(સંવાદદાતા દ્વારા)
ગાંધીનગર, તા.ર૮
ગુજરાત વિધાનસભાની ચૂંટણીના ઉમેદવારોની પસંદગીનો મુદ્દો કોંગ્રેસમાં તો દર વખતે માથાનો દુઃખાવો બની જ રહે છે ત્યારે આ વખતે શિસ્તબદ્ધ ગણાતી ભારતીય જનતા પાર્ટીમાં પણ ઉમેદવારોની પસંદગી મોવડીઓને બરોબરનો પરિશ્રમ કરાવી રહી છે. તાજેતરમાં જ છ દિવસ સુધી ભાજપના પ્રદેશ પાર્લામેન્ટરી બોર્ડ દ્વારા ઉમેદવારોની પસંદગી મુદ્દે મનોમંથન કર્યા બાદ ફરી પાછી તા.૯મીથી ત્રણ દિવસ માટે પાર્લામેન્ટરી બોર્ડની બેઠક બોલાવામાં આવતા સ્પષ્ટ થઈ રહ્યું છે કે, ઉમેદવારો ફાઈનલ કરવામાં મોવડીઓને ખરી મહેનત કરવી પડી રહી છે. વિવિધ વર્ગોની નારાજગીની વર્તમાન સ્થિતિમાં કોંગ્રેસના આક્રમક પ્રચાર વચ્ચે ટક્કર આપી જીતી શકે તેવા ઉમેદવારોને પસંદ કરવા મથામણ કરવામાં આવી રહી છે. ગુજરાત મોડેલ સ્ટેટ હોઈ ભાજપના મોવડીઓ કોઈપણ પ્રકારનું જોખમ લેવા માગતા નથી.
ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓ ડિસેમ્બરમાં બે તબક્કામાં થવા જઈ રહી છે ત્યારે સંભવિત ઉમેદવારો પૈકી આખરી સૂચિને તૈયાર કરવા માટે ભાજપ પાર્લામેન્ટરી બોર્ડની બેઠક ફરીવાર મળવા જઈ રહી છે. નવેમ્બરમાં ૯થી ૧૧ એમ ત્રણ દિવસ માટે આ બેઠક ગાંધીનગર ખાતે મળશે. આ બેઠકમાં ઉમેદવારો અંગે આખરી ચર્ચા કરીને મંજૂરીની મહોર મારવામાં આવશે. આ બેઠકમાં ભાજપના રાષ્ટ્રીય પ્રમુખ ખાસ ઉપસ્થિત રહેવાના છે. પાર્લામેન્ટ્રી બોર્ડની આ બેઠકમાં કુલ ૩-૩ નામોની પેનલ તૈયાર કરવામાં આવશે. ત્યારબાદ આગામી ૧૪-૧પ નવેમ્બરના રોજ દિલ્હી ખાતે કેન્દ્રીય બોર્ડની એક બેઠક મળશે જેમાં ગુજરાત વિધાનસભાની ચૂંટણી માટે ઉમેદવારોના નામો ફાઈનલ કરી તેની યાદી જાહેર કરવામાં આવશે. ગુજરાત વિધાનસભાની ચૂંટણીને લઈને જે માહોલ જોવા મળી રહ્યો છે તેનાથી ભાજપ વિશેષ રૂપે ચિંતિત છે. ભાજપે ૧પ૦નો ટાર્ગેટ નિર્ધારિત કર્યો છે. તેટલી સીટો ગુજરાતમાં મેળવવા માટે ભાજપ એડીચોટીનું જોર લગાવી રહી છે. ગુજરાત વિધાનસભાની ચૂંટણી ભાજપ માટે પ્રતિષ્ઠાનો જંગ બની ગઈ છે. આથી જ ભાજપ ઉમેદવારોના ચયનમાં ખૂબ જ સાવધાનીપૂર્વક વર્તી રહી છે. માત્ર જીતી શકે તેવા ઉમેદવારોને જ મેદાનમાં ઉતારવામાં આવશે. આ વખતે ભાજપ મોટાભાગે કેટલાક અંશે તો રિપિટ થિયરી અપનાવશે. ખાસ કરીને અમદાવાદમાં નવા ચહેરાઓને તક આપવામાં આવશે. ઉમેદવારોની પસંદગીને લઈને હાલમાં ભાજપ દ્વારા ઉંડાણપૂર્વકનું મનોમંથન ચાલી રહ્યું છે. ઉમેદવારોની છેવટની સૂચિ નવેમ્બરમાં ૯થી ૧૧ વચ્ચે લગભગ તૈયાર કરી દેવામાં આવે તેમ મનાય છે. આ યાદી પીએમ મોદી પાસે રજૂ કરીને મંજૂરી મળે તે બાદ જાહેર કરાશે તેવી વિગતો સૂત્રો દ્વારા પ્રાપ્ત થઈ છે. ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણી અંગે આ વખતે પરિસ્થિતિ તદ્દન અલગ છે. ગુજરાતમાં પ્રજાનો મુડ પણ આ વખતે કંઈક જુદો છે. આવી પરિસ્થિતિમાં ભાજપ કોઈ કસર છોડવા માગતી નથી.