ગુજરાતના મુખ્યમંત્રી તરીકેના શાસનકાળ દરમિયાન
(સંવાદદાતા દ્વારા) અમદાવાદ, તા.૧૩
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ તાજેતરમાં ડીસા ખાતે પધારી તેમના ભાષણમાં ‘‘મને સંસદમાં બોલવા દેતા નથી એટલે જનસભામાં બોલું છું’’ એવું જે વાહીયાત વાતો કરી તે અંગે ગુજરાત વિધાનસભા વિરોધપક્ષના નેતા શંકરસિંહ વાઘેલાએ આજરોજ પત્રકારોને સંબોધન કરતાં જણાવ્યું હતું કે સંસદ ચલાવવાની જવાબદારી સત્તાધારી પક્ષની હોય છે. વડાપ્રધાન તરીકે તેમણે કરેલું આવું હલકું નિવેદન એ ભારતની સંસદનું અપમાન છે. ગુજરાતમાં મુખ્યમંત્રી તરીકેના શાસનકાળ દરમિયાન ગુજરાત વિધાનસભામાં શોકાંજલિ સિવાય તેમણે કેટલીવાર ચર્ચામાં ભાગ લીધો હતો ? તે દેશને ગુજરાતના માધ્યમથી બતાવે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, ભાજપની દિલ્હીની સરકાર જાણી જોઈને પ્રજા હેરાન થાય તેવા કૃત્યો કરી રહી છે. મેં જાહેરમાં વિનંતી કરી હતી કે રજાના ત્રણ દિવસોમાં બેંકો ચાલુ રાખો, તો પ્રજા નવા ખાતા ખોલાવી શકે અને પોતાના નાણાંકીય વ્યવહાર સાચવી શકે. જો રજાના ત્રણ દિવસોમાં બેંકો ચાલુ રાખી હોત તો લાખો લોકો નવા ખાતા ખોલાવવા જે લાઈનમાં ઊભા છે, એ આ ત્રણ દિવસમાં પોતાના નવા ખાતા ખોલાવી શકત અને પોતાનો વ્યવહાર સરળ રીતે ચલાવી શકત. પરંતુ સરકારે આ વિનંતી ગ્રાહ્ય નહીં રાખીને સામાન્ય પ્રજાને વધારે મુશ્કેલીમાં મૂકી દીધી. રૂા.પ૦૦-૧૦૦૦ની નોટબંધીને આજે ૩પમો દિવસ પૂરો થશે તો પણ ‘‘લગાવો લાઈન, તબિયત ફાઈન’’ એમ સામાન્ય માણસ પોતાની કમાણી બેંકમાં જમા છે તે ઉપાડવા માટે અને તેનો ઉપયોગ કરવા પણ સ્વતંત્ર નથી. અચ્છે દિન ઈંતેજારીમાં પ્રજા આજે ત્રાહિમામ પોકારી ગઈ છે. સરકાર કોઈપણ નિર્ણય કરવા માટે સ્વતંત્ર હોય છે, પરંતુ ભાજપ સરકારની આગ લાગે ત્યારે કૂવો ખોદવા બેસવાની નીતિને કારણે આજે પણ નવી નોટો છાપવાનું કામ પૂર્ણ થયું નથી અને નવી કરન્સી છાપવાના કાગળ પણ આયાત કરવાના બાકી છે. પ્રધાનમંત્રીનો પ૦ દિવસનો વાયદો પૂર્ણ થશે તે દિવસે તેમની પાસે દેશની જનતા જવાબ માંગશે કે કાળુ નાણું બંધ થઈ જશે તેવું તમે કહેતા હતા, તો કાળુ નાણું બંધ થયું ? ભ્રષ્ટાચાર બંધ થશે તો ભ્રષ્ટાચાર બંધ થયો ? આતંકવાદ બંધ થઈ જશે, તો થયો ? મોંઘવારી ઓછી થશે તે થઈ ? આવું કંઈ પણ ન કહેવું હોય તો સરકાર સુપ્રીમકોર્ટના સિટીંગ જજના માધ્યમથી તપાસ સમિતિ નીમે અને પોતે શ્વેતપત્ર બહાર પાડે કે અભ્યાસ વગર કરેલા નિર્ણયોથી અમારો એકપણ આશય સિદ્ધ થયો નથી ત્યારે દેશની પ્રજા અમને માફ કરે અને અમારા મળતિયાઓને કાળુ નાણું સફેદ અને ગુલાબી કરવાની સવલત કરી આપી તે બદલ માફી આપે. શંકરસિંહ વાઘેલાએ જણાવ્યું હતું કે ભાજપ સરકારે પોતાના મળતિયાઓને નોટબંધી પહેલાં ર૦૦૦ રૂપિયાની નવી ચલણી નોટોનો કરોડો રૂપિયાનો વ્યવહાર કરી દીધો છે એટલું જ નહીં. દેશમાં આજે દરરોજ કરોડો રૂપિયાની નવી નોટો પકડાય છે ત્યારે કોના માધ્યમથી આ નવી નોટો સપ્લાય થઈ ? તે તપાસનો વિષય છે. ભાજપવાળા તેમના લગ્નપ્રસંગે ર૦૦૦ રૂપિયાની નવી નોટો ઉછાળે છે જે સામાન્ય પ્રજાની ક્રૂર મશ્કરી સમાન છે.