંબંધી લખાણ (કુતુબ અલ ફિકહ)ને બાળી નાખ્યું હતું, પાછળથી આ બાબતે એમને ઘણો પસ્તાવો થતો હતો. હિસ ૬૯/ઈસ ૬૮૮માં અબ્દુલ્લાહ બિન ઝુબેર રદી.એ હઝરત ઉર્વાહ રદી.ને અલી મુહમ્મદ બિન અલ હનફીયા સામે એક રાજકીય મિશન પર મોકલ્યા હતા જે નિષ્ફળ રહ્યું હતું. અલ મસુદીના મત મુજબ જયારે અબ્દુલ મલિકના સેનાપતિ અલ હજ્જાજ બિન યુસુફે હિસ ૭૩/ઈસ ૬૯૨મા મક્કાનો ઘેરો નાખ્યો હતો ત્યારે એમણે રાજકીય રીતે મહત્ત્વની ભૂમિકા નિભાવી હતી, એમણે એમની માતા હઝરત અસ્મા રદી.ના કહેવાથી શરણાગતિ સ્વીકારવાની અને એમને આપવામાં આવેલી ‘અમાન’ની ઓફર સ્વીકારવાનો ઇન્કાર કર્યો હતો. એમણે ફરીથી મદીનામાં વસવાટ કરવાનું શરૂ કર્યું હતું.
હિસ ૮૭/ઈસ ૭૦૬માં હઝરત ઉમર બિન અબ્દુલ અઝીઝ રહ.મદીનાના ગવર્નર તરીકે નિમાયા (પછીથી તેઓ ખલીફા બન્યા હતા). એમણે દસ ફકીહો (ધર્મ ન્યાયશાસ્ત્રીઓ)ની નિમણૂક કરી હતી એમાંથી એક હઝરત ઉર્વાહ રદી. પણ હતા, જેમનું કામ ગવર્નરને દરેક કાર્યમાં અને ખાસ કરીને ધાર્મિક અને ન્યાયિક બાબતોમાં સલાહ સૂચનો આપવાનું હતું.
હઝરત ઉર્વાહ રદી. એક ખૂબ જ ભરોસાપાત્ર હદીસોના રાવી (કથનકાર) તરીકે માનવામાં આવે છે. તેઓ ખૂબ જ પ્રમાણિક અને સંયમ ધરાવતા હતા. એમને ‘જ્ઞાન ના સમુદ્ર’ તરીકે વર્ણવવામાં આવે છે. કેટલાંક યુરોપીય ઈતિહાસકારો તો એમને ‘મદીનાના ઇતિહાસના જનક’ તરીકે ઓળખાવે છે. તેઓ માત્ર એક ઇતિહાસકાર જ નહોતા કે હદીસોના કથનકાર જ નહોતા પરંતુ એક સારા ધર્મ ન્યાયશાસ્ત્રી પણ હતા અને ઘણા પ્રશ્નોના ઉકેલ એક મુફ્તી તરીકે પણ આપતા હતા. તેઓ કુર્આનની આયતોની સમજૂતી પણ આપતા હોવાના ઘણા દાખલા મળે છે.
કેટલાંક લોકો એમને સહાબી માને છે તો ઘણા એમને તાબેઈન માને છે. તેઓ ઇસ્લામના પ્રારંભિક લોકોમાંથી હતા જેમણે વ્યવસ્થિત રીતે હદીસોનો સંગ્રહ કર્યો હતો. એક મોહદ્દીસ તરીકે એમનું સ્થાન ઘણું ઊંચું છે અને એમનું નામ સાત મોટા ફકીહોમાં સામેલ છે. એમણે મોટાભાગની હદીસો પોતાના માસી હઝરત આયશા રદી.થી શીખી હતી અને રિવાયત કરી હતી. એમનાથી એમના પુત્ર હઝરત હિશામે અને એક શિષ્ય ઇબ્ને શિહાબ અલ ઝુહરીએ રિવાયત કરી હતી. હઝરત ઉર્વાહ રદી.એ એક મોટું પુસ્તકાલય બનાવ્યું હતું જેમાં ઇતિહાસ અને ફિકહના ઘણા પુસ્તકો હતા. એમણે એક પુસ્તક ‘કીતાબુલ મગાઝી’ લખ્યું હતું જેનો ઉલ્લેખ અને એના સંદર્ભો ઇબ્ને સા’દ,અત તબરી અને ઇબ્ને ઈસહાકમાં જોવા મળે છે.
એમનું અવસાન મદીનાથી ૨૦૦ કિમી દૂર આવેલ અલ ફૂર ગામમાં થયું હતું અને ત્યાં જ એમને દફનાવવામાં આવ્યા.

Related posts
Religion

ઈસ્લામની આર્થિક વ્યવસ્થા

ઈસ્લામની ઝલક – પ્રો. અખ્તરૂલ…
Read more
Religion

હદીસ બોધ

રોજી મેળવવાની શ્રેષ્ઠ રીત પોતાનું…
Read more
Religion

હદીસ બોધ

એકબીજા સાથે ભલાઈથી વર્તો, એથી ભાઈચારો…
Read more
Newsletter
Become a Trendsetter

Sign up for Davenport’s Daily Digest and get the best of Davenport, tailored for you.